Afghanistan Crisis: વાજપેયી સરકારના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યુ, 'ભારતે તાલિબાનનો સંપર્ક સાધવો પડશે'

યશવંત સિંહા (ફાઇલ તસવીર)

Yashwant Sinha on Afghanistan taliban: 'તાલિબાને ઝડપથી કબજો કરી લીધો તે વાતથી મને આશ્ચર્ય થયું નથી. મેં તો પહેલા જ કીધું હતું કે, અમેરિકા ત્યાં લોકપ્રિય નથી. લોકો અમેરિકાથી મુક્તિ ઈચ્છતા હતા અને તાલિબાને અમેરિકાથી મુક્તિ અપાવી છે.'

  • Share this:
નવી દિલ્હી: અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાન (Afghanistan બહાર નીકળ્યું તેના ગણતરીના દિવસોમાં જ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. જેના કારણે લોકો ખૂબ ડરી ગયા છે. બીજી તરફ ભારત (India) અને અમેરિકા (America) સહિતના દેશ પોતાના લોકોને અફઘાનિસ્તાનની બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ભારત અને અન્ય ઘણા દેશોએ પોતાના દૂતાવાસ (Embassy) ખાલી કર્યા છે. ભારતીય વાયુસેના (Indian Air-force)ના સી-17 વિમાન 120થી વધુ ભારતીય અધિકારીઓ લઈ પરત ફર્યું છે. ત્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના વધતા પ્રભાવ અને ભારત તથા તાલિબાનના સંબંધો મામલે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અટલ બિહારી વાજપેયી સરકારના પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિંહા (Yashwant Sinha)એ ન્યૂઝ18 સાથે વાતચીત કરી હતી.

• અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે ત્યારે ભારત પાસે શું વિકલ્પ છે?

20 વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાનનો મુકાબલો કરી શકે તેવો પાવર ઊભો કરી શકી નથી. જેથી અમેરિકાના પરત ફર્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર તરત કબજો કરી લીધો હોવાની વાતનું મને કોઈ આશ્ચર્ય નથી. અફઘાનિસ્તાનની સેના અને શાસકો કઈ રીતે ધ્વસ્ત થયા તે તમે જોયું છે. બધા પોતાના જીવ બચાવી ભાગ્યા છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં ક્યારેય લોકપ્રિય નહોતું અને અમેરિકા ક્યાંય લોકપ્રિય નથી. અમેરિકા જ્યાં જાય છે ત્યાં લોકો તેમનાથી દુ:ખી થાય છે. હું વિદેશ મંત્રી બન્યાના બે-ત્રણ મહિનામાં જ અફઘાનિસ્તાન ગયો હતો અને ત્યાં અમેરિકા લાંબા સમય સુધી રહી નહીં શકે તેવું મને લાગ્યું હતું. પરંતુ 20 વર્ષ સુધી હથિયારોની તાકાત પર અમેરિકા ત્યાં રહ્યું તેનું આશ્ચર્ય થયું છે.

• અમેરિકા શા માટે 20 વર્ષમાં અફઘાનિસ્તાનની સેનાને 20 દિવસ સુધી તાલિબાન સામે લડી શકે તેટલી મજબૂત ન બનાવી શક્યું?

અમેરિકાએ અફઘાનિસ્તાનની સેનાને ટ્રેનિંગ અને સાધનો આપ્યા પણ તાલિબાન સામે લડવા અફઘાનિસ્તાનની સેનામાં હિંમત કે કોઈ ઈચ્છાશક્તિ ન હતી. જેથી તેઓએ તરત જ આત્મસમર્પણ કરી દીધું હતું. યુદ્ધમાં સૌથી મજબૂત વસ્તુ ઇચ્છાશક્તિ છે. આ વાત અમેરિકાએ સમજવાની જરૂર હતી. આ ઉપરાંત લોકો અમેરિકા અને અશરફ ગની સાથે ન હતા. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન તાલિબાનના હાથમાં જવાનું જ હતું.

• હવે ભારત શું કરશે? અમેરિકા, ચીન, પાકિસ્તાન અને અન્ય દેશોએ અફઘાનિસ્તાન સાથે ખુલ્લેઆમ સંપર્ક સ્થાપિત કર્યો અને ભારતે કર્યો નથી. આવી સ્થિતિમાં ભારત પાસે હવે કયો વિકલ્પ બચ્યો છે?

ચીન, પાકિસ્તાન, રશિયા અને તાલિબાને તાલિબાનને આવકાર્યું છે અને અમેરિકા તો તાલિબાન સાથે વાતચીત કરતું જ હતું. ભારતે તાલિબાનનો સ્વીકાર કરવો પડશે. ભારત અને તાલિબાન વચ્ચે તાજેતરમાં જ સંપર્ક સ્થાપિત થયો હોવાની મને જાણ છે. તાલિબાન તરફથી આવેલું નિવેદન પણ સામાન્ય છે. જેના પરથી તાલિબાન જવાબદાર શાસક તરીકે વર્તન કરશે અને પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો નહીં ઊભો કરે તેવું લાગે છે. ભારતે રાહ જોવી જોઈએ. ભારત પાસે થોભો અને રાહ જુઓ સિવાય બીજો વિકલ્પ નથી. તાલિબાન સાથે સંપર્ક સાધીને ભારતના હિતોની રક્ષા થાય તે સુનિશ્ચત કરવું જોઈએ.

• ભારતના 400 જેટલા પ્રોજેકટ ત્યાં છે. ત્યારે અફઘાનિસ્તાનનું શાસન આવતા તેના પર શું અસર થશે?

ભારતે અફઘાનિસ્તાનમાં સરકાર માટે નહીં પણ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. હું અફઘાનિસ્તાનના પ્રવાસે ગયો હતો ત્યારે ઇસ્માઇલ ખાને મને કહ્યું હતું કે, જો ભારત સલમા ડેમનું કામ પૂર્ણ કરશે તો તે મોટી મદદ ગણાશે. ભારતે ડેમનું કામ પૂરું કર્યું છે અને સંસદ ભવન બનાવવાનું કામ પણ કર્યું છે. ભારતે અફઘાનિસ્તાનને અનેક ક્ષેત્રોમાં સતત મદદ કરી છે. ભારતે તાલિબાનને ખાતરી આપવી જોઈએ કે, અમે અફઘાનિસ્તાનના વિકાસમાં તમારી મદદ કરીશું.

• તાલિબાન આવવાથી આતંકવાદ અને ચીન તથા પાકિસ્તાનની તાલિબાનથી નિકટતાથી ભારતના હિતને નુકસાન થશે. આવી મુશ્કેલીનો ઉકેલ કઈ રીતે કાઢવો જોઈએ?

પાકિસ્તાન અને ચીન તાલિબાનની નજીક હોવાની વાતમાં કોઈ શંકા નથી. રશિયા પણ નજીક છે. ભારતે તાલિબાન સુધી પહોંચ વધારવી જોઈએ અને ભારત અફઘાનિસ્તાન માટે શું કરી શકે તેની ચર્ચા કરવી જોઈએ. ભારત નબળો દેશ નથી. તાલિબાનને ખબર છે ચીનની જેમ ભારત મજબૂત છે. પાકિસ્તાન કરતા તો ભારત ક્યાંય વધુ મજબૂત છે. જેથી તાલિબાનના શાસકોને ભારતની જરૂર પડશે.

• અમેરિકા સહિતની તમામ દેશનો સિક્રેટ એજન્સીઓ નિષ્ફળ ગઈ, તાલિબાન આટલું ઝડપથી કાબુલ પર કબજો કરી લેશે તેનો કોઈને અંદાજ નહોતો. આવું કેમ થયું?

તાલિબાને જલ્દી કબજો કરી લીધો તે વાતથી મને આશ્ચર્ય થયું નથી. મેં તો પહેલા જ કીધું હતું કે, અમેરિકા ત્યાં લોકપ્રિય નથી. લોકો અમેરિકાથી મુક્તિ ઈચ્છતા હતા અને તાલિબાને અમેરિકાથી મુક્તિ અપાવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનને રોકી શકે તેવી નોર્દન એલાયન્સ જેવી તાકાત પહેલા હતી, હવે નથી.
First published: