કોરોના મહામારીએ વિશ્વના દરેક દેશોની કમર તોડી છે. મહાકાય અર્થવ્યવસ્થાઓ પણ એક નાના વાયરસને કારણે અર્શથી ફર્શ પર ઉતરી આવી છે. કોરોના વાયરસ (Coronavirus) છતા પણ વિશ્વના અનેક દેશો છે, જેમાં જનતા મૂંઝવાયા વગર આગળ વધતી રહી છે અને કપરાકાળનો પણ હસતા મોઢે સામનો કરીને હરાવ્યો છે. તાજેતરના એક રીપોર્ટમાં વિશ્વના સૌથી ખુશખુશાલ દેશોની યાદી બનાવવામાં આવી છે.
વિશ્વમાં સૌથી વધુ ખુશખુશાલ દેશોમાં યુરોપનો ફિનલેન્ડ દેશ પ્રથમ ક્રમે રહ્યો છે. આ રીપોર્ટ સંયુકત રાષ્ટ્ર એટલે કે, યુનાઈટેડ નેશને (United Nation) તૈયાર કર્યો છે.
UNના વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેકસ (World Happiness Report)માં ફિનલેન્ડે (Finland) સતત ચોથા વર્ષે દુનિયાનો સૌથી ખુશ દેશનો ખિતાબ જીત્યો છે.
છેલ્લાં ચાર વર્ષથી ફિનલેન્ડ આ ઈન્ડેકસમાં પ્રથમ ક્રમ મેળવે છે. ટોપ-10માં નવ દેશો યુરોપના હતા. ન્યૂઝીલેન્ડ જ એકમાત્ર બિન યુરોપ દેશ છે. દિગ્ગજ દેશ બ્રિટન આ યાદીમાં 13મા સ્થાનેથી નીચે ઉતરીને 17મા સ્થાને પહોંચ્યો છે. કોરોનાના કારણે બ્રિટનના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હતું, તેના કારણે બ્રિટન (Britan) 17મા ક્રમે ધકેલાયું હતું. અમેરિકાને 19મો ક્રમ મળ્યો હતો.
માપદંડ શું?
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ માટે ગૈલપ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૈલપે 149 દેશોના લોકોને તેમની ખુશીઓ રેટ કરવા કહ્યું. આ ડેટા ઉપરાંત જીડીપી, સામાજિક સપોર્ટ, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્તર પણ જોવામાં આવ્યું હતું અને તેને આધારે જ દરેક દેશને હેપ્પીનેસ સ્કોર આપવામાં આવ્યો હતો.
માત્ર એક જ વર્ષ નહીં પરંતુ ત્રણ વર્ષના સરેરાશ સ્કોર્સને આધારે ચાલુ વર્ષ માટે રેન્કિંગ આપવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે, સર્વેમાં આવરી લેવાયેલ કુલ દેશોના ત્રીજા ભાગથી વધુ દેશોમાં કોરોના મહામારીને કારણે નકારાત્મક ભાવનાઓ વધી છે.
લાઈફસ્ટાઈલને લગતાં વિવિધ માપદંડોના આધારે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. આ ઈન્ડેકસ માટે 149 દેશોનો અભ્યાસ થયો હતો. વિવિધ 23 સર્વેક્ષણોના આધારે સુખાંક નક્કી કરવામાં આવ્યો હતો.
ભારત ક્યા ક્રમે? સૌથી છેલ્લા ક્રમે કોણ?
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત 139મા ક્રમે છે. ગયા વર્ષે 156 દેશોની યાદીમાં ભારત 144મા ક્રમે હતું. પાડોશી દેશ ચીનની વાત કરીએ તો ગત વર્ષે ડ્રેગન આ યાદીમાં 94મા ક્રમે હતું, જે હરણફાળ કૂદકા સાથે 19મા સ્થાને પહોંચી ગયું છે. ભારતના અન્ય પાડોશી દેશોમાં નેપાળ 87, બાંગ્લાદેશ 101, પાકિસ્તાન 105, મ્યાનમાર 126 અને શ્રીલંકા 129મા ક્રમે છે.
હેપ્પીનેસ ઈન્ડેકસમાં અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી દુઃખી દેશ હતો. અફઘાનિસ્તાન 149મા ક્રમે, 148મા ક્રમે ઝીમ્બાવે અને એ પહેલાં રવાન્ડાને 147મો ક્રમ મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર