Home /News /national-international /આજે શા માટે ઉજવાય છે World Mental Health Day? આ લક્ષણોની અવગણના ક્યારેય ન કરશો

આજે શા માટે ઉજવાય છે World Mental Health Day? આ લક્ષણોની અવગણના ક્યારેય ન કરશો

world mental health day

World Mental Health Day: 10 ઓક્ટોબરના દિવસે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવાય છે. માનસિક સ્વાસ્થ્યને લગતા આ લક્ષણો જાણી લો. ક્યારેય અવગણના ન કરશો. સારવાર કરાવવી જરૂરી.

World Mental Health Day: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ  દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (World Federation for Mental Health) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (World Health Organization) સાથે મળીને વર્ષ 1992માં આ દિવસે (10 ઓક્ટોબર) 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' (World Mental Health Day) ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં માનસિક સ્વાસ્થ્ય (Mental Health)ની વધુ સારી જાળવણી અંગે જાગૃતિ લાવવાનો છે. સાથે જ લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે શિક્ષિત કરવા અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દા (Mental Health Problems Symptoms)ઓ વિશે સમાજમાં હાજર સ્ટિગ્માને ઘટાડવાના હેતુસર આ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે તેને એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2022' ની થીમ (World Mental Health Day Theme 2022) 'મેકિંગ મેન્ટલ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ એ ગ્લોબલ પ્રાયોરિટી' તરીકે રાખી છે.

માનસિક સ્વાસ્થ્યને અસર કરતા કારણો

લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ (નવી દિલ્હી)ના મનોચિકિત્સક ડો. પ્રેરણા કુકરેતી કહે છે કે જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો જેવા ઘણા પરિબળોથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જૈવિક પરિબળો એટલે કે જ્યારે મગજમાં રાસાયણિક પરિવર્તન આવે છે, ત્યારે વ્યક્તિને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. માનસિક પરિબળો વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંકળાયેલા હોય છે. વ્યક્તિના સામાજિક સંજોગો સામાજિક કાર્યોમાં કેવા છે, તેની માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે. આમાં જોબ પ્રોફાઇલ કેવી છે, કામનું દબાણ, તમારા પ્રત્યે પારિવારિક અપેક્ષાઓ શું છે, નોકરી ગુમાવવી વગેરે પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. ઘણી વખત શારીરિક બીમારી, આત્મવિશ્વાસનો અભાવ, આત્મસન્માનનો અભાવ, પારિવારિક ઝઘડા, પ્રિયજનને ગુમાવવા વગેરેને કારણે મગજની તંદુરસ્તી પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ

ડો. પ્રેરણા કુકરેતી જણાવે છે કે સૌથી સામાન્ય માનસિક રોગ એન્ઝાયટી ડિસઓર્ડર અને ડિપ્રેસિવ ડિસઓર્ડર છે. તેમને કોમન મેન્ટલ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. એન્ક્ઝાઈટી ડિસઓર્ડરમાં પેનિક ડિસઓર્ડર, ટ્રોમેટિક સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર જેવી ઘણી વિકૃતિઓ હોય છે. આ સિવાય ગંભીર માનસિક બીમારીઓમાં સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વગેરેનો સમાવેશ થાય છે. જો કે, તેની ટકાવારી સામાન્ય માનસિક વિકાર કરતા ઘણી ઓછી છે. બાળપણને લગતી કેટલીક વિકૃતિઓ છે, જેમ કે ઓટિઝમ, અટેન્શન-ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર (ADHD), મૂડ ડિસઓર્ડર, ઇટિંગ ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર વગેરે. આજકાલ સબ્સ્ટેન્સ યુઝ ડિસઓર્ડરની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે.



કેવા હોય છે આ સમસ્યાઓના લક્ષણો?

ડો. પ્રેરણા કુકરેતીનું કહેવું છે કે, માનસિક વિકાર કે બીમારીઓ વ્યક્તિની વિચારવાની રીત, વર્તન અને લાગણીઓને ઘણી હદ સુધી અસર કરી શકે છે. તે ઘણા અંશે તમારા મૂડને પણ અસર કરે છે. જો તમારામાં સેલ્ફ-સ્ટીમ, ઉત્સાહનો અભાવ, થાક લાગવો, ચિંતા, તણાવ, બેચેની, ચિંતા કરવી, લોકો સાથે વાત કરવાનું ટાળવું, બહાર જવાનું મન ન થવું, વર્ક પ્રોડક્ટિવિટી ખરાબ છે, તો તમારે ચેતવાની જરૂર છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે વ્યક્તિમાં આ લક્ષણો કેટલા સમયથી દેખાઈ રહ્યા છે. ક્યારેક આ લક્ષણો સામાન્ય વાત હોય છે, પરંતુ જો બે-ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તેની નકારાત્મક અસર તમારા અંગત અને પ્રોફેશનલ જીવન પર પડવા લાગે છે, તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.

આ પણ વાંચો: પુરુષો કરતાં મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધારે: અભ્યાસમાં થયો આ ખુલાસો

મેન્ટલ હેલ્થને ફિટ રાખવા આટલું કરો

જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે, તો તમારું આખું શરીર યોગ્ય રીતે કાર્ય કરશે. આ માટે તમે રેગ્યુલર રૂટિન ફોલો કરો તે ખૂબ જ જરૂરી બાબત છે. તમારા મનને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. મનને સ્વસ્થ રાખવા માટે જીવનમાં તણાવ લેવાનું ખાસ ટાળો. આજકાલ લોકોને પૂરતી ઊંઘ પણ થતી નથી. તે માનસિક સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. આવી સ્થિતિમાં ઊંઘની નિયમિતતા પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમારા મનની વાત શેર કરો. જીવન વિશે સકારાત્મક વિચારસરણી રાખો. સારી વાતો વાંચો, લખો. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાનનો અભ્યાસ કરો. માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે, તેને સ્ટિગ્માની જેમ ન લો. તમારા પરિવાર, મિત્રો સાથે વાત કરો. એવી વસ્તુઓ કે શોખ પૂરા કરો જે કરવામાં તમને આનંદ આવે છે.
First published:

Tags: Health care, Mental health, Mental Health issues, Mental health માનસિક આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય