નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રીશ્રી યશવન્ત સિંહાએ આજે એટલેકે શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડવાનો તેમનો નિર્ણય જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને કામગીરી અંગે કડક આલોચના કરી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા સિંહા પક્ષને તિલાંજલિ આપશે તેવી અટકળો કેટલાક સમયથી ચાલી રહી હતી. આખરે આ અટકળોનો અંત આણતા તેમણે પક્ષને છોડવાનો તેમનો નિર્ણય આજે પાટણ ખાતે જાહેર કરી દીધો છે. આ સાથે જ તેમણે ભાજપ સાથે તમામ સંબંધો તોડી નાખવાનું પણ એલાન કર્યું હતું
યશવન્તસિંહાએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે નહિ. જો કે, લોકશાહી પરંપરાનું રક્ષણ અને જતન કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે. સંસદના બજેટ સત્રને ચાલવા ના દેવા માટે વિપક્ષોને દોષ દેનારા વડાપ્રધાન મોદીના વિચારોથી અલગ સુર વ્યકત કરતા સિંહાએ જણાવ્યું હતું કે, "હું પુરી જવાબદારી સાથે કહું છું કે ભારત સરકારે જ સુનિયોજિત ઢંગથી બજેટ સેશન ચાલવા દીધું નથી. આ સેશન સારી રીતે ચાલે તે માટે વડાપ્રધાન તરફથી કોઈ પ્રયાસો જ કરવામાં આવ્યા નહોતા, તેમણે સેશન સુચારુ ઢબે ચાલી શકે તે માટે વિરોધપક્ષ સાથે એક પણ બેઠક કરી નહોતી".
ગુજરાતની ચૂંટણીના કારણે તેમણે બજેટ સત્રને ટૂંકાવી દીધું હતું તેવો સીધો આક્ષેપ તેમણે મોદી સરકાર ઉપર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સત્ર ન ચાલવાથી સરકાર સૌથી વધુ ખુશ હતી. સરકારે અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સંસદ ચાલવા દીધી નહોતી"
તેમણે ઉમેર્યું હતું કે, "ભાજપ દળ આધારિત રાજકારણ વધી રહ્યું છે. લોકતંત્ર ભયમાં છે, આ કારણે જ હું ભાજપ સાથેના તમામ સંબંધો તોડી રહ્યો છું. આજથી ચાર વર્ષ પહેલા મેં સક્રિય રાજકારણમાંથી સન્યાસ લઇ લીધો હતો. હું ચૂંટણી આધારિત રાજકારણથી પર છું"
"જયારે દેશની વાત આવશે ત્યારે હું જોરશોરથી તેમાં ભાગ લઈશ. દેશના તમામ સવાલો ઉપર સમજ કેળવવા માટે જ મેં રાષ્ટ્ર મંચનું નિર્માણ કર્યું હતું. આ મંચ રાજકીય મંચ નથી", તેમ સિંહાએ ઉમેર્યું હતું
યશવન્ત સિન્હાનું રાજીનામુ ભવિષ્યના રાજકીય દૃષ્ટિકોણથી ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર