મોદી સરકારના પ્રસ્તાવ બાદ હવે જમ્મુ-કાશ્મીર અલગ રાજ્ય નહીં રહે, પરંતુ તેના બદલે તે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાશે. કેન્દ્ર સરકારના આવા નિર્ણય બાદ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નું શું થશે? સોમવારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ આ સવાલ પૂછ્યો હતો. અખિલેશ યાદવે સવાલ કર્યો કે સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો, પરંતુ હવે એવું પણ જણાવે કે પીઓકે પર તેમનું શું સ્ટેન્ડ રહેશે?
રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે તેઓ સરકારના આ નિર્ણયનું સમર્થન કરે છે. હવે સરકારની આગળની કાર્યવાહી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત લેવાની હોવી જોઈએ. તેમણે કહ્યુ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાને બદલે પાકિસ્તાનને એવું કહેવું જોઈએ કે તમે દગાથી કાશ્મીરના જે હિસ્સાને હડપ કરી લીધો છે તેને પરત કરો.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને પરત લેવું અમારો આગામી મુદ્દો છે. અમારા વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ દિશામાં કામ કરશે. આ પહેલા નરસિમ્હા રાવની સરકારે સંસદમાં એક ખરડો પસાર કર્યો હતો, જેમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને પરત લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
પીઓકે પર શું અસર પડશે?
જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા બાદ હવે સવાલ એ ઉભો થાય છે કે તેની પીઓકે પર શું અસર થશે? શું એવું માની લેવામાં આવે કે જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરીને ભારતે પીઓકે પરથી પોતાનો દાવો જતો કર્યો છે? જમ્મુ કાશ્મીર અને લદાખનું નવેસરથી પુનર્ગઠન જરૂરી છે. જોકે, ભારત સરકારે પીઓકે પરથી પોતાના દાવો નથી છોડ્યો તેની સાબિતી મંગળવારે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે આપી દીધી હતી. અમિત શાહે કહ્યુ કે પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર પર આપણું જ છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 107 બેઠક છે. જ્યારે પાકિસ્તાન વાળા કબજાના કાશ્મીરની 24 બેઠકને ખાલી રાખવામાં આવે છે. આ એક રીતે પ્રતિકાત્મક છે, જે એ વાતને સંદેશ આપે છે કે પીઓકે ભારતમાં સામેલ થયા બાદ આ 24 બેઠકને ભરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ હવે પીઓકે મહત્વનું બની જાય છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું છે કે બે પરમાણુ સંપન્ન દેશોના સંબંધો બગડે તે સારું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને ભારતે કાશ્મીર સમસ્યાને સમાપ્ત કરી દીધી છે.
હવે કાશ્મીર પર વાતચીતનો મુદ્દો ખતમ થઈ ગયો છે, હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર વાતચીત કરવાનો જ મુદ્દો બાકી રહ્યો છે. ભારત હવે પીઓકે મુદ્દે જ પાકિસ્તાન સાથે વાતચીત કરવાના મુદ્દાને આગળ ધપાવી શકે છે. કારણ કે કાશ્મીરના આંતરિક મુદ્દાની કલમ 370ને હટાવીને તેને સુલટાવી નાખ્યો છે. જોકે, આની અસરને સ્વરૂપે પાકિસ્તાન હવે ઉતાવળે ખોટા નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાન પીઓકેમાં આતંકવાદને વધારે પ્રોત્સાહન આપીને ભારતને પરેશાન કરી શકે છે.
પીઓકેને કાશ્મીરે બે ભાગમાં વહેંચી દીધું છે. અહીં તે આઝાદ જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનના નામે ઓળખાય છે. પીઓકેનો વડો રાષ્ટ્રપતિ હોય છે. જ્યારે વડાપ્રધાન અમુક મંત્રીઓ સાથે સીઈઓ તરીકે ઓળખાય છે. પાકિસ્તાન કહે છે કે પીઓકેમાં સ્વતંત્ર વિધાનસભા છે, પરંતુ હકીકતમાં પીઓકે પર સંપૂર્ણ રીતે પાકિસ્તાનનો કબજો છે. 1947માં પાકિસ્તાને આ વિસ્તાર પર કબજો જમાવી લીધો હતો. આની સરહદ પાકિસ્તાનના પંજાબ પ્રાંત, ઉત્તરપૂર્વમાં અફઘાનિસ્તાન, ચીનના શીનજિયાંગ અને પૂર્વમાં ભારતના હિસ્સાના કાશ્મીર સાથે જોડાયેલી છે. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદ છે. અહીં આઠ જિલ્લા અને 19 તાલુકા છે. આ આખા વિસ્તાર પર ભારત ફરીથી પોતાનો દાવો કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર