ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત બાલાકોટ ખાતે આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના તાલિમી કેમ્પ પર હુમલો કરીને 300થી વધારે આતંકીઓના મારી નાખ્યા છે. ભારતે પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પર કરવામાં આવેલા આતંકી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરી હતી. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ તરફથી કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ દરમિયાન બાલાકોટના લોકોએ હુમલાનો આંખે દેખ્યો અહેવાલ જણાવ્યો હતો.
બીબીસી ઉર્દૂના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે હુમલો ખૂબ જ ભયાનક હતો. લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. એક પછી એક પાંચ ધડાકા થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. બાલાકોટના મોહમ્મદ આદિલે બીબીસીને જણાવ્યું કે ધડાકોઓનો અવાજ એટલો વધારે હતો કે એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવી ગયો હોય. જે બાદમાં કોઈ ઊંઘી શક્યું ન હતુ. પછી ખબર પડી હતી કે આ હવાઈ હુમલો છે.
ઘટનાને નજરે જોનાર લોકોનાં જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ ધડાકો થયો હતો ત્યાં મોટા ખાડા પડી ગયા છે. અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. બીજા એક વ્યક્તિએ જણાવ્યું કે ત્રણ ધડાકાનો અવાજ સંભળાયો હતો, જે બાદમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ કરેલા હુમલાને લઈને વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, "આ હુમલામાં જૈશના અનેક આતંકી, ટ્રેનર્સ અને એક સિનિયર કમાન્ડર માર્યા ગયા છે. આ કેમ્પ જૈશના પ્રમુખ મસૂદ અઝહરનો સાળો મૌલાના યૂસુફ અઝહર ચલાવી રહ્યો હતો."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર