તાઈવાન પર કબજો કરવો ચીન માટે લોઢાંના ચણા ચાવવા જેવું, જાણો આવું કેમ?
ચીન-તાઇવાન તણાવ (Shutterstock તસવીર)
China-Taiwan War: તાઈવાનમાં અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીના આગમનને ચીન સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જુએ છે. જેના કારણે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે.
શુભમ શર્મા, નવી દિલ્હી: અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives of the United States)ના સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લેતા ચીન (China) ભડકી ગયું છે. તાઈવાન મુદ્દે ચીન (Taiwan and China) કોઈ પણ ખલેલને સાંખી લેવા તૈયાર નથી. બીજી તરફ આ જ મુદ્દે અમેરિકા (America) સહિતના કેટલાક દેશો ચીનને ઘેરવાની તૈયારી કરે છે. આ દરમિયાન ચીને તાઇવાન પર સૈન્ય કાર્યવાહીની ધમકી (China threatens military action on Taiwan)ઓ આપ્યા બાદ તાઇવાન સ્ટ્રેટમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે અને તાઇવાનથી માત્ર 16 કિલોમીટર દૂર પોતાની સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે.
તાઈવાનમાં અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીના આગમનને ચીન સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જુએ છે. જેના કારણે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. ત્યારે જો ચીન તાઇવાન પર આક્રમણ કરે તો તાઇવાન પર કબજો કરવો ચીન માટે કેટલો મુશ્કેલ બની શકે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
અલ જઝીરાના અહેવાલ અનુસાર તાઇવાન અગાઉ ફોર્મોસા ટાપુ તરીકે ઓળખાતું હતું અને હવે તેને સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ ચાઇના કહેવામાં આવે છે. માઓ ઝેડોંગની સામ્યવાદી સેના સામે પરાજિત થયા પછી રાષ્ટ્રવાદી કુઓમિન્ટાંગ 1949માં ફોર્મોસા ટાપુ પર તેની સેના સાથે સ્થાયી થયા હતા. ત્યારથી જ ચીન તાઇવાનને પોતાના ક્ષેત્રનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે. ચીનની 'વન ચાઈના પોલિસી'ના કારણે હજુ સુધી કોઈ મોટા દેશે તાઈવાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી નથી. પણ વૈશ્વિક રીતે તાઈવાનનું બહોળું મહત્વ છે. તાઈવાન ટેકનોલોજીમાં મોટું નામ ધરાવે છે, આ ઉપરાંત તાઈવાન આર્થિક રીતે પણ સધ્ધર ગણાય છે. આ સાથે તેને એક યા બીજી રીતે અમેરિકાનું પણ પીઠબળ મળી રહ્યું છે.
ચીન અને તાઇવાન વચ્ચેનું અંતર મોટી સમસ્યા
ચીન અને તાઇવાન વચ્ચે 128 કિલોમીટર પહોળું તાઇવાન સ્ટ્રેટ છે. જે તાઇવાનને ચીની સૈન્યને થકાવવા અને તેનાથી બચાવ કરવા માટે પૂરતો સમય આપી શકે છે. ચીની સેના પોતાના જહાજોને જ્યાં ઉતારી શકે તે જગ્યા તેનાથી ઘણી દૂર સ્થિત છે. બીજી તરફ એરલિફ્ટ દ્વારા ચીન તાઇવાનમાં અમુક હજાર સૈનિકોને જ ઉતારી શકે છે. ચીનને તાઈવાનમાં મોટી સંખ્યામાં સૈનિકો અને શસ્ત્રો મોકલવા માટે શીપની જરૂર પડશે.
રિપોર્ટ અનુસાર, તાઈવાન પર કબજો કરવા માટે ચીનને ઓછામાં ઓછા 4 લાખ સૈનિકોની જરૂર પડશે. ચીનને આ સૈનિકો લઈ જવા માટે અનેક જહાજોનો ઉપયોગ કરવો પડશે. આ ભારેખમ ચીની કાફલો ધીરે ધીરે જ આગળ વધી શકશે. જેના કારણે તાઇવાનની લાંબા અંતરની મિસાઇલો, હવાઈ હુમલા અને સબમરીનનો સરળતાથી ભોગ બની શકે છે.
ચીનના જહાજોના આ વિશાળ કાફલાના સફળ સંચાલન માટે જરૂરી તમામ સૈનિકો, શસ્ત્રો, વાહનો અને પુરવઠો ઉતારવાનો સૌથી ઝડપી રસ્તો કબજે કરેલા બંદરોની સુવિધાઓનો ઉપયોગ કરવાનો છે. પરંતુ આ બંદરોને કબજે કરવા પડકાર હશે. ચીનને વાયુસેના દ્વારા લાવવામાં આવેલા હથિયારો અને સૈનિકોને ઉતારવા માટે તાઇવાનના એરપોર્ટ પર કબજો કરવો પડશે. જોકે, એરપોર્ટ પર અમેરિકા પૂરી પાડવામાં આવતી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ છે. જેના કારણે આ કબજો કરવો પણ મુશ્કેલ છે. પરિણામે ચીનની સેનાને જળ સાથે આકાશમાં પણ મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.
તાઇવાનનો ભૂગોળ ચીન સામે મોટી સમસ્યા
તાઈવાન સ્ટ્રેસ અને બંદરોના પડકારને પાર કર્યા પછી પણ ચીનના સૈન્યને તાઇવાનની ભૌગોલિક સ્થિતિ સામે લડવું પડી શકે છે. તાઇવાન ભારે જંગલોથી ઘેરાયેલી પર્વતમાળાનું બનેલું છે. આ પર્વતમાળા ઉત્તરથી દક્ષિણ તરફ 395 કિ.મી સુધી ફેલાયેલી છે. પર્વતમાળાની પશ્ચિમે ફળદ્રુપ મેદાનો અને મોટાં શહેરો આવેલાં છે.
તાઈવાનની રાજધાની તાઈપેઈ ઉત્તરમાં છે, જ્યારે તાઈચુંગ મધ્યમાં છે અને દક્ષિણમાં કાઓહસિંગ્સ આવેલ છે. જે કુદરતી ડિફેન્સ કવચ ઉભું કરે છે. આ કવચ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાને ખૂબ જ ધીમો કરી દેશે. આ ટાપુના સમગ્ર પશ્ચિમ ભાગમાં નદીઓ અને નહેરો આવેલી છે. એકંદરે જોઈએ તો તાઈવાનનો ભૌગોલિક વિસ્તાર ચીનના હુમલાને માફક આવી શકે તેમ નથી. ચાઇનીઝ સેનાને હુમલો કર્યા બાદ મોટા પડકારોનો સામનો કરવો પડશે.
તાઈવાનમાં અમુક જ તટ પર ચીનની નેવી પોતાના જહાજોને ઉતારી શકે છે. બીજી તરફ આ કિનારાઓની આસપાસની ઉંચી ઇમારતો અને ઊંચા ખડકો થકી તાઇવાનની સક્ષમ સેના જીવલેણ જવાબી કાર્યવાહી કરી શકે છે. જેથી ચીને સંપૂર્ણ તાકાતથી હુમલો કરવો પડશે. જોકે, રિપબ્લિક ઓફ ચાઇના માત્ર તાઇવાનના મુખ્ય ટાપુ પૂરતું સીમિત નથી, તેમાં તાઇવાન સ્ટ્રેટમાં ફેલાયેલા ઘણા નાના ટાપુઓનો પણ સમાવેશ થાય છે. માત્સુ અને કિનમેન જેવી કેટલીક શૃંખલાઓ દરિયાકાંઠે આવેલી છે. અન્ય મુખ્ય ટાપુ શૃંખલા પેંઘુ 90 ટાપુઓનો દ્વીપસમૂહ છે.
આ ટાપુઓ જહાજ અને એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલો, ચેતવણી માટેની રડાર સિસ્ટમ્સ અને સારી રીતે પ્રશિક્ષિત સૈનિકોથી ભરેલો છે. જેથી ચીન માટે યુદ્ધ સરળ રહેશે નહીં. ચીનના સૈન્યને પણ પરાવાર નુકસાન થઈ શકે છે. સારી રડાર અને ડિફેન્સ સિસ્ટમના કારણે તાઇવાનના સૈનિકો ચીનના મોટા કાફલાને સરળતાથી શોધી શકે છે અને નિર્ધારિત સમયે હુમલો કરીને ચીની સૈન્યને મોટું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. ટાપુઓ પરના આધુનિક રડાર પણ મેનલેન્ડ તાઇવાન પર સૈન્યને સમયસર આવા હુમલાઓ વિશે માહિતગાર કરવામાં સક્ષમ છે
તાઇવાનના સશસ્ત્ર દળોમાં 163,000 સક્રિય સૈનિકો
આમ તો તાઇવાનનું સૈન્ય ચીનની સેના કરતા કદમાં નાનું છે, પરંતુ ચીનના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તેને સારી રીતે તાલીમ આપવામાં આવી છે. તાઇવાનની સેના પાસે કોઇ પણ હુમલાને રોકવા માટે હથિયાર છે. યુનાઇટેડ સ્ટેટ્સ પણ તાઇવાનને માત્ર રક્ષણાત્મક શસ્ત્રોની સિસ્ટમનું વેચાણ કરે છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના જણાવ્યા અનુસાર, તાઇવાનના સશસ્ત્ર દળોમાં 163,000 સક્રિય સૈનિકો અને 1.6 મિલિયનથી વધુ અનામત સૈનિકો છે. જો કે, તાઇવાનની સેના ચીન સામે ઘણી નાની છે. આંકડા જોઈએ તો ચીનની સેનામાં 20 લાખ સૈનિકો છે. 20.35 લાખ સક્રિય કર્મચારીઓ સાથે પીએલએ વિશ્વનું સૌથી મોટું સશસ્ત્ર દળ છે.
સાયબર યુદ્ધ
સશસ્ત્ર યુદ્ધ સાથે સાયબર યુદ્ધ પણ છેડાશે. આ સાયબર યુદ્ધમાં પણ તાઈવાન ચીનને જડબાતોડ જવાબ આપી શકે છે. તાઇવાનની સાયબર ટીમ આવા હુમલાઓને રોકવા માટે સારી રીતે પ્રશિક્ષિત છે. આવા હુમલાઓને સમજીને તાઈવાને એક નવી સાયબર સિક્યોરિટી એજન્સી બનાવી છે, જે ચીનના સાયબર હુમલાને રોકવા માટે સક્ષમ છે.
તાઇવાનની બહુચર્ચિત પાર્કુપાઈન સ્ટ્રેટેજી
તાઈવાનની સેના ચીન સામે વિજય મેળવી શકે નહીં, આ વાતમાં કોઈ શંકા નથી. આવી સ્થિતિમાં તાઈવાને પોતાના ડિફેન્સને શક્તિશાળી બનાવી દીધું છે. જેના કારણે લાંબા સમય સુધી યુદ્ધને ખેંચી શકે છે. તાઇવાનના એન્ટી-એર, એન્ટી-ટેન્ક અને એન્ટી-શિપ શસ્ત્રો અને દારૂગોળાના મોટા ભંડારોએ પાર્કુપાઈન સ્ટ્રેટેજીને મજબૂત બનાવી છે.
પાર્કુપાઈન સ્ટ્રેટેજીનો ઉપયોગ દુશ્મન સામેના કોઈપણ યુદ્ધને લંબાવવા અને તેના ખર્ચમાં અનેકગણો વધારો કરવા માટે થાય છે. આવી સ્થિતિમાં હુમલાખોરે પોતાના દુશ્મન પર હુમલો કરતા પહેલા ઘણી વાર વિચારવું પણ પડે છે. ચીન તાઇવાનની પાર્કુપાઈન વ્યૂહરચનાથી પણ વાકેફ છે. તે જાણે છે કે તાઇવાનનો કબજો ખૂબ મોંઘો પડી શકે છે. આ સ્ટ્રેટેજીને મજબૂત રીતે અમલમાં મૂકવા માટે તાઈવાને 411 ફાઇટર જેટનો કાફલો બનાવ્યો છે. જેમાંથી લગભગ અડધા અમેરિકાના F -16 અને ફ્રેન્ચ મિરાજ 2000 ફાઇટર્સ છે. આ સાથે તાઈવાનના ગ્રાઉન્ડ ક્રૂને દુનિયાનો સૌથી પ્રશિક્ષિત ક્રૂ માનવામાં આવે છે, જે માત્ર ત્રણ કલાકમાં સંપૂર્ણપણે બરબાદ થઈ ગયેલા રનવેને રિપેર કરવામાં સક્ષમ છે. ટેકનિકલ રીતે ક્ષતિગ્રસ્ત વિમાનનો પણ ઉપયોગ કરી શકાય તે માટે તેમને 24 કલાક પોતાના વિમાનની મરામત અને જાળવણી કરવાનું શીખવવામાં આવે છે.
અંડરગ્રાઉન્ડ એરપોર્ટ અને મિલિટરી કમાન્ડ સેન્ટર
તાઇવાનના લડાકુ વિમાનો ઘણી અંડરગ્રાઉન્ડ હવાઈ પટ્ટીઓથી ખૂબ જ સારી રીતે સુરક્ષિત છે. આ સૈન્ય મથકો તાઇવાનની પર્વતમાળામાં ઊંડે સુધી દટાયેલા છે. આવી સ્થિતિમાં, ચીન માટે તાઇવાનની સેનાને નુકસાન પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે, તાઇવાનનું લડાકુ વિમાન પર્વતમાં કાપવામાં આવેલી પહોળી સુરંગોથી ટેક-ઓફ અને લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે. આ ફાઈટર જેટ ગમે ત્યારે ચીનની સેનાને સરપ્રાઈઝ આપી શકે છે. આવું જ એક હેંગ શાન મિલિટરી કમાન્ડ સેન્ટર તાઈપેઈ નજીક પર્વત નીચે બનાવવામાં આવ્યું છે, જેમાં હજારો સૈનિકો સાથે મળીને કામ કરી શકે છે. આ લશ્કરી કમાન્ડથી તાઈવાનની સેના ચીન પર ખૂબ જ ઘાતક હુમલો કરી શકે છે.
બીજી તરફ આ ભૂગર્ભ પરિસરનો હવાઈ સ્થિત યુ.એસ. ઇન્ડો-પેસિફિક કમાન્ડ સાથે સીધો સંપર્ક છે. જે અમેરિકાને સમયસર કોઈપણ હુમલાની જાણ કરી શકે છે. આવું જ એક કેન્દ્ર સ્ટોન માઉન્ટેન પરિસરમાં બાંધવામાં આવેલા વિશાળ ચિહાંગ એર બેઝની ટનલમાંથી સંચાલિત થાય છે. જ્યાં જેટમાં રિફ્યુઅલિંગની સુવિધા પણ છે. એકંદરે ચીનની વિશાળ સેનાને હંફાવી શકે તેવી ટેકનોલોજી, શસ્ત્રો અને શૌર્ય તાઇવાનની સેના પાસે છે. આ ઉપરાંત તાઈવાનને અમેરિકાનો સાથ પણ મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર