નવી દિલ્હી : હ્યૂસ્ટનમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ NRG સ્ટેડિયમ ખાતે 50 હજાર લોકોને સંબોધન કર્યું હતું. Howdy Modi કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ખાતે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને વાટાઘાટો (Negotiator)માં માહેર ગણાવ્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે આ અંગે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અમેરિકાના પ્રમુખના ચહેરા પર સ્મિત રેલાયું હતું. હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદી અને દ્વિપક્ષિય બેઠકમાં ભાગ લેશે. ન્યૂયોર્ક ખાતે તેમની અને ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત પણ થશે.
તડજોડ મુદ્દે મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, "આગામી બે ત્રણ દિવસમાં પ્રમુખ ટ્રમ્પ સાથે મારી વાતચીત થશે. હું આશા રાખું છું કે તેનાથી પણ સકારાત્મક પરિણામ આવશે. આમ તો પ્રમુખ ટ્રમ્પ મને 'Top Negotiator'(વાટાઘાટો કરવામાં માહેર) કહે છે. પરંતુ તેઓ પણ 'The art of the deal' (સોદો કરવાની આવડત)માં માહેર છે. હું તેમની પાસેથી ઘણું બધુ શીખી રહ્યો છું." મોદીના આવા નિવેદન બાદ સ્ટેડિયમ લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.
પોતાના ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષિય સોદ્દાઓ માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષિય સંધીઓ નવી ઊંચાઈ પર પહોંચી છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ શનિવારે એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલી અમેરિકાની કંપનીઓના સીઈઓ સાથે ખાસ મુલાકાત કરી હતી.