નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ દેશના રસ્તાઓની ખરાબ હાલત અંગે એક નિવેદન આપતા કહ્યુ છે કે, જો રસ્તાઓ ખરાબ હોવાનું માલુમ પડશે તો તેઓ કોન્ટ્રાક્ટર પર બુલડોઝર ફેરવી દેશે. ગડકરીએ જણાવ્યું કે, રસ્તાઓ દેશની સંપત્તિ છે અને તેમની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે.
"અમે અત્યાર સુધી 10 લાખ કરોડનાં કામના આદેશ કર્યા છે. હું એક વાત ગર્વ સાથે કહી શકું છું કે અત્યાર સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટરે ઓર્ડર માંગવા માટે મારી દિલ્હીની ઓફિસમાં આવવું નથી પડ્યું. આ વાત હું અભિમાન સાથે કહી શકું છું. પરંતુ એક વાત એવી પણ છે જેને બોલતા હું બિલકુલ સંકોચ નથી અનુભવી રહ્યો. મેં મોટાં મોટાં કોન્ટ્રાક્ટરોને કહ્યું છે કે રસ્તાઓ ખરાબ થશે તો હું તેમને બુલડોઝર નીચે નાખી દઈશ. રસ્તાઓ દેશની સંપત્તિ છે. તેમની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ ન કરી શકાય." કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લેખક તેમજ રાજકારણી તુહીન એ સિંહાનાં પુસ્તક "ઇન્ડિયા ઇન્સ્પાયર્સ"નાં લોન્ચિંગ વખતે આ વાત કહી હતી. ગડકરીની આગેવાનીમાં થયેલા કામકાજ અંગે આ પુસ્તક લખવામાં આવ્યું છે.
ગડકરીએ વધુમાં કહ્યુ હતુ કે, નવી મુંબઈનું જે એરપોર્ટ નિર્માણાધીન છે તેને વેનિસના એરપોર્ટની તર્જ પર બનાવવામાં આવશે. એરપોર્ટને રોડની સાથે સાથે સમુદ્રી માર્ગ સાથે પણ જોડવામાં આવશે. આ રસ્તાનો ઉપયોગ કરીને લોકો ફક્ત 20 મિનિટમાં જ એરપોર્ટ પહોંચી શકશે.
પર્યાવરણવિદોને યાદ કરતા ગડકરીએ કહ્યુ કે, "હું જ્યારે મુંબઈનો મંત્રી હતો ત્યારે આ પ્રોજેક્ટના વિરુદ્ધમાં 100 જેટલી અરજી થઈ હતી. હું પર્યાવરણ સાથે કોઈ જ બાંધછોડ નથી કરવા માંગતો. મારું ડિપાર્ટમેન્ટ આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે કાર્ય કરશે. પરંતુ કોર્ટમાં થતી જાહેર હિતની અરજીઓને કારણે પ્રોજેક્ટને પૂરો કરવામાં અનેક મુશ્કેલી નડી રહી છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર