Home /News /national-international /સોનિયા ગાંધીએ પ્રિયંકાને શા માટે રાયબરેલીથી ચૂંટણીમાં ન ઉતારી?

સોનિયા ગાંધીએ પ્રિયંકાને શા માટે રાયબરેલીથી ચૂંટણીમાં ન ઉતારી?

સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી (ફાઇલ તસવીર)

ગાંધી પરિવારના તમામ લોકો જાણે છે કે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા બાદ આખા દેશની નજર પ્રિયંકા ગાંધી પર છે.

  પલ્લવી ઘોષ : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ગુરુવારે સાંજે જાહેર કરી દીધી છે. આ યાદી બાદ સોનિયા ગાંધીની રાજકીય નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂકાય ગયું છે. સોનિયા ગાંધી ફરીથી રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી લડશે. વર્ષ 2004થી સોનિયા ગાંધી અહીંથી ચૂંટાતા આવ્યા છે. આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની માતાનું પદભાર સંભાળશે. પરંતુ સોનિયા ગાંધી રાજકીય નિવૃત્તિ લે તેના માટે થોડી રાહ જોવી પડશે. આ પાછળ અનેક કારણો જવાબદાર છે.

  હકીકતમાં સખત મહેનત અને કુશળ રણનીતિ, સોનિયા ગાંધીની રાજનીતિને દર્શાવે છે. કોંગ્રેસ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. હાલ તેમની પાસે તોડજોડ અને મહાગઠબંધનનો જ સહારો છે. આ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોડતોડ માટે સોનિયા ગાંધી વધારે શક્તિશાળી સાબિત થઈ શકે છે. અનેક રાજકીય પાર્ટીઓ તેમજ તેમના વડાઓને રાહુલ ગાંધી કરતા સોનિયા ગાંધી સાથે વધારે ગાઢ સંબંધો છે. તેઓ રાહુલના બદલે સોનિયા ગાંધી સમક્ષ પોતાની વાત રાખવાનું વધારે પસંદ કરતા હોય છે.

  આ વાતની સાબિતી ત્યારે મળી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ નિવેદન કર્યું કે તેઓ સોનિયા ગાંધી સાથે ખુલ્લીને ચર્ચા કરી શકતા હતા. જ્યારે રાહુલ ગાંધીને થોડો સમય જોઈએ છે. અનેક નેતાઓને એવું લાગે છે કે સોનિયા ગાંધીનું રાજકીય ભવિષ્ય યથાવત છે. જ્યારે બીજી તરફ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં પાર્ટી સારું પ્રદર્શન કરે તેના પર નજર રાખી રહી છે.

  આ પણ વાંચો : કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, રાહુલ અમેઠીથી અને સોનિયા રાયબરેલીથી લડશે

  ગાંધી પરિવારના તમામ લોકો જાણે છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા બાદ આખા દેશની નજર પ્રિયંકા ગાંધી પર છે. જો સામાન્ય ચૂંટણીમાં તેનું પ્રદર્શન ખરાબ રહેશે તો લોકોના માનસ પર ઉભી થયેલા છાપ ભૂંસાઈ જશે કે પ્રિયંકા કોંગ્રેસનું ટ્રમ્પ કાર્ડ છે અને તે ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. આની અસર રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી પર પણ પડશે. જો પ્રિયંકાને રાયબરેલીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતી તો અફવાઓનો દૌર શરૂ થઈ જતો હતો.

  કોંગ્રેસની પ્રથમ યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ ન હોવાથી કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે સોનિયા ગાંધી હજુ પણ સક્રિય રાજકારણમાં છે. આનાથી એક એવો સંદેશ પણ જાય છે કે પ્રિયંકાએ હાલ સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.


  સોનિયા ગાંધી ખરાબ સ્વાસ્થ્યને કારણે જાહેર કાર્યક્રમોમાં ભાગ નથી લઈ રહ્યા. છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના મતક્ષેત્રમાં પણ નથી ગયા. છેલ્લે તેઓ જ્યારે રાયબરેલી ગયા હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમણે પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. આથી સોનિયા ગાંધીની જવાબદારી તેની પુત્રી પ્રિયંકા ગાંધી નિભાવી રહી હતી. આ માટે જ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે આ બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવામાં આવી શકે છે.

  કોંગ્રેસ નથી ઈચ્છતી કે રાયબરેલીની બેઠક ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિને આપવામાં આવે. કારણ કે કોંગ્રેસ માને છે કે આ બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે. એવું પણ કહેવામાં આવે છે કે સોનિયા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડશે તેનાથી પ્રિયંકા ગાંધીને ફાયદો થશે.

  જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક છોડીને રાયબરેલીમાંથી ચૂંટણી લડતા તો એવો સંદેશ જતો કે તેઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ચૂંટણી લડવાથી બચવા માંગે છે. જોકે, બીજેપી પણ આ બેઠક પર જોરદાર ટક્કર આપવા માંગે છે. તાજેતરમાં જ પીએમ મોદીએ અમેઠી બેઠકમાં એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ બેઠકનો પ્રવાસ કર્યો હતો.


  પ્રિયંકા ગાંધી હાલ પૂર્વ ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપી રહી છે. જો તે રાયબરેલીથી ચૂંટણી લડતી તો તેણે અહીં વધારે ધ્યાન આપવું પડતું. મોટા પ્રમાણમાં અભિયાન ચલાવવું પડતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા અત્યારે નહીં તો ભવિષ્યમાં ચૂંટણી લડી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lok sabha election 2019, Priyanka gandhi, Sonia Gandhi, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन