Home /News /national-international /Birthday Neil Armstrong : શું ખરેખર ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર આર્મસ્ટ્રોંગે ઇસ્લામ અંગીકાર કર્યો હતો?

Birthday Neil Armstrong : શું ખરેખર ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર આર્મસ્ટ્રોંગે ઇસ્લામ અંગીકાર કર્યો હતો?

Birthday Neil Armstrong : શું ખરેખર ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર આર્મસ્ટ્રોંગે ઇસ્લામ અંગીકાર કર્યો હતો?

1969માં 20 જુલાઈના રોજ એપોલો 11 મિશન હેઠળ ચંદ્ર પર પગ મુકનાર નિલ આર્મસ્ટ્રોંગ પ્રથમ વ્યક્તિ બન્યા હતા. પણ ચંદ્ર પરથી પરત ફર્યા બાદ તેમના જીવનમાં બનેલી ઘટના અંગે મોટાભાગના લોકોને ખ્યાલ નથી

નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યાને 52 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેમનો જન્મ 5 ઓગસ્ટ 1930ના રોજ અમેરિકાના ઓહીયો ખાતે થયો હતો. તેઓ 1969માં 20 જુલાઈના રોજ એપોલો 11 મિશન હેઠળ ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. પણ ચંદ્ર પરથી પરત ફર્યા બાદ તેમના જીવનમાં બનેલી ઘટના અંગે મોટાભાગના લોકોને ખ્યાલ નથી.

ચંદ્ર પરથી પરત આવ્યા બાદ તેઓ સેલિબ્રિટી બની ગયા હતા. તેમનું જીવન દંતકથા સમાન હતું. 16 જુલાઈ 1969ના રોજ એપોલો-11 મિશન પૂર્ણ થયા બાદનો એક કિસ્સો ખૂબ ખ્યાતનામ છે. તે સમયે ચંદ્ર પર અઝાન સાંભળવા મળી હોવાથી નિલ આર્મસ્ટ્રોંગે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ, આ વાત સાચી હતી કે ખોટી? શું હતો આખો કિસ્સો?

આ કિસ્સાના ઘણા ટ્વિસ્ટ હતા. તેની શરૂઆત 1980ના દાયકામાં થઈ હતી. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, ચંદ્ર પર ગયેલા એપોલો-11ના ક્રૂ મેમ્બર્સે એક અજાણ્યો અવાજ સાંભળ્યો, પરંતુ તેઓ તે ભાષા કે અવાજનો અર્થ સમજી શક્યા નહીં. ત્યારબાદ આર્મસ્ટ્રોંગ ઇજિપ્તમાં હતા, ત્યારે તેમણે આવો જ અવાજ સાંભળ્યો હતો. જેથી પૂછપરછ કરતા તેમને તે અવાજ અઝાનનો હોવાની ખબર પડી હતી. આ જાણ્યા બાદ આર્મસ્ટ્રોંગે ઇસ્લામ સ્વીકાર્યો હતો.

આ દાવા પાછળ શું વાસ્તવિકતા હતી?

1980ના દાયકામાં ઇન્ડોનેશિયાના ગાયક સુહાઇમીએ એક ગીત બનાવ્યું હતું. જેમાં ચંદ્ર પર અઝાનનો અવાજ ગુંજતો હોવાનો અને આર્મસ્ટ્રોંગે ઇસ્લામ અંગીકાર કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ગીત બાદ ઇન્ડોનેશિયાના મીડિયા જગતે આ વાત ફેલાવી દીધી અને અહેવાલો પ્રકાશિત થવા લાગ્યા હતા. ત્યારબાદ આવા જ સમાચાર ઇજિપ્ત અને મલેશિયામાં પણ જોવા મળ્યા હત. આ ચર્ચાઓ વધી જતાં 1983માં અમેરિકાએ તેને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.



ચંદ્ર પર ખરેખર શું થયું હતું?

આ મિશનમાં આર્મસ્ટ્રોંગની સાથે એડવિન એલ્ડ્રિન પણ હતા. આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યાની 19 મિનિટ પછી એડવીન ચંદ્ર પર ઉતર્યા હતા. તેઓ બંને કલાકો સુધી ચંદ્ર પર સાથે હતા. એડવિને 1970માં ગાઈડપોસ્ટ મેગેઝિનને કહ્યું હતું કે, હું લ્યુનર મોડ્યુલથી ચંદ્રની સપાટી પર ઉતર્યો, ત્યારે થોડી વાર માટે અવાજ નહોતો. મેં ટેસ્ટામેંટનો એક ભાગ વાંચી સંભળાવ્યો હતો અને ત્યારબાદ મેં ચર્ચ દ્વારા આપવામાં આવેલી વાઇન પ્યાલામાં ભરી હતી. એડવિન દ્વારા લખાયેલા આ આખા લેખમાં કોઈ અવાજ કે અઝાન જેવા અવાજનો ઉલ્લેખ નથી.

આ પણ વાંચો - એક વખત કરો માત્ર 5000 રૂપિયાનું રોકાણ, દર મહીને આરામથી થશે 50,000ની કમાણી

આર્મસ્ટ્રોંગના સાથીનો પત્ર

આર્મસ્ટ્રોંગના સાથી વિવિયને એશિયન રિસર્ચ સેન્ટર ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન ફેલોશિપના ડિરેક્ટર ફિલ પાર્શલને આ અફવાઓ અંગે પત્ર લખ્યો હતો. તે પત્રમાં લખ્યું હતું કે, આર્મસ્ટ્રોંગ દ્વારા સ્પષ્ટપણે જવાબ અપાયો છે કે, આર્મસ્ટ્રોંગના ઇસ્લામ સ્વીકારવા કે ચંદ્ર પર અઝાન સાંભળવાની વાતમાં કોઈ સત્ય નથી. મલેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોમાં પ્રકાશિત આવા અહેવાલોમાં સત્યનો આધાર લેવામાં આવ્યો નથી. આ પ્રચાર ખરાબ પત્રકારત્વને લીધે થયો છે. આ અફવા ખૂબ વ્યાપક હતી. જેથી આર્મસ્ટ્રોંગ પોતે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે સહમત થયા હતા

આર્મસ્ટ્રોંગની બાયોગ્રાફીમાં પણ છે ઉલ્લેખ

ફર્સ્ટ મેન નામની આર્મસ્ટ્રોંગની બાયોગ્રાફીમાં પણ આ વાત ઉલ્લેખ છે. તેમણે આ અફવા સ્પષ્ટપણે નકારી છે. બાયોગ્રાફીમાં જણાવાયું છે કે, આ બધી અફવાઓ છે. વિશ્વભરની ઘણી સંસ્થાઓ દાવો કરી રહી છે કે આર્મસ્ટ્રોંગ તેમના સભ્ય છે. પરંતુ આ બધું પણ ખોટું છે. આર્મસ્ટ્રોંગની ખ્યાતિનો લાભ લેવાનો ગેરકાયદેસર પ્રયાસ થયો છે. આ પ્રયાસ હેઠળ આર્મસ્ટ્રોંગની ઇસ્લામ કબુલવાની વાત સૌથી વધુ અતિશયોક્ત છે.

અન્ય પુરાવા પણ અપાયા

આ અફવાઓ ખૂબ વ્યાપક હોવાથી અવારનવાર રદિયો આપવો પડતો હતો. વર્ષો બાદ નાસાની વેબસાઈટ નાસા.જીઓવીમાં પણ આ વાતને ફગાવી દેવાઈ હતી. તેમાં લખ્યું હતું કે, નાસાએ 1969ના મુન લેન્ડિંગ સમયના બધા જ ટ્રાંસ્ક્રિપ્ટ દસ્તાવેજો અને ઓડિયો જાહેર કર્યા છે. જેમાં દાવો કરાયેલા આવા અવાજનો કોઈ ઉલ્લેખ નથી. બીજી તરફ આર્મસ્ટ્રોંગે પણ સમયાંતરે જાહેરમાં આ વાત નકારી હતી.

ફતવો જાહેર કરાયો

ફતવા અંગે એક વેબસાઈટમાં અહેવાલ જોવા મળે છે. આ ફતવો શેખ મોહમ્મદ સલીહ અલ મુનજીદ દ્વારા જાહેર કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, આર્મસ્ટ્રોંગના ઇસ્લામ અંગીકાર બાબતે જે અફવાઓ ફેલાવાઈ છે તે બનાવટી છે. આ કિસ્સા બાબતે રિસર્ચ કર્યું છે અને આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર અઝાન સાંભળી હોય કે ઇસ્લામ કબુલ કર્યો હોય તે કિસ્સાનો કોઈ નક્કર આધાર મળ્યો નથી. આ ફતવા બાદ આવી ચર્ચાઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ હતી.
First published:

Tags: Islam, Moon walker neil armstrong, Neil Armstrong, Neil Armstrong Birthday, નિલ આર્મસ્ટ્રોંગ