અમન શર્મા, નવી દિલ્હી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021)ના છેલ્લા ચરણમાં ગુરુવારે 35 સીટો પર મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ ફોકસ બીરભૂમ જિલ્લાની 11 સીટો પર છે. આ જિલ્લાને બંગાળનો સૌથી વધુ હિંસા પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં સૌની નજરો તૃણમૂલ કૉંગ્રેસના બાહુબલી નેતા અનુબ્રત મંડલ પર છે. કારણ કે આવું સતત ત્રીજી વાર થવા જઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચે અનુબ્રત મંડલને 62 કલાક માટે કેન્રીં5ય સૈન્ય પોલીસ દળની કડક નજર હેઠળ મૂકી દીધા છે, જ્યારે બીરભૂમમાં મતદાન થવાનું છે. આવું 2016 અને 2019ની ચૂંટણીમાં પણ થઈ ચૂક્યું છે. તેમ છતાં અનુબ્રત મંડલે બુધવારે ત્રણ કલાક માટે સૈન્ય પોલીસ દળોને થાપ આપી, જોકે બાદમાં સુરક્ષાકર્મીઓએ તેમને ટ્રેક કરી દીધા.
સીબીઆઇએ આ સપ્તાહે પશુ તસ્કરી મામલામાં પૂછપરછ માટે મંડલને નોટિસ જાહેર કરી છે. અનુબ્રત મંડલ બીરભૂમ જિલ્લામાં ટીએમસીના જિલ્લા અધ્યક્ષ છે. જેમને મમતા બેનર્જીના નિકટતમ માનવામાં આવે છે. ટીએમસીની સાથે અનુબ્રત મંડલની ઘનિષ્ઠતા એ વાતથી જાણી શકાય છે કે તમામ વિવાદો અને મંડલની વિરુદ્ધ રાજકીય હત્યાઓના આરોપો હોવા છતાં પાર્ટીએ તેમને બહારનો રસ્તો નથી બતાવ્યો. મંડલ છેલ્લા ત્રણ દશકથી રાજકારણમાં છે, પરંતુ મમતા બેનર્જીએ જાહેરમાં હંમેશા તેમનો બચાવ કર્યો છે. જોકે ટીએમસીમાં હોવા છતાંય અનુબ્રત મંડલે ક્યારેય ચૂંટણી નથી લડી.
બંગાળ વિધાનસભા ચૂંટણીના આ પહેલાના તમામ ચરણની તુલનામાં આ ચરણમાં સૌથી વધુ સુરક્ષાકર્મીઓને બીરભૂમ જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ પોલીસે હિંસાની આશંકાને ધ્યાને લઈ અડધો ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને ખાસ બીરભૂમમાં ડ્યુટી પર લગાવ્યા છે. બીજી તરફ બીજેપીએ બીરભૂમની લડાઈને સ્વાભિમાનની લડાઈમાં ફેરવી દીધી છે. પાર્ટીએ બીરભૂમની ચૂંટણીને રવીન્દ્રનાથ ઠાકુરની ધરતી અને સ્થાન વિરુદ્ધ અનુબ્રત મંડલના ગુંડારાજમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે.
બીરભૂમ ઉપરાંત મુર્શિદાબાદની 11 સીટો, કોલકાતાની 7 અને માલદાની 6 સીટો ઉપર પણ આઠમા ચરણમાં મતદાન થશે. માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોમાં ટીએમસીનું પ્રદર્શન સારું રહી શકે છે. કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે મોટી રેલીઓ અને રોડ શો પર ગત સપ્તાહ પ્રતિબંધ લગાવી દીધો હતો, જેના કારણે આઠમા ચરણમાં રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવા માટે મોટા આયોજન નથી કરી શક્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર