Home /News /national-international /

Power Crisis: કોલસાની અછત અને પરિવહનની સમસ્યા સિવાય વીજ સંકટ પાછળ આ મુખ્ય કારણો છે જવાબદાર

Power Crisis: કોલસાની અછત અને પરિવહનની સમસ્યા સિવાય વીજ સંકટ પાછળ આ મુખ્ય કારણો છે જવાબદાર

આ વખતે વીજળીની માંગ ઝડપથી વધી છે (પ્રતિકાત્મક તસીવીર)

Electricity Crisis: કાળઝાળ ગરમી અને આર્થિક ગતિવિધિઓના કારણે વીજ માંગ આકાશને આંબી રહી છે. આવી સ્થિતિમાં લોકોને 10-10 કલાક સુધી વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે

નવી દિલ્હી : વર્તમાન સમયે દેશમાં વીજળીનું ગંભીર સંકટ (Power Crisis) છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ (Thermal power plant)માં કોલસાનો જથ્થો પૂરો થવાના આરે છે અને નવા કોલસાની સપ્લાયમાં (coal shortage)સમસ્યા છે. જેથી પૂરતી વીજળી ઉત્પન્ન (Power generation) કરવામાં સમસ્યા સર્જાય છે. બીજી તરફ કાળઝાળ ગરમી અને આર્થિક ગતિવિધિઓના કારણે વીજ માંગ આકાશને આંબી રહી છે. આવી સ્થિતિમાં લોકોને 10-10 કલાક સુધી વીજકાપ (Power cut)નો સામનો કરવો પડી રહ્યો છે. અલબત્ત, વીજળીની કટોકટી પાછળ માત્ર કોલસો જ જવાબદાર નથી. નિષ્ણાંતો કહે છે કે, કંપનીઓ પાસે પૈસાની અછત, સમસ્યા પ્રત્યે બેદરકારી અને ઘણા પ્લાન્ટમાં મેન્ટેનન્સના કારણે ઓછું ઉત્પાદન જેવા અન્ય ઘણા કારણો સ્થિતિ મુશ્કેલ બનાવી રહ્યા છે.

ઊર્જા મંત્રાલયના અધિકારીએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, હાલના વીજ સંકટનું સૌથી મોટું કારણ પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. પરિવહનની સમસ્યાને કારણે, કોલસો પ્લાન્ટ સુધી પહોંચી શકતો નથી. બીજી તરફ ઘણી રાજ્ય સરકારો ખાણોમાંથી કોલસો લાવવા માટે માલવાહક ટ્રેનોની અછત હોવાનો આક્ષેપ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે કેટલાક પગલાં ભર્યા છે.

માલગાડીઓનો માર્ગ મોકળો કરવા માટે લગભગ 22 જોડી પેસેન્જર ટ્રેનોની 753 ટ્રીપ રદ કરવામાં આવી છે. આનાથી આવતા મહિના સુધીમાં કોલસો વહન કરતી માલગાડીઓનો રસ્તો સાફ થઈ જશે.

આ કારણે વધુ માલગાડીઓ દોડાવવી પડી

રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો કે, વીજ મંત્રાલયે આ વર્ષે રેલવે પાસેથી 421 રેકની માગણી કરી હતી, જેમાંથી 411 રેક પુરા પાડવામાં આવ્યા હતા. જોકે, મૂળ સમસ્યા કોચની અછતની નથી, પરંતુ કોલસાને લોડ અને અનલોડ કરવામાં લાગતો સમય છે. તેમનું કહેવું છે કે, કોલસાને લોડ અને અનલોડ કરવામાં 10થી 15 દિવસનો સમય લાગતો હોવાથી માલગાડીના વેગન ખાલી નથી થઈ રહ્યા. જોકે, મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, રેલવેએ 450 રેકની માગણી કરી હતી, પરંતુ માત્ર 380 રેક જ મળ્યા છે

આ પણ વાંચો - લાંબા વીજ કાપ માટે થઇ જાવ તૈયાર, માંગ સામે પુરવઠો ઓછો, આગળ સ્થિતિ વધારે ખરાબ થશે

વીજ મંત્રાલયનો દાવો છે કે, કોલસાના ઉત્પાદનમાં કોઈ કમી નથી. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરની સરખામણીએ આ એપ્રિલમાં 27 ટકા વધુ કોલસાનું ઉત્પાદન થયું છે.

ઉનાળાની શરૂઆતથી માંગમાં વધારો

આ વખતે વીજળીની માંગ ઝડપથી વધી છે. 28 એપ્રિલના રોજ પાવર સિસ્ટમ ઓપરેશન કોઓપરેશન (Posoco)ના ડેટા દર્શાવે છે કે, ગયા વર્ષે આ જ દિવસે વીજળીની તંગી 450 મેગાવોટ હતી, જ્યારે આ વર્ષે 23 ગણી વધીને 10,778 મેગાવોટ થઈ ગઈ છે. આંકડા મુજબ શુક્રવારે વીજળીની માંગ રેકોર્ડ 2 લાખ 7 હજાર મેગાવોટ હતી.

વધુ જાણકારી મુજબ માર્ચમાં દેશભરમાં વીજળીની તંગી 14 મિલિયન યુનિટ હતી, જે એપ્રિલમાં વધીને 79 મિલિયન યુનિટ થઈ ગઈ છે. આ કારણે પંજાબ, ઉપર, હરિયાણા, રાજસ્થાન, એમપી અને આંધ્રપ્રદેશમાં લોકો 8થી 10 કલાકના વીજ કાપનો સામનો કરી રહ્યા છે. આ કાપ મોટે ભાગે ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં થઈ રહ્યો છે. આ વખતે ઉનાળો જલ્દી આવ્યો હોવાથી પણ વીજ તંગી ઉભી થઇ હોવાનું કેટલાક અધિકારીઓનું માનવું છે.

તેમનું કહેવું છે કે, આ વખતે હીટવેવ પહેલા કરતા પણ વહેલી શરૂ થઈ છે. ઘણી જગ્યાએ ગરમીનો પારો 47 ડિગ્રીની નજીક છે. આવી સ્થિતિમાં વીજળીની માંગ વધી રહી છે. પંજાબ જેવા અનેક રાજ્યોમાં પીક પાવર ડિમાન્ડમાં 50 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત દેશમાં કોરોના મહામારી બાદ પાટા પર ચડી ગયેલી આર્થિક ગતિવિધિઓના કારણે પણ વીજળીની માંગ વધી છે

173 માંથી 108 પ્લાન્ટમાં કોલસાની કટોકટી

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ડેઇલી કોલ સ્ટોકના આંકડા દર્શાવે છે કે, 28 એપ્રિલના રોજ દેશના 173 કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી 108માં કોલસાનો સ્ટોક ક્રિટિકલ સ્તરે હતો. કોલસો સામાન્ય રીતે પ્લાન્ટમાં રાખવામાં આવતા સ્ટોક કરતા 25 ટકા ઓછો થાય એટલે તેને ક્રિટિકલ માનવામાં આવે છે. પાવર પ્લાન્ટ કોલસાની આ કટોકટીનાં મુખ્ય કારણોમાં માલગાડીઓની અછત, અપૂરતી ચુકવણી, ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા ન મળવા અને કોલસાના લોડિંગ અને અનલોડિંગમાં વિલંબનો સમાવેશ થાય છે.

ગ્રીડમાં વીજળી છે, પણ કોઈ ખરીદવા નથી તૈયાર

HTના અહેવાલ મુજબ, આ સંકટ પાછળ વીજ મંત્રાલયના અધિકારીઓ અન્ય કારણ પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીઓ પાસે જરૂરિયાતના સમયે ગ્રીડમાંથી ઇમરજન્સી પાવર ખરીદવાનો વિકલ્પ છે. પરંતુ આ વીજળી મોંઘી છે. તેથી જ ઘણા રાજ્યોમાં ઘણી સરકારી કે ખાનગી કંપનીઓ ગ્રીડમાંથી સ્પોટ પાવર ખરીદી રહી નથી. તેના બદલે, તેઓ પાવર કાપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અધિકારીઓનો એવો પણ આરોપ છે કે, ઘણી કંપનીઓ ગ્રીડમાં વીજળી મોકલ્યા વગર તેનું બારોબાર વેચાણ કરી નફો મેળવી રહી છે.

ઊર્જા સચિવ આલોક કુમારે ગુરુવારે કહ્યું હતું કે, સેન્ટ્રલ પૂલમાં 5,000 મેગાવોટ વીજળી ઉપલબ્ધ છે, પરંતુ કોઈ પણ રાજ્યએ વીજળી ખરીદવાનો આગ્રહ રાખ્યો નથી. આ સાથે કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર કે સિંહે રાજ્ય સરકારોએ કોલ ઇન્ડિયાને કોલસાની બાકી ચૂકવણી કરી ન હોવાના કારણે તે સમયસર કોલસો ઉપાડતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.
First published:

Tags: Coal crisis, Coal shortage

આગામી સમાચાર