બાલાકોટ હુમલા બાદ ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાનના એફ-16 ફાઇટર પ્લેનને મિગ-21 બાઇસનથી તોડી પાડનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મેડિકલ ટેસ્ટ પાસ કરી લીધો છે. આ ટેસ્ટને પાસ કરવાની સાથે જ ટૂંક સમયમાં જ અભિનંદન પ્લેન ઉડાવી શકશે. ફિટનેસની તપાસ કરનારી સંસ્થા બેંગલુરુ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિને વિંગ કમાન્ડર અભિનંદનને ઉડાણ ભરવા માટે ફિટ જાહેર કરી દીધો છે.
વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે કેટલાક ડોક્યુમેન્ટ્સની કાર્યવાહી બાદ વિંગ કમાન્ડર અભિનંદન ભારતીય વાયુસેનાની સાથે જોડાઈ શકશે. ડોક્યુમેન્ટ્સની કાર્યવાહી થયા બાદ અભિનંદનને એક કોર્સ પણ કરવો પડશે, કારણ કે તેણે ઘણા દિવસથી ઉડાણ ભરી નથી. આ કોર્સને પૂરો કર્યા બાદ ભારતીય વાયુસેનાનો આ હીરો ફરી એકવાર દુશ્મનોનો સામનો કરવા ઉડાણ ભરી શકશે.
વિંગ કમાન્ડર અભિનંદન પહેલા શ્રીનગર-એરબેઝમાં તહેનાત હતા. પરંતુ સરક્ષા ખતરાના કારણે તેમને કાશ્મીર ઘાટીથી દૂર લઈ જવામાં આવ્યા અને હવે રાજસ્થાનમાં ફ્રન્ટલાઇન એરબેઝમાં તહેનાત છે. ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીો થયા હતા.
આ હુમલાના 13 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં બસોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના દાવો કરવામાં આવ્યો છે. હુમલાથી હેબતાઈ ગયેલા પાકિસ્તાને બે દિવસ બાદ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-21થી પાકિસ્તાનના એફ-16 ફાઇટર પ્લેનને ડોગફાઇટમાં નિયંત્રણ રેખાની પાસે તોડી પાડ્યું હતું.