વ્હાઇટ હાઉસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા એ નિવેદન પર સ્પષ્ટતા કરી છે જેમાં તેઓએ કહ્યું હતું કે આ મામલામાં મધ્યસ્થતા માટે તૈયાર છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે અને બંને દેશ તેને જાતે ઉકેલે.
ટ્રમ્પે આ વિવાદસ્પાદ નિવેદન બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો કે શું કાશ્મીરને લઈ અમેરિકાની નીતિ બદલાઈ ગઈ છે. તેની પર પ્રવક્તાએ કહ્યું કે, કાશ્મીર બંને દેશો માટે દ્વિપક્ષીય મુદ્દો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બંને દેશોની વચ્ચે વાતચીતનું સ્વાગત કરશે. અમેરિકા આ વાતચીતમાં મદદ કરવા માટે તૈયાર છે.
While Kashmir is a bilateral issue for both parties to discuss, the Trump administration welcomes #Pakistan and #India sitting down and the United States stands ready to assist. - AGW
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહ્યું છે કે પીએમ મોદીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ પોતાના વલણ પર કાયમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ટિપ્પણીને જોઈ કે તેઓ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન દ્વારા અનુરોધ કરાતાં મધ્યસ્થતા માટે તૈયાર છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, ખોટા નિવેદન આપવાના કારણે ન્યૂઝમાં રહેનારા ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું. ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું છું. તો હું મધ્યસ્થ બનવાનું પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું તો મને જણાવો.
ટ્રમ્પે કહ્યું કે તેઓ મદદ માટે તૈયાર છે, જો બંને દેશ તેના માટે કહે. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જાન્યુઆરી 2016માં પઠાણકોટમાં વાયુ સેનાના ઠેકાણા પર હુમલા બાદથી પાકિસ્તાન સાથે વાતચીત બંધ છે.
ટ્રમ્પે કર્યો આ દાવો
ટ્રમ્પે દાવો કર્યો કે મોદી અને તેઓએ ગત મહિને જી-20 શિખર સંમેલનના અવસરે જાપાનના ઓસાકામાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરી, જ્યાં ભારતીય વડાપ્રધાને કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની રજૂઆત કરી.
ટ્રમ્પે કહ્યું કે, હું બે સપ્તાહ પહેલા વડાપ્રધાન મોદી સાથે હતો અને અમે આ વિષય (કાશ્મીર) વિશે વાત કરી. અને તેઓએ વાસ્તવમાં કહ્યું કે, શું તમે મધ્યસ્થ બનવા માંગશો? મેં કહ્યું ક્યાં? (મોદીએ કહ્યું) કાશ્મીર.