હોળી મનાવવા માટે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે સવારે ગર્ભગૃહ, કેશવદેવ અને ભાગવત ભવનના દર્શન કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા પણ કરી હતી. અમુક ખામીઓ દેખાતા તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત બનાવવાની સૂચના આપી હતી.
યોગી આદિત્યનાથને જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે, તમે દીવાળી અયોધ્યામાં મનાવી, હોળી બનારસમાં મનાવી તો હવે ઇદ કઈ જગ્યાએ મનાવશો? જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 'હું હિન્દુ છું. દરેકને પોતાની આસ્થા પ્રગટ કરવાની તેમજ ધાર્મિક આઝાદીનો અધિકાર છે. આ અધિકાર મને પણ છે.'
યોગીએ કહ્યું કે, 'મેં છેલ્લા 11 મહિનામાં કોઈને ઈદ કે ક્રિસમસ મનાવતા રોક્યા નથી. તમામ લોકો પોતાની રીતે આસ્થાને પ્રગટ કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર તમામને છે. આ જ રીતે પર્યટનની દ્રષ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરનો વિકાસ કરવાનો અધિકાર પણ આપણને તમામને છે.'
સીએમ યોગીએ કહ્યું કે, 'દીપોત્સવ અયોધ્યામાં, હોળી બનારસમાં, દેવ દીવાળી કાશીમાં, રામાયણ મેળો ચિત્રકૂટમાં અને કુંભ પ્રયાગરાજમાં જ થશે. આમા અમે હાજરી આપીશું. મને આપણી પરંપરા અને વારસા પર ગૌરવ છે. તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી આપણા તમામની છે.'
નોંધનીય છે કે અયોધ્યામાં દીપોત્સવ પછી હવે મથુરામાં યોગી પોતાના ડઝનેક મંત્રીઓ સાથે શનિવારે બરસાનાની લઠ્ઠમાર હોળી કાર્યક્રમમાં ભાગ લેશે. સીએમ યોગી પોતાની સરકારના મંત્રીઓ પર ચાંદીની પીચકારીથી રંગ ઉડાવશે. આ દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે તેમજ ભક્તોને પ્રસાદીમાં લાડુ અને ગુલાલ આપવામાં આવશે.
બરસાનામાં જે ગલીમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેને 'રંગીલી ગલી' કહેવામાં આવે છે. વાહનને કારણે લોકોને કોઈ પરેશાન ન થાય તે માટે સીએમ યોગી ચાલીને જ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેમની સાથે ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા પણ રહેશે.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર