...જ્યારે અમિત શાહે યોગી આદિત્યનાથને કહ્યુ હતુ, 'દિલ્હીમાં જ રહેજો, તમારું ખાસ કામ છે'

News18 Gujarati
Updated: September 19, 2019, 11:34 AM IST
...જ્યારે અમિત શાહે યોગી આદિત્યનાથને કહ્યુ હતુ, 'દિલ્હીમાં જ રહેજો, તમારું ખાસ કામ છે'
ન્યૂઝ18 ક્રિએટિવ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનું અંતિમ મતદાન આઠમી માર્ચ, 2018ના રોજ યોજાયું હતું અને 11મી માર્ચના રોજ મતગણતરી યોજવામાં આવી હતી.

  • Share this:
નવી દિલ્હી : માર્ચ, 2017માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભામાં ભાજપનો જળહળતો વિજય થયો હતો. જે બાદમાં મુખ્યમંત્રી પદ માટે અનેક નામો વહેતા થયા હતા. પરંતુ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ એ યોગી આદિત્યનાથનું નામ જાહેર કરીને તમામને ચોંકાવી દીધા હતા. યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ સમયે ગોરખપુરના સાંસદ તેમજ પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા ન હતા. મુખ્યમંત્રી તરીકેના અઢી વર્ષના શાસન બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની સીએમ બનવા સુધીની સફર વિશે વાત કરી હતી. યોગી આદિત્યનાથી News18 Networkના Editor-in-Chief રાહુલ જોશી સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી.

"હું સીએમ બનવાની રેસમાં ન હતો. પાર્ટીએ મને જે જગ્યાએ ચૂંટણી પ્રચાર કરવાનું કહ્યું હતું ત્યાં મેં પ્રચાર કર્યો હતો. 25મી ફેબ્રુઆરીએ તત્કાલિન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મને ફોન કર્યો હતો. સુષમાએ જણાવ્યું કે સંસદીય પ્રતિનિધિમંડળ પોર્ટ લુઈસની મુલાકાતે જઈ રહ્યું છે તો તમારે પણ જવું જોઇએ. મેં તેમને ત્યાં જવાની ના કહી હતી અને કહ્યું હતું કે હું ચૂંટણીના કામમાં જોતરાયેલો છું. સુષમા સ્વરાજે કહ્યું કે તમારે છઠ્ઠી માર્ચ પછી ત્યાં જવું જોઇએ અને અમારી ઇચ્છા છે કે તમે પ્રતિનિધિ મંડળની આગેવાની કરો. મેં ત્યારે કહ્યું હતું કે છઠ્ઠી માર્ચ પછી મારી પાસે સમય હશે આથી હું જઈશ."

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનું અંતિમ મતદાન આઠમી માર્ચ, 2018ના રોજ યોજાયું હતું અને 11મી માર્ચના રોજ મતગણતરી યોજવામાં આવી હતી.

"આઠમી માર્ચના રોજ હું દિલ્હી પહોંચી ગયો હતો. મારો પાસપોર્ટ પહેલા જ મોકલી દેવામાં આવ્યો હતો. 10મી માર્ચના રોજ મને સમાચાર મળ્યા કે વડાપ્રધાન કાર્યાલયે મારો પાસપોર્ટ પરત મોકલ્યો છે અને હવે મારે જવાની જરૂર નથી. બીજા દિવસે મતગણતરી હોવાથી મેં દિલ્હીથી ગોરખપુરની ફ્લાઇટ પકડી હતી. સુષમાજીએ મને પાછો ફોન કરીને કહ્યું હતું કે પીએમઓ (Prime Minister Office) તરફથી મારો પાસપોર્ટ પરત મોકલવામાં આવ્યો છે. તમારે મતગણતરીના દિવસે ઉત્તર પ્રદેશમાં રહેવાનું છે. ચૂંટણીમાં બીજેપીની ભવ્ય જીત થઈ હતી. 13મી તારીખી હોળી હોવાથી હું ગોરખપુરમાં રહ્યો હતો. હોળી પછી હું 16મી તારીખે સંસદીયદળની બેઠકમાં હાજર રહેવા માટે દિલ્હી ગયો હતો. હું ત્યાં અમિત શાહને મળ્યો હતો. અમે ચૂંટણી વિશે સામાન્ય વાત કરી હતી. આ સમયે અમિત શાહે મને કહ્યુ હતુ કે, 'દિલ્હી છોડીને ન જતાં. આપણે વાત કરીશું'."

શું અમિત શાહે તમને કોઈ હિન્ટ આપી હતી, તેના પ્રશ્નના જવાબમાં યોગીએ જણાવ્યુ હતુ કે એ સમયે કંઈ સ્પષ્ટ ન હતું.

"મેં વિચાર્યું કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે તો તેઓ કઈ બાબતે ચર્ચા કરવા માંગે છે. સંસદીયદળની બેઠક બાદ હું ગોરખપુર જવા નીકળી ગયો હતો. 16મી તારીખે સાંજે મને અમિત શાહ તરફથી ફોન આવ્યો હતો અને હું ક્યાં છું તેની પૂછપરછ કરી હતી. મેં તેમને કહ્યું કે હું ગોરખપુરમાં છું. તેમણે કહ્યું કે મેં તમને દિલ્હીમાં જ રહેવાનું કહ્યું હતું તો શા માટે ગોરખપુર ગયા? મેં કહ્યું કે દિલ્હીમાં મારું કંઈ કામ ન હોવાથી હું ગોરખપુર આવી ગયો હતો. તેમણે કહ્યું કે ઝડપથી દિલ્હી પહોંચો, આપણે અગત્યની ચર્ચા કરવાની છે."

યોગી આદિત્યનાથે કહ્યુ કે ગોરખપુરથી કોઈ તાત્કાલિક ટ્રેન કે ફ્લાઇટની સુવિધા ન હોવાથી સવારે દિલ્હી પહોંચવા ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

"અમિત શાહે મને કહ્યુ હતુ કે હું આવતીકાલે સવારે તમારા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલી રહ્યો છું. તમે દિલ્હી આવો અને આ વિશે કોઈને વાત ન કરતા. હું સવારે 11 વાગ્યે દિલ્હી પહોંચ્યો હતો. અમિત શાહ મને કહ્યું કે અહીંથી લખનઉની ફ્લાઇટ પકડો. સાંજે ચાર વાગ્યે તમારી પસંદગી ચૂંટાયેલી ધારાસભ્યોના પ્રતિનિધિ તરીકે થવાની છે. તમારે આવતીકાલે સવારે શપથ લેવાના છે."

નોંધનીય છે કે 18મી માર્ચ, 2017ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે અને કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા નાયબ મુખ્યમંત્રી પદે શપથ લેશે.
First published: September 19, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading