એર સ્ટ્રાઇક પર ચિદમ્બરમ બોલ્યા- સરકાર પર ભરોસો, પણ 300 આતંકીની વાત કોણે કહી?

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ

ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસે કાર્ય સમિતિ (કોંગ્રેસ વર્કિગ કમિટિ)ની બેઠક રદ કરી નાખી પરંતુ વડાપ્રધાન મોદી બૂથ કાર્યકરોને સંબોધન કરીને તેનો શ્રેય લઈ રહ્યા હતા.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરેલી એર સ્ટ્રાઇક અંગે દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે. વિપક્ષના અનેક નેતાઓ એર સ્ટ્રાઇક અંગે સરકાર પાસેથી પુરાવા માંગી રહ્યા છે. જ્યારે સરકાર આ વાતને સેનાનું અપમાન ગણાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનું નિવેદન સામે આવ્યું છે.

    ચિદમ્બરમનું કહેવું છે કે અમે સરકારના એર સ્ટ્રાઇકના દાવા પર વિશ્વાસ મૂકવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા એ તો કહો કે એર સ્ટ્રાઇકમાં 300થી 350 આતંકીઓ માર્યા ગયાની પુષ્ટિ કોણે કરે હતી?

    પૂર્વ નાણા મંત્રીએ સોમવારે ટ્વિટરના માધ્યમથી આ વાત કહી હતી. ચિદમ્બરમે કહ્યું - "જો સરકાર ઇચ્છી રહી છે કે દુનિયા પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં થયેલી વાયુસેનાની એર સ્ટ્રાઇક પર ભરોસો કરે, તો સરકારે વિપક્ષ પર આરોપ લગાવવાથી બચવું જોઈએ."

    આ પણ વાંચો :  ભારતનું દબાણ કામ કરી ગયું! UNSCમાં જૈશ વિરુદ્ધ U ટર્ન લઈ શકે છે પાકિસ્તાન

    ચિદમ્બરમે કહ્યુ, "વાયુસેનાના વાઇસ એર માર્શલે એર સ્ટ્રાઇકમાં થયેલા મોત અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે જ વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે એર સ્ટ્રાઇક દરમિયાન કોઈ નાગરિક કે પછી પાકિસ્તાનના આર્મીના જવાનોનાં મોત થયા નથી, તો પછી સરકાર તરફથી 300-350 આતંકીઓ માર્યા ગયાની પુષ્ટિ કોણે કરી?"

    ચિદમ્બરમે બીજેપી પર આરોપ લગાવ્યો કે સત્તાધારી પાર્ટી એરફોર્સની એર સ્ટાઇકનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે. આ આખા ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી દળોની વલણ જવાબદારી ભર્યું રહ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે કાર્ય સમિતિ (કોંગ્રેસ વર્કિગ કમિટિ)ની બેઠક રદ કરી નાખી પરંતુ વડાપ્રધાન મોદી બૂથ કાર્યકરોને સંબોધન કરીને તેનો શ્રેય લઈ રહ્યા હતા.

    આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ઘમાનનું આ છે વડોદરા કનેક્શન

    વડાપ્રધાન મોદીએ રવિવારે પટનામા એનડીએની રેલીમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ, "મહાગઠબંધનના નેતાઓને ફક્ત પોતાના સ્વાર્થની ચિંતા છે. ચોકીદારને ગાળો આપવા માટે લાંબી લાઈનો લાગી છે, પરંતુ ચોકીદાર સંપૂર્ણ રીતે સચેત છે. અમુક લોકોને સેનાના પરાક્રમ પર શંકા છે." પીએમ મોદીના આ નિવેદન પર ચિદમ્બરમે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાના 12 દિવસ પછી ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર મિરાજ-2000થી બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં 300થી 350 આતંકીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: