'બેસીને ચા તો પી લો,'...કેજરીવાલે હાથ જોડીને BJP સાંસદોને કરી વિનંતી

'બેસીને ચા તો પી લો,'...કેજરીવાલે હાથ જોડીને BJP સાંસદોને કરી વિનંતી

 • Share this:
  દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે દિલ્હીમાં 'સીલિંગ ડ્રાઇવ'ને લઈને વિવાદ વકરી રહ્યો છે. મંગળવારે દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીના નેતૃત્વમાં 7 બીજેપી સાંસદ આ મુદ્દે ચર્ચા માટે સીએમ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. જોકે, વાત જામી નહીં અને બીજેપી સાંસદો મિટિંગને અધૂરી છોડીને જ ચાલ્યા ગયા હતા.

  આ બેઠકનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ બેઠક છોડીને જઈ રહેલા બીજેપી સાંસદોને બેસીને સમસ્યાનું સમાધાન લાવવાની વિનંતી કરી રહ્યા છે.  બીજેપી સાંસદોએ સીએમની વિનંતી તરફ ધ્યાન ન આપતા કેજરીવાલ કહી રહ્યા છે કે, 'જેવું કહેશો એવું કરીશું, તમે બેસો તો ખરા. મિત્રો, બેસીને ચા તો પી લો.'

  એટલું જ નહીં એક વખત તો અરવિંદ કેજરીવાલે બીજેપી સાંસદને હાથ જોડીને કહ્યું કે, 'તમે લોકો દિલ્હીના બે કરોડ લોકો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો. મહેરબાની કરીને બેસી જાવ. આપણે ચર્ચા કરીએ.' જોકે, અનેક વખત વિનંતી છતાં બીજેપી સાંસદો તેમની વાત સાંભળ્યા વગર બેઠક છોડીને ચાલ્યા જાય છે.

  આ ઘટના બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપી પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમએ આક્ષેપ વગાવ્યો હતો કે, 'સીલિંગ ડ્રાઇવ પર તેઓ બીજેપી સાંસદો સાથે મુક્ત મને ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ તેમણે મારી કોઈ વાત સાંભળી ન હતી.'

  કેજરીવાલે કહ્યું, 'બીજેપી સાંસદો, મેયર અને ધારાસભ્યો બેઠકને અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા.' આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે બીજેપી સીલિંગ બંધ કરવાને લઈને ગંભીર નથી.

  તો, બીજેપી તરફથી મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે સીલિંગ મામલે સીએમ કેજરીવાલ વાત કરવાના મૂડમાં ન હતા. તેમના ગુંડાઓએ મારપીટ પણ કરી. જ્યારે બીજેપીની ટીમ તેમને મળવા પહોંચી ત્યારે તેમના ગુંડાઓએ અમારા પર હુમલો કરી દીધો હતો. બીજેપીએ કેજરીવાલ સામે ફરિયાદ પણ દાખલ કરાવી છે.'
  Published by:Vinod Zankhaliya
  First published:January 30, 2018, 15:32 pm