નવી દિલ્હી : દેશમાં ગરમી વધતા પહેલા ફરી એક વખત ઠંડીનો (Winter)ચમકારો આવી શકે છે. ભારતીય મોસમ વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ (Western Disturbance)સક્રિય થવાથી મોસમમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થવાથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદાખ સહિત અન્ય સ્થળો પર વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે.
પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ થવાના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં 25 ફેબ્રુઆરી સુધી વાદળો જોવા મળી શકે છે. મોસમ વિભાગના રિપોર્ટ પ્રમાણે 25 ફેબ્રુઆરી સુધી પહાડી વિસ્તારમાં મોસમ ખરાબ રહેવાની સંભાવના છે. 23 ફેબ્રુઆરી સુધી શિમલા સોલન, શિરમૌર, મંડી કુલ્લુ અને ચંબામાં વાવાઝોડું અને વરસાદ સાથે મોસમનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો - લગ્ન સમારોહમાં રોટલી પર થૂંક લગાવનારની ધરપકડ, લોકોએ કરી જોરદાર પિટાઇ
મોસમ વિભાગના મતે આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભાગ સહિત સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને દક્ષિણ પૂર્વી ભાગમાં ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા, તેલંગાણા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થાનો પર વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ સાથે આગામી પાંચ દિવસ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં જોરદાર હવા સાથે વિજળીના કડાકા પણ થાય તેવી સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આવું જ મોસમ રહેશે.