નવી દિલ્હી: આસામ રાજ્યમાં એક મહિલાએ એક સાથે ચાર બાળક (Woman gives birth to quadruplets)ને જન્મ આપ્યોનો બનાવ સામે આવ્યો છે. મહિલાનું નામ શુબર્ના ઘોષ છે અને તેણી આસામની ધુબરી જિલ્લા (Dhubri district)ની રહેવાસી છે. મહિલાએ રાંગિયા ખાતે એક ખાનગી હૉસ્પિટલ (Private hospital)માં બે દિવસ પહેલા એક સાથે ચાર બાળકને જન્મ આપ્યો હતો.
આસામમાં બે દિવસ પહેલા 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એ જ દિવસે બપોરના 12.40 વાગ્યે આ મહિલાએ ચાર બાળકને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એ દિવસે આસામ અને પાડોશી રાજ્યોમાં ભૂકંપની એકથી વધારે આંચકા અનુભવાયા હતા.
આ મહિલાની હૉસ્પિટલ ખાતે લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. હૉસ્પિટલના સીનિયર ડૉક્ટર હિતેન્દ્ર કલિતાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
બાળકોની જન્મ થયો હતો તે સ્વસ્તી હૉસ્પિટલના જણાવ્યા પ્રમાણે ચાર બાળકો અને માતાની તબિયત એકદમ સારી છે. ચાર નવજાતમાંથી બે બાળકી અને બે બાળક છે.
મહિલાના પતિએ જણાવ્યું હતું કે, "ખરેખર તો મને આઘાત લાગ્યો હતો! સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે ભગવાને મને આશીર્વાદ તરીકે એક સાથે ચાર ચાર બાળકો આપ્યા છે તેની ખુશી પણ છે."
હૉસ્પિટલના તંત્રએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ભૂકંપથી આસામ જ્યારે ધણધણી ઊઠ્યું હતું ત્યારે જ આ સુંદર બનાવે અમને ખુશ કરી દીધા હતા."
બાળકોના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મારી પત્નીની સારવાર ચાલી રહી હોવાથી એટલું તો નક્કી હતું કે એકથી વધારે બાળકનો જન્મ થશે, પરંતુ એક સાથે ચાર-ચાર બાળકનો જન્મ થશે એવું ક્યારેય વિચાર્યું ન હતું. તમામ બાળકોની હાલત સારી છે."
બાળકોના પિતાએ આસામના લોકોને વિનંતી કરી છે કે તેઓ તેના નવજાતને આશીર્વાદ આપે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, એક સાથે ચાર બાળકનો જન્મ થવાથી બાળકો શીરીરિક રીતે થોડા દુર્બળ છે. સાથે જ તેણે એવી આશા વ્યક્ત કરી હતી કે બધુ સારું થઈ જશે અને અમે બહુ ઝડપથી અમારા ઘરે જઈ શકીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર