મનામા: મુસ્લિમ દેશ બહેરીન (Bahrain)માં એક મહિલા વિરુદ્ધ ગણેશ ભગવાનની મૂર્તિ (Lord Ganesh Idols) તોડવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા પર ધાર્મિક સિમ્બોલ એવી ગણેશની મૂર્તિનું જાહેરમાં અપમાન કરવા અને તેને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 54 વર્ષીય મહિલાને રવિવારે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બહેરીનની રાજધાની મનામામાં એક શૉપિંગ મોલનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરી હતી.
આ બનાવના થોડા સમયમાં જ પબ્લિક પ્રોસિક્યૂટરે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે મહિલા પર વિવિધ કલમો લગાવવામાં આવી છે. મહિલાએ પોતાનો ગૂનો પણ કબૂલી લીધાનું જણાવ્યું હતું.
આ અંગેના સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બુરખામાં ઊભેલી એક મહિલા એક પછી એક ગણેશ ભગવાનની મૂર્તિ નીચે ફેંકી રહી છે. નીચે પડવાને કારણે મૂર્તિ ઓના નાનાં-નાનાં ટૂકડા થઈ જાય છે. તેની સાથે અન્ય એક મહિલા પણ ઊભી હોય છે. આ દરમિયાન મહિલા અરેબિક ભાષામાં કંઈક બોલી રહી છે. ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા સામે આવેલા આ વીડિયોથી અહીં રહેતા હિન્દુઓની લાગણી દુભાઈ છે.
મહિલા વીડિયોમાં એવું પણ કહી રહી છે કે, "આ મોહમ્મદ બીન ઇસાનો દેશ છે, શું તમને લાગે છે કે તેઓ આવું ચલાવી લેશે? આ મુસ્લિમ દેશ છે, સાચું?" જ્યારે અન્ય મહિલા એવું કહી રહી છે કે, "આપણે હવે જોઈએ કે આ મૂર્તિની પૂજા કોણ કરે છે. પોલીસને બોલાવો."
નીચે વીડિયોમાં જુઓ : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બહેરીનના રાજાના સલાહકાર અને પૂર્વ વિદેશ મંત્રી ખાલિદ-અલ-ખલિફાએ આ અંગે જણાવ્યું હતું કે મહિલાએ જે કૃત્ય કર્યું છે તે બિલકુલ સ્વીકાર્ય નથી. તેઓએ જણાવ્યું હતું કે, "કોઈ ધર્મની મૂર્તિને નુકસાન પહોંચાડવાનો બહેરીનના લોકોનો સ્વભાવ નથી. આ ગુનો છે. આવા કૃત્યને બિલકુલ સ્વીકારી શકાય નહી. અહીં દરેક ધર્મ, સંપ્રદાયના લોકો હળીમળીને રહે છે." નોંધનીય છે કે બહેરીન એક મુસ્લિમ દેશ છે, પરંતુ નાના એવા આ દેશમાં લાખોની સંખ્યામાં એશિયન કામદારો કામ કરે છે, જેઓ જુદા જુદા ધર્મમાંથી આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર