ભોપાલ: આજે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તનની અસરોથી ત્રાહિમામ પોકારી રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશનાં ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશનાં આ વિસ્તારમાં બંદૂક રાખવાને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે. યુવાનોના આ શોખને જોઇને જિલ્લા કલેક્ટરે નવો વિચાર અમલમાં મૂક્યો છે. આ નવા નિયમ મુજબ દસ વૃક્ષ વાવવાની શરતે જ બંદૂકનું લાયસન્સ આપવામાં આવે છે.
બંદૂકનું લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકોનું કાર્ય ફક્ત દસ વૃક્ષો જ વાવવાથી થઇ જશે નહીં તેમને એક મહિના સુધી તેનું જતન પણ કરવું પડશે.
આ ઉપરાંત તેમણે વૃક્ષો સાથે સેલ્ફી લઇ કલેક્ટરને બતાવવી પડશે. ગ્વાલિયર જિલ્લાના કલેક્ટર અનુરાગ ચૌધરીએ જણાવ્યું હતું કે, “જો કોઇ વ્યકિત પાસે વૃક્ષો વાવવાની જગ્યા ન હોય તો તેને વહીવટી તંત્ર દ્વારા જગ્યા બતાવવામાં આવશે.”
બંદૂકનાં લાયસન્સ માટે અરજી કરનારાઓએ પ્રથમ દિવસે અને ૩૦ દિવસ પછીના ફોટા પાડીને અરજફોર્મ સાથે જોડવા પડશે. આ ઉપરાંત મોકલવામાં આવેલા ફોટા સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કરવામાં આવશે. આ માટે સ્થાનિક અધિકારીને તપાસ માટે મોકલવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે, આ નવતર પ્રયોગને કેટલી સફળતા મળે છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર