કોણ છે એ પોલીસ ઓફિસર જેના માટે ધરણા પર બેસી ગયા મમતા બેનરજી?

રાજીવ કુમાર

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે.

 • Share this:
  કોલકાતા : શારદા ચીટ ફંડ અનો રોઝ વેલી મામલે મમતા બેનરજી અને સીબીઆઈ આમને સામને આવી ગયા છે. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ માટે આવેલા સીબીઆઈના પાંચ પોલીસ અધિકારીની રાજ્ય પોલીસે અટકાયત કરી લીધી હતી. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. મમતા બેનરજી પોતાના એક પોલીસ અધિકારી માટે સીધા કેન્દ્ર સરકાર સામે ઘર્ષણમાં ઉતરી આવ્યા છે. તો જાણીએ કોણ છે એ પોલીસ અધિકારી જેમણે બંગાળ સહિત આખા દેશની રાજનીતિમાં ભૂંકપ સર્જ્યો છે.

  કોણ છે રાજીવ કુમાર?

  રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની એસએમ કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

  આ પણ વાંચો : કોલકાતામાં CBI vs Police: કમિશ્નરના ઘરે રેડ પાડવા પહોંચેલી CBI ટીમની અટકાયત

  શું છે શારદા ચીટ ફંડ?

  શારદા ચીટ ફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચીટ ફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

  રાજીવ કુમાર પર શું આરોપ છે?

  રાજીવ કુમાર શારદા ચીટ ફંડ તપાસના ઘેરામાં છે. રાજીવ કુમારે ચીટ ફંડની તપાસ માટે બનેલી સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું વડપણ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. સીટની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: