આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ની ફાઇનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે. 19 લાખ લોકોના નામ આ યાદીમાં નથી. આસામમાં ચારે તરફ તણાવનો માહોલ છે. લોકોને પોતાની ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર આસામમાં NRCની યાદીને અપડેટ કરવામાં આવી છે. આ યાદીમાં એવા લોકોને સામેલ નથી કરવામાં આવ્યા જેઓ 25 માર્ચ 1971 બાદ ભારત આવ્યા હતા. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈનું નામ આ યાદીમાં નથી તો પછી તેમનું શું થશે? (આસામમાં જાહેર થઈ NRCની ફાઇનલ યાદી, 19 લાખ લોકોનાં નામોની બાદબાકી)
>> કેન્દ્ર સરકારે કહ્યું છે કે NRC યાદીમાં જેમનું નામ નહીં હોય તેમને તાત્કાલીક વિદેશી જાહેર નહીં કરવામાં આવે. પરંતુ તેમને કાયદાકિય લડાઈ લડવા માટે સમય આપવામાં આવશે.
>> NRCની યાદીમાં જેમનું નામ નહીં હોય તેઓ વિદેશી ટ્રાયબ્યૂનલમાં અપીલ કરી શકે છે. તેના માટે તેમણે 120 દિવસની અંદર અપીલ કરવી પડશે. પહેલા આ સમય મર્યાદા 60 દિવસની હતી.
>> ગૃહ મંત્રાલયે કહ્યું કે મામલાના ઉકેલ માટે 1000 ટ્રાયબ્યૂનલ અલગ-અલગ ફેઝમાં શરૂ કરવામાં આવશે. 100 ટ્રાયબ્યૂનલ પહેલાથી જ કામ કરી રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વધુ 200 ટ્રાયબ્યૂનલની શરૂઆત કરવામાં આવશે.
>> ટ્રાયબ્યૂનલમાં કેસ હારવાની સ્થિતિમાં લોકો હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. ત્યારબાદ લોકો સુપ્રીમ કોર્ટમાં પણ તેને લઈને અપીલ કરી શકે છે.
>> NRCની યાદીમાં જેમનું નામ નથી તેમની તાત્કાલીક ધરપકડ નહીં કરવામાં આવે. જ્યાં સુધી ટ્રાયબ્યૂનલ તેમને વિદેશી જાહેર નહીં કરે ત્યાં સુધી તેઓ ભારતીય નાગરિકને આપવામાં આવેલા તમામ અધિકારનો ઉપયોગ કરી શકશે.