Home /News /national-international /

એલોપેથી Vs આયુર્વેદ: બાબા રામદેવ સામે ડોક્ટરોએ કેમ ચઢાવી બાંયો, શું છે સમગ્ર વિવાદ?

એલોપેથી Vs આયુર્વેદ: બાબા રામદેવ સામે ડોક્ટરોએ કેમ ચઢાવી બાંયો, શું છે સમગ્ર વિવાદ?

બાબા રામદેવના નિવેદન પર ડોક્ટરોનો વિરોધ

અસંખ્ય ડોક્ટરો અને અન્ય નિષ્ણાંતોએ બાબા રામદેવના વિરોધમાં 1 જૂનને બ્લેક ડે જાહેર કર્યો હતો

નવી દિલ્હી : કોરોના કાળ સામે ઝઝૂમી રહેલા ભારતમાં આરોગ્ય વ્યવસ્થા અંગે અનેક કૌભાંડો અને વિવાદો સામે આવ્યા છે. આ સમયગાળામાં એક તરફ લોકો ઘરેલું ઉપચારો તરફ વળ્યા છે, તો બીજી બાજુ એલોપેથી દવા અને આયુર્વેદ અંગે અનેક વખત ટિકા ટીપ્પણીઓ સર્જાઇ છે. તેવામાં યોગ ગુરૂ બાબા રામદેવે સામે આવીને એલોપેથી દવા અને ડોક્ટરો સામે નિવેદન આપ્યુ હતું. જેનાથી ઉશ્કેરાઇ અસંખ્ય ડોક્ટરો અને અન્ય નિષ્ણાંતોએ બાબા રામદેવના વિરોધમાં 1 જૂનને બ્લેક ડે જાહેર કર્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?

હકીકતમાં હાલમાં જ એક મીડિયા વાતચીતમાં બાબા રામદેવે એલોપેથી વિરુદ્ધ મોરચા સંબંધી સવાલ પર કહ્યું હતું કે, કોરોના મહામારીના આ કપરા સમયમાં લોકોને યોગ અને પ્રાકૃતિક ઉપચારોની સાચી જરૂર છે. આ મહામારીમાં લોકોને ડોક્ટર્સે નહીં, પરંતુ યોગ અને નેચરોપેથીએ બચાવ્યા છે. એલોપેથી વિરૂદ્ધ કોઇ મોરચાબંધી નથી. પરંતુ તેઓ બીમારીના નિવારણ માટે ફક્ત સિમ્પ્ટોમેટિક ટ્રિટમેન્ટ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, ફક્ત ડોક્ટોએ જ કોરોનાથી દર્દીઓને બચાવ્યા તો અમે શું ભંડારો ખાવા આવ્યા છીએ? ડોક્ટરોએ સારૂ કામ કર્યું છે પણ એ કહેવું તદ્દન ખોટું છે કે ફક્ત તેમણે જ લોકોના જીવ બચાવ્યા. લોકો યોગ અને દેશી ઉપચારથી પણ સાજા થયા છે. 95થી 98 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર નથી પડી, કારણ કે તેઓ આયુર્વેદ અને યોગથી સાજા થયા છે.

બાબા રામદેવ સામે કાયદાકિય કાર્યવાહીની માંગ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ મહામારી રોગ અધિનિયમ, 1897 અનુસાર રામદેવ વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. મેડિકોઝનું પણ માનવું છે કે, આ પ્રકારની અપમાનજનક ટીપ્પણીઓ માત્ર મેડિકલ સ્ટાફના સારા ઇરાદાઓ અને તેમની અપાર મેહનતને જ નહીં, પરંતુ આવા નિવેદનો કેન્દ્ર સરકારના સમગ્ર દેશમાં રસીકરણની યોજના પર લોકોમાં ડર ફેલાવી દે છે અને ખોટી તસવીર ઊભી થવાની પણ સંભાવના છે.

આવા નિવેદનો આપનાર સામે થવી જોઇએ કાર્યવાહી

આઇએમએના રાષ્ટ્ર અધ્યક્ષ ડો. જે એ જયલાલે કહ્યું કે, જ્યારે દેશ આવી વૈશ્વિક મહામારીમાં સંપડાયેલ છે ત્યારે આપણે કોઇને પણ આવા નિવેદનો આપવાનું જોખમ ઉઠાવવું ન જોઇએ. જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને કેન્દ્ર સરકારના રસીકરણના કાર્યક્રમમાં અડચણ રૂપ બને છે. જો કોઇ આમ કરે તો તેની સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી થવી જોઇએ.

કોરોના વારિયર્સ બની આ મહામારીના સમયમાં ડોક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓએ કોવિડ-19 સામે સતત જંગ લડી છે અને તેઓ દેશના દરેક નાગરિક માટે સન્માનને પાત્ર બન્યા છે. ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં પણ બાબા રામદેવની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે.

1 જૂનને જાહેર કરાયો બ્લેક ડે

IMA સાથે મળીને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન, જૂનિયર ડોક્ટર્સ એસોસિએશન, રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન અને યુનાઇટેડ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને 1 જૂનના દિવસને રાષ્ટ્ર વ્યાપી બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ દર્શાવ્યો હતો. દર્દીઓની સારવારમાં બાધા ન આવે તે રીતે આ એક મૌન વિરોધ હોસ્પિટલોમાં રાખવા આવ્યો હતો. ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓએ કાળી રિબીન લગાવી અને એક નાની પ્લેટ લગાવી હતી જેમાં લખ્યું હતું, #Arrest Ramdev.

ડોક્ટર સંઘોએ આ સમયે અતિગંભીર રૂપે વિરોધ નહીં કરવાનું નક્કી કર્યું છે, કારણ કે હાલ તેમને કોરોના સામે લડાઇ લડવાની જરૂર છે. જૂનિયર ડોક્ટર હર્ષ રાય કે જેઓ IMA-JDAના યૂપી સ્ટેટ કોઓર્ડિનેટર છે, તેમણે કહ્યું કે અમારી સાથે થયેલા આ અન્યાયથી અમે ખૂબ દુ:ખી છીએ. પરંતુ સાથે જ અમે નથી ઇચ્છતા કે આવા ખરાબ સમયમાં દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અમને આશા છે કે દેશ આ પ્રયત્નમાં અમારું સમર્થન કરશે અને આ કોવિડ-19 મહામારીમાં ડોક્ટરોના સર્વોચ્ચ બલિદાનને માન્યતા આપશે.

રામદેવ અને આઇએમએ વચ્ચે ચાલી રહેલી આ લડાઇમાં અનેક હસ્તીઓનું ધ્યાન પણ ખેંચાયું છે. અભિનેતા અને હાસ્ય કલાકાર વીર દાસે ટ્વિટ કરી સોશ્યલ મીડિયામાં પોતાના તીખા વિચારો પ્રગટ કર્યા છે.

રસીકરણમાં આપત્તિ પેદા કરવા માટે રામદેવની ડોક્ટરોએ ખૂબ આલોચના કરી હતી. ભારતીય અભિનેતા દિલીપ તાહિલે ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી માટે સમર્થન વ્યક્ત કર્યું છે, વર્તમાન સ્થિતિમાં આ સલાહ આપવા માટે અપર્યાપ્ત સબૂત છે કે પારંપરિક ચિકિત્સા પ્રણાલી અસફળ થઇ છે. આ કાર્ય પ્રગતિ પર છે. હાલનો સમય લોકો માટે ખૂબ કપરો સમય છે. મને લાગે છે કે હાલ આવા કોઇ પણ પાયાવિહોણા નિવેદનો વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
First published:

Tags: Black day, COVID-19, Doctors, બાબા રામદેવ, યોગ, યોગ ગુરૂ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन