Home /News /national-international /Modi@8: પીએમ મોદી સાચા અર્થમાં લોખંડી ઇચ્છાશક્તિવાળા વ્યક્તિ: યોગી આદિત્યનાથ

Modi@8: પીએમ મોદી સાચા અર્થમાં લોખંડી ઇચ્છાશક્તિવાળા વ્યક્તિ: યોગી આદિત્યનાથ

પીએમ નરેન્દ્ર મોદી સાથે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Twitter/@myogiadityanath)

Modi Government - મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવી પહેલ નવા ભારતના નિર્માણમાં માઇલસ્ટોન સાબિત થઇ રહી છે - યોગી આદિત્યનાથ

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીજીને (Narendra Modi)આશા અને પરિવર્તન લાવવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમણે છેલ્લાં આઠ વર્ષમાં આ કામ પૂરું કર્યું છે. તેમણે 'નવા ભારત'ની (New India)કલ્પના કરી હતી અને પોતાના વિચારો, કાર્યો અને વિઝન સાથે તેમણે આપણા દેશને વિકાસ (development)અને પ્રગતિના પથ પર આગળ વધાર્યો છે.

તેમનાં પગલાંને પરિણામે ભારતે વૈશ્વિક રાજનીતિમાં શક્તિશાળી સ્થાન ભોગવ્યું છે અને આપણો દેશ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નું વિઝન સાકાર કરી શક્યો છે. તેની ઝલક તેમના વ્યક્તિત્વ અને સર્જનાત્મકતામાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના કારણે ભારત અસાધારણ સમયમાં અશક્યને શક્ય બનાવવામાં સફળ રહ્યું છે. તેઓ 135 કરોડ દેશવાસીઓની ભાવનાઓ અને આકાંક્ષાઓ નવા ભારતના નિર્માણમાં પ્રતિબિંબિત થાય એવી ઇચ્છાશક્તિ સાથે આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે.

તેમના જન્મથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર અને લોકસેવક તરીકે પડકારોને અવસરમાં બદલવાની તેમની ક્ષમતા 135 કરોડ દેશવાસીઓની ઈચ્છાનો આધાર બની ગઈ છે. જીવનના ગુરુકુળમાં ભણેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાળામાં તાલીમ પામેલા તેઓ પૂજ્ય અટલજીની ભાવનાથી પ્રેરિત છે.

છેલ્લા 22 વર્ષથી આખો દેશ તેમની વિચારધારા, તેમની કાર્યશૈલી, તેમના વિઝન અને રાષ્ટ્ર નિર્માણના તેમના મિશનનો સાક્ષી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સમગ્ર દેશ સમક્ષ 'વાઇબ્રન્ટ ગુજરાત' તેમજ 'ડેવલપમેન્ટ એન્ડ ગુડ ગવર્નન્સ' (ગુજરાત મોડેલ)ના મોડેલને રજૂ કર્યું હતું. તે અનેક રાજ્યો માટે વિકાસનું રોલ મોડેલ બન્યું હતું.

સ્વતંત્રતા પછી ભારત લાંબા સમય સુધી સાંપ્રદાયિકતા અને તુષ્ટિકરણની નીતિથી દુ:ખી હતું અને બધાને આવરી લેતા નેતૃત્વની ઇચ્છાથી વંચિત રહ્યું હતું. એક તરફ સમાજના સૌથી નીચલા સ્તરે ઊભેલા શોષિત અને ઉપેક્ષિત લોકો લાંબા સમય સુધી ઉત્થાનનો માર્ગ શોધતા રહ્યા અને બીજી તરફ દેશ વૈશ્વિક ગુરુની જૂની આકાંક્ષાને વળગી રહ્યો હતો.

આ પણ વાંચો - Modi@8: PM મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર ન્યૂ ઈન્ડિયા બની રહ્યું છે : અમિત શાહ

શું કોઈએ વિચાર્યું હતું કે, સ્વચ્છતા ભારતના વિકાસ માટે શક્તિશાળી સાધન બની જશે? મહાત્મા ગાંધી પછી કોઈએ આની કલ્પના પણ નહોતી કરી. પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષમાં આખો દેશ તેને સાકાર થતો જોઈ રહ્યો છે. ગરીબી દૂર કરો ના નારા દાયકાઓથી થીમ તરીકે ચાલી રહ્યા છે, પરંતુ ગરીબી હજી પણ અસ્તિત્વમાં છે. આવું શા માટે છે? કારણ કે માત્ર સૂત્રોચ્ચાર જ થયા હતા, કોઇ કામ કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ દિશામાં નક્કર શરૂઆત કરવામાં આવી હતી.

તેમણે JAM ટ્રિનિટી (એટલે કે જનધન, આધાર અને મોબાઇલનું ત્રિવેણી સંયોજન) દ્વારા ભ્રષ્ટાચારની પ્રણાલીનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને સરકારની યોજનાઓનો લાભ દરેક દેશવાસી સુધી સીધો પહોંચાડ્યો છે. જેના પરિણામો દેખાય છે.

ખરા અર્થમાં અહીંથી જ આપણા દેશમાં શાંતિપૂર્ણ સામાજિક-આર્થિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. જેનામાં ભારત પ્રત્યે ખૂબ જ આદર અને પ્રેમ હોય અને જેનામાં દરેક ભારતીયનું સપનું સાકાર કરવાની ઈચ્છા હોય એવો ભારતીય જ સૌના માટે આવાસ, દરેક ઘરમાં વીજળી, દરેક માટે રોજગાર, બધાને શિક્ષણ, સાર્વત્રિક સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વચ્છતાનું સપનું જોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવુ કર્યું છે અને તેઓ મહામાનવની છબી રજૂ કરે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોદીજીએ પંચામૃત, સુજલામ સુફલામ, ચિરંજીવી, માતૃ-વંદના, કન્યા કેળવણી જેવી યોજનાઓ દ્વારા શરૂ કરેલી સમાજ અને રાજ્યની કાયાકલ્પની પ્રક્રિયા હવે નવા ભારતના નિર્માણના રૂપમાં આગળ વધી રહી છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવી પહેલ નવા ભારતના નિર્માણમાં માઇલસ્ટોન સાબિત થઇ રહી છે. નોટબંધી અને જીએસટી જેવા પગલાં આર્થિક સુધારા માટે ઐતિહાસિક સાબિત થયા છે.

અગાઉ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ વિકસિત ભારતના નિર્માણના વિઝન હેઠળ નદીઓને જોડવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથ ધર્યો હતો. સાગર કિનારાના પ્રગતિનો દ્વાર બનાવવાના વિચાર સાથે સાગરમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે; તેઓ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના કુશળ માર્ગદર્શક અને કુશળ કારીગર છે. વિપક્ષો દ્વારા કરવામાં આવેલી વ્યક્તિગત ટીકાઓએ તેમને ક્યારેય અટકાવ્યા નથી, તેના બદલે દેશના હિતમાં મક્કમ રીતે નિર્ણયો લઈને રાષ્ટ્ર-નિર્માણના લક્ષ્યોની શોધમાં તેમને ઉત્સાહિત કર્યા છે. વર્ષ 2014 બાદ દેશમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આ વાતનો પુરાવો છે. ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રથમ વખત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાષ્ટ્રવાદને લાયક સ્થાન મળ્યું છે અને આખું વિશ્વ ભારત તરફ પ્રશંસાની નજરે જોઈ રહ્યું છે. આનો શ્રેય નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને નેતૃત્વને જાય છે.

2014 પછીના સમયગાળામાં ભગવાન શ્રી રામના મહિમા અને મહાત્મા બુદ્ધના સંદેશાઓને કારણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સદીઓ પહેલા નક્કી કરવામાં આવેલા પરિમાણોને સ્પર્શ કરવામાં સફળ રહ્યો છે, જે આજે પણ ઘણા દેશોની પરંપરાઓ અને જીવનશૈલીમાં જોઈ શકાય છે. જાપાનના વડા પ્રધાન ભારત આવે અને માતા ગંગાની આરતીમાં ભાગ લે તે સરળ વાત હોઈ શકે નહીં. આરબ દેશમાં આકાર લઈ રહેલું ભવ્ય મંદિર સામાન્ય ડિપ્લોમેસીનું ઉદાહરણ ન હોઈ શકે. વિશ્વના શક્તિશાળી દેશો કે સંસ્થાઓ કોઈ પણ નિર્ણય લેવા માટે ભારત તરફ નજર દોડાવે છે. જે કોઈ પણ ભારતીય માટે ગર્વની વાત છે. આ બાબતને સામાન્ય રાજદ્વારી ક્ષમતાનું પરિણામ ગણી શકાય નહીં.

વડાપ્રધાને દેશના હિતમાં મોટા નિર્ણયો લીધા છે. પરંતુ જો તેમને એવું લાગે કે, કોઈ નિર્ણયના ફાયદા દેશવાસીઓ સમજી શક્યા નથી અથવા તો તેઓ તેમને સમજાવી શક્યા નથી તો પછી તેમણે તે નિર્ણય પાછો લેવામાં ખચકાટ અનુભવ્યો નથી. તે લોકોની ભાવના અને લોકશાહીની સુંદરતા પ્રત્યેના આદરના શ્રેષ્ઠ સંયોજનનું પ્રતીક છે

અતિ કપરા સંજોગોમાં પણ તેમણે લોકહિતના કામો કરવામાં સફળતા મેળવી હતી. સૌએ જોયું કે વર્ષ 2020-21માં દેશને કોવિડ-19ની ભયાનકતાનો સામનો કરવો પડ્યો, ત્યારે ભારત સરકારે દેશમાં જીવન અને આજીવિકાની ચિંતા કરીને દરેક ભારતીયને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી હતી. વિશ્વના ઘણા દેશોને રસી પૂરી પાડીને વેક્સિન ફ્રેન્ડશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમણે ભારતનું કદ એટલું ઊંચું કર્યું છે કે વિશ્વના અન્ય દેશોમાં વસતા ભારતીયો ગૌરવથી છલકાઈ રહ્યા છે. આજની વૈશ્વિક કટોકટીનું સમાધાન કરવા અને વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે ભારતની પહેલ પર વૈશ્વિક સત્તાઓની નજર છે.

આ પણ વાંચો - Modi@8: ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઇ જઇ રહી છે મોદી સરકાર - નરેન્દ્રસિંહ તોમર

ભારતીય બંધારણના 21માં ચેપ્ટરમાં કાશ્મીરનો વિશેષ દરજ્જો અને કલમ 35-એ અને કલમ 370 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના માર્ગમાં ભારે અવરોધો હતા. આ અંગે ભારતીયોના મનમાં હંમેશા દોષની ભાવના રહેતી હતી. આ વડાપ્રધાનની દ્રઢ ઈચ્છાનું પરિણામ છે કે આ બંને કલમ ખતમ કરી દેવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખે હવે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોના રૂપમાં નવી ઓળખ મેળવી છે. બીજા શબ્દોમાં કહીએ તો 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નું વિઝન સાકાર થયું છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામનો પ્રાચીન વૈભવ આધુનિકતા અને પૌરાણિક કથાઓ સાથે પાછો ફર્યો છે. સ્વચ્છતા ભારતના વિકાસની કથામાં સહભાગી બની ગઈ છે. જીવનદાતા માતા ગંગા પવિત્ર બની રહી છે અને ભારતના લોકોને ગૌરવની ભાવના આપી રહી છે.

છેવાડાની વ્યક્તિ રાશન સહિતની સરકારની અનેક યોજનાઓનો લાભ મેળવ્યા બાદ આત્મનિર્ભરતા તેમજ સ્વાભિમાન સાથે આગળ વધી રહી છે. નારી શક્તિ (માતૃશક્તિ) આદર, સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની રહી છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ'થી ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને હવે તે એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનો મજબૂત પાયો ધરાવે છે. ભારત મજબૂત અને આત્મનિર્ભર બને તે નવા યુગની શરૂઆત છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

નરેન્દ્ર મોદીજીએ ઉદાહરણ પુરા પાડીને દેશનું નેતૃત્વ કર્યું છે, આપણી વિવિધતાની તાકાત પર ધ્યાન દોર્યું છે. જે દર્શાવે છે કે લોકો આદર્શો દ્વારા એક થઈ શકે છે. તેમણે આપણાં હિતો અને આપણા આદર્શો વચ્ચેની ખોટી ચોઇસને ફગાવી દીધી હતી. તેઓ ખરેખર લોખંડી ઇચ્છાશક્તિવાળા વ્યક્તિ છે.

(DISCLAIMER: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. વ્યક્ત કરેલા મંતવ્યો તેમના વ્યક્તિગત છે)
Published by:Ashish Goyal
First published:

Tags: CM Yogi Adityanath, Modi Government 2.0, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन