જલ્લાદ નહીં જેલના સિપાહીએ આપી હતી અફઝલ ગુરુને ફાંસી

અફઝલ ગુરુ (ફાઈલ તસવીર)

તિહાડ જેલના તત્કાલિન ડીજી બી.કે ગુપ્તાના હવાલેથી એક પુસ્તકમાં છપાયું છે કે અફઝલને ફાંસી આપવા માટે તેમને કોઈ જલ્લાદ મળ્યો ન હતો.

 • Share this:
  નાસિર હુસૈન

  સંસદ હુમલાના દોષી પ્રોફેસર અફઝલ ગુરુને 2013માં ફાંસી કોઈ જલ્લાદે નહીં પરંતુ જેલના એક સિપાહીએ આપી હતી. ન્યૂઝ18ની તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે. જોકે, તિહાડ જેલના પૂર્વ અધિકારી આ વાતનો ઇન્કાર કરી રહ્યા છે.

  હકીકતમાં આ કેસની ગંભીરતાને જોઈને ત્યારે અનેક વસ્તુઓને ગુપ્ત રાખવામાં આવી હતી. એ વાતને કારણે સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે ફાંસી કોણે આપી હતી. જોકે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે ફાંસી જલ્લાદે જ આપી છે. જોકે, તિહાડ જેલના પૂર્વ ડીજીના એક પુસ્તકમાં છપાયેલા નિવેદનને કારણે આ મુદ્દે અનેક શંકા ઉઠી રહી છે.

  ન્યૂઝ18ની તપાસમાં માલુમ પડ્યું છે કે તિહાડ જેલના બે પૂર્વ અધિકારીઓના નિવેદન અલગ-અલગ છે. બીજી તરફ યુપીનો એક જલ્લાદ પવન આ અંગે કંઈક અલગ જ કહી રહ્યો છે.

  તિહાડ જેલના તત્કાલિન ડીજી બી.કે ગુપ્તાના હવાલેથી એક પુસ્તકમાં છપાયું છે કે અફઝલને ફાંસી આપવા માટે તેમને કોઈ જલ્લાદ મળ્યો ન હતો. જોકે, અફઝલને ફાંસી આપવામાં આવી ત્યારે જેલમાં લો અધિકારી રહેલા સુનીલ ગુપ્તા ડીજીના હવાલેથી લખાયેલી વાતને સાચી નથી માની રહ્યા. તેમના જણાવ્યા પ્રમાણે, 'એ વાત સાચી નથી કે અફઝલ ગુરુને કોઈ સિપાહીએ ફાંસી આપી હતી. અમે ગાઝિયાબાદથી એક જલ્લાદને બોલાવ્યો હતો. આ જ જલ્લાદે અફઝલ ગુરુને ફાંસી આપી હતી. જો પૂર્વ ડીજી બીકે ગુપ્તા (તિહાડ જેલ) ક્યાંય આવું નિવેદન આપી રહ્યા છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે.'

  મેરઠ જેલના જલ્લાદ પવનનું કહેવું છે કે, 'જ્યારે કોર્ટમાં અફઝલ ગુરુને ફાંસી આપવાની જાહેરાત થઈ ત્યારે હું તિહાડ જેલમાં લો અધિકારી સુનીલ ગુપ્તાને મળ્યો હતો. મેં ફાંસી આપવાને લઈને વ્યવસ્થા અંગે પણ વાતચીત કરી હતી. ત્યારે જલ્લાદ તરીકે મને બોલાવવાની વાત પણ કહેવામાં આવી હતી. એ સમયે સુનીલ ગુપ્તાએ કહ્યું હતું કે કંઈક એવું હશે તો તમને જાણ કરી દઈશું.'

  પવને એવું પણ કહ્યું હતું કે, 'ગાઝિયાબાદ અને નોઇડામાં કોઈ ફાંસી આપવાનું કામ નથી કરતું. યૂપી સરકારની માન્યતા પ્રાપ્ત હોય તેવા બે જ પરિવાર આ કામ કરે છે. એક હું પોતે અને બીજા લખનઉના અહમદ છે. પરંતુ અહમદની હવે ઉંમર થઈ ગઈ હોવાથી તેમણે આ કામ બંધ કરી દીધું છે.'

  શું કોઈ જલ્લાદ જ ફાંસી આપવાનું કામ કરી શકે? આ સવાલને લઈને અમે મધ્ય પ્રદેશના જેલના પૂર્વ આઈજી જી.કે. અગ્રવાલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'એવું જરૂરી નથી કે કોઈ જલ્લાદ જ ફાંસી આપવાનું કામ કરી શકે. જો તમને ફાંસી આપવા માટે જલ્લાદ નથી મળતો તો તમે કોઈને પણ ફાંસી આપવાનું કામ સોંપી શકો છો. પછી તે જેલનો કર્મચારી હોય કે બહારનો કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે.'

  શું કહે છે જેલના નિયમ

  ફાંસી આપવા અંગે MODEL PRISON MANUAL FOR THE SUPERINTENDENCE AND MANAGEMENT OF PRISONS IN INDIAના પાના નંબર 159માં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ દોષીને ફાંસી આપવામાં આવશે ત્યારે ફાંસી આપનાર પણ ત્યાં હાજર રહેશે. એટલું જ નહીં ફાંસી આપનાર વ્યક્તિને આ માટે ચોક્કસ રકમ પણ આપવામાં આવશે. દરેક જેલમાં ફાંસી આપનાર વ્યક્તિની નિમણૂક કરવાની વાત પણ કહેવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: