Home /News /national-international /મુઘલો દ્વારા અનેક વખત ધ્વસ્ત કરવામાં આવ્યું વિશ્વનાથ મંદિર! જાણો કઇ રીતે નિર્માણ પામી જ્ઞાનવાપી મસ્જિદ

મુઘલો દ્વારા અનેક વખત ધ્વસ્ત કરવામાં આવ્યું વિશ્વનાથ મંદિર! જાણો કઇ રીતે નિર્માણ પામી જ્ઞાનવાપી મસ્જિદ

વારાણસીની સ્થાનિક અદાલતના આદેશ પર જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરવામાં આવ્યો છે.

ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે, વિશ્વનાથનું મંદિર ઘણી વખત તોડી પાડવામાં આવ્યું હતું. વારાણસીના ઈતિહાસ પર સૌથી મહત્વપૂર્ણ પુસ્તક 'કાશી કા ઈતિહાસ' લખનાર ડૉ. મોતીચંદ્રએ આના પર વિગતવાર પ્રકાશ પાડ્યો છે. મોતીચંદ્રના જણાવ્યા અનુસાર, વિશ્વનાથનું મંદિર સૌપ્રથમ કુતુબુદ્દીન એબકના સમયમાં તોડી પાડવામાં આવ્યું હતુ. તેણે 1194માં બનારસ પર કબજો કર્યો હતો. ઓમ પ્રકાશ કેજરીવાલના સંપાદિત પુસ્તક 'કાશી, નગરી એક: રૂપ અનેક'માં પણ તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
કટ્ટરપંથી મુસ્લિમ શાસક ઔરંગઝેબના શાસન (The rule of the Muslim ruler Aurangzeb) દરમિયાન વારાણસીના વિશ્વનાથ મંદિરને તોડીને તેના પર મસ્જિદ (Demolition of Vishwanath temple and developed mosque on it) બનાવવામાં આવી હતી. તેની વિગતો એ જ સમયગાળાના દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે. એ દસ્તાવેજોમાં જે રીતે વર્ણન છે, એ જ નિશાની અત્યારે પણ સામે આવી છે. જ્યારે વારાણસીની સ્થાનિક અદાલતના આદેશ પર જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરવામાં આવ્યો છે.

દેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi Mosque Controversy) મામલો હાલ હોટ ટોપિક બની ગયો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. કોર્ટ કમિશનરે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple)ની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલમાં સર્વેનું કામ કર્યું છે. હિંદુ પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર કુવાની અંદરથી શિવલિંગ મળી આવ્યું છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને વઝુખાનાના ફુવારાનો પથ્થર હોવાનું સાબિત કરવામાં લાગેલો છે. જ્ઞાનવાપી એટલે જ્ઞાનનો કૂવો. બંને પક્ષો તેમના જ્ઞાનની કસોટી પર પરિસરમાંથી મળેલી માહિતીને સાચી સાબિત કરવામાં લાગ્યા છે.

હિન્દુ પક્ષ હંમેશા કહેતો આવ્યો છે કે જ્ઞાનવાપી સંકુલમાં મસ્જિદ પ્રાચીન વિશ્વનાથ મંદિરને તોડીને બનાવવામાં આવી છે, જ્યારે મુસ્લિમ સંગઠનો ભારતીય બંધારણ અને કાયદાને ટાંકીને ઈતિહાસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ મસ્જિદ હતી અને રહેશે. તેઓ તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરશે નહીં. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે મધ્યકાલીન ઇતિહાસ શું કહે છે, તેના વિશે દરબારી ઇતિહાસકારો શું લખે છે, ખાસ કરીને જ્યારે વિશ્વનાથનું મંદિર જેને વિશ્વેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- Places of Worship Act: શું છે પૂજા સ્થળ કાયદો, જ્ઞાનવાપી અને મથુરા જેવી બાબતોમાં શું હશે તેની ભૂમિકા

અનેક વખત તોડવામાં આવ્યું વિશ્વનાથ મંદિર

ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે, વિશ્વનાથનું મંદિર ઘણી વખત તોડી પાડવામાં આવ્યું હતું. વારાણસીના ઈતિહાસ પર સૌથી મહત્વપૂર્ણ પુસ્તક 'કાશી કા ઈતિહાસ' લખનાર ડૉ. મોતીચંદ્રએ આના પર વિગતવાર પ્રકાશ પાડ્યો છે. મોતીચંદ્રના જણાવ્યા અનુસાર, વિશ્વનાથનું મંદિર સૌપ્રથમ કુતુબુદ્દીન એબકના સમયમાં તોડી પાડવામાં આવ્યું હતુ. તેણે 1194માં બનારસ પર કબજો કર્યો હતો. ઓમ પ્રકાશ કેજરીવાલના સંપાદિત પુસ્તક 'કાશી, નગરી એક: રૂપ અનેક'માં પણ તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે અસ્નીના યુદ્ધમાં બનારસના શાસક જયચંદ્રને હરાવીને ઐબકે શહેર કબજે કર્યું હતું.



1000 મંદિરોનો કરાયો હતો વિધ્વંસ

કેજરીવાલના પુસ્તકમાં હસન નિઝામીના ફારસી પુસ્તક 'તાજ-ઉલ-માસીર'માંથી સંબંધિત અવતરણ છે - "ત્યાંથી (અસ્ની) શાહી સેનાએ બનારસ તરફ કૂચ કરી, જે હિન્દુસ્તાનનું કેન્દ્ર છે. અહીં સેનાએ લગભગ એક હજાર મંદિરોનો નાશ કર્યો અને તેમની જગ્યાએ મસ્જિદો બનાવી હતી.

પહેલીવાર ક્યારે તૂટ્યું વિશ્વનાથ મંદિર?

બીએચયુમાંથી એમએ અને લંડન યુનિવર્સિટીમાંથી પીએચડી કરનાર ડો. મોતીચંદ્રના જણાવ્યા અનુસાર, વિશ્વનાથનું મંદિર પ્રથમ વખત ઐબકના શાસનકાળ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઘણા મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવ્યા હતા અથવા મંદિરોની સામગ્રીમાંથી મસ્જિદો બનાવવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, દારાનગરથી હનુમાન ફાટક સુધીની ઢાઇ-કાંગૂર મસ્જિદ, જેનો નીચેનો ભાગ હિંદુ મંદિરોના સમૂહથી બનેલો છે. ગુલઝાર મોહલ્લામાં મકદૂમ સાહેબના કબ્રસ્તાનનો ઉત્તર અને પશ્ચિમ ભાગ પણ મંદિરોને તોડીને મળેલી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યો હતો. એ જ રીતે ભદઉં મહોલ્લાની મસ્જિદ પણ મંદિરોની સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. રાજઘાટ વિસ્તારમાં એક મસ્જિદનો પરસાળ ગાહડવાલ યુગના સ્તંભોથી બનેલો છે. આવા ઘણા ઉદાહરણો મોતીચંદ્ર દ્વારા તેમના પુસ્તકમાં ગણાવવામાં આવ્યા છે, જેમાં સલ્તનતના સમયગાળા દરમિયાન મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમની સામગ્રીની મદદથી મસ્જિદો બનાવવામાં આવી હતી.
કુત્બઉદ્દીનના સમયમાં બનારસમાં હિંદુ ધર્મને જે પ્રકારના નુકસાન થયા હતા, તે ઇલ્તુતમિશના જમાનામાં થોડું ઓછું થયું હતું. હિંદુ જનતા અને ભદ્ર વર્ગે ફરીથી કાશીમાં તેમના અમલદારોને પૈસા આપીને તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી અને ઇ.સ. 1296 સુધીમાં મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન વિશ્વનાથના મંદિરનું પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

ફરી તોડફોડનો શિકાર બન્યું વિશ્વનાથ મંદિર

પરંતુ બનારસ માટે ફરીથી મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ, જ્યારે જૌનપુરમાં શાર્કી સુલતાનોની તાકાત વધુ મજબૂત બની. 1359-60માં ફિરોઝ શાહ તુગલકે જૌનપુર વસાવ્યું હતું. પરંતુ આ જૌનપુરમાં ઇ.સ. 1393-94 એડીમાં ખ્વાજા જહાં મલિક સરવરે નસીરુદ્દીન મુહમ્મદ તુગલક સાથેના સંબંધો તોડી નાંખ્યા અને સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. એ જ મલિક સરવરના વંશજ મહમૂદ શાહ શર્કીએ, જે તુઘલકના વઝીરમાંથી સ્વતંત્ર શાસક બન્યો, તેણે 1436થી 1458 દરમિયાન પોતાના શાસનકાળમાં બનારસમાં ફરીથી મંદિરોને તોડી પાડવાનું શરૂ કર્યું, જેનું શિકાર વિશ્વનાથનું મંદિર પણ બન્યું હતું.



દોઢસો વર્ષ પછી ફરી ઊભું કરાયું વિશ્વનાથ મંદિર

બીજી વખત તોડી પાડ્યાના લગભગ દોઢસો વર્ષ પછી ફરી એકવાર વિશ્વનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આનો શ્રેય રાજા ટોડરમલના પુત્ર ગોબરધન દાસને જાય છે, જેમણે અકબરના દરબાર અને મહેસૂલ વ્યવસ્થાનું મજબૂત માળખું બનાવ્યું હતું. ડૉ. મોતીચંદ્રના જણાવ્યા અનુસાર, 1585ની આસપાસ ગોબરધનદાસે તેમના પિતાના આદેશ અનુસાર વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઇ.સ. 1580માં મુંગેરની જીત પછી રાજા ટોડરમલને વિશ્વનાથના મંદિરના પુનઃનિર્માણની પ્રેરણા નારાયણ ભટ્ટ દ્વારા મળી હતી. જેઓ દક્ષિણ ભારતના પ્રખ્યાત વિદ્વાન હતા અને લાંબા સમય સુધી કાશીમાં રહ્યા હતા.

વિશ્વનાથ મંદિરમાં હતા 5 મંડપ

ડો. મોતીચંદ્ર લખે છે કે – વિશ્વનાથના પ્રાચીન મંદિરમાં પાંચ મંડપ હતા. તેમાંથી પૂર્વ તરફ પાંચમો મંડપ 125 બાય 35 ફૂટનો હતો, તે એક રંગ મંડપ હતો અને અહીં ધાર્મિક ઉપદેશ યોજાતો હતો. ટોડરમલે મંદિરનું સમારકામ કરાવ્યું અને મંદિરની બેઠક સાત ફૂટ ઊંચી કરીને રસ્તાની બરાબર બનાવી. પરંતુ મુસ્લિમોના ડરથી મંદિરમાં મૂર્તિઓ ખોદવામાં આવી ન હતી. સોળમી સદીમાં બનેલું વિશ્વનાથ મંદિર ચોરસ હતું અને તેની દરેક બાજુ 124 ફૂટની હતી. મુખ્ય મંદિર જલધારીની અંદર હતું, જેમાં મધ્યમાં 32 ફૂટનો મુરબ્બો હતો. ગર્ભગૃહ સાથે જોડાયેલા 16 બાય 10 ફૂટના ચાર અંતરગૃહો હતા. આ પછી 12 બાય 8 ફૂટના નાના અંતરગૃહો હતા, જે ચાર મંડપમાં જતા હતા. પૂર્વ અને પશ્ચિમના મંડપોમાં દંડપાણી અને દ્વારપાળોના મંદિરો હતા.

આ પણ વાંચો- જ્ઞાનવાપી મસ્જિદઃ સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સર્વે રોકવાનો ઈન્કાર, શિવલીંગ સુરક્ષિત રાખવામાં આવે

મંદિરના ચાર ખૂણામાં 12 ફૂટના પેટા મંદિરો હતા. નંદીમંડપ મંદિરની બહાર હતો. મંદિરની ઊંચાઈ કદાચ 128 ફૂટ હતી. મંડપો અને મંદિરોમાં શિખરો હતા, જેની ઊંચાઈ 64 ફૂટ અને 48 ફૂટ હોવાનો અંદાજ છે. મંદિરની આસપાસ પરિક્રમાનો માર્ગ હતો, જેમાં અસંખ્ય દેવી-દેવતાઓના મંદિરો હતા.

નવ દાયકામાં જ ધ્વસ્ત થયું વિશ્વનાથ મંદિર

ટોડરમલની ઈચ્છા અનુસાર, અકબરના સમયમાં ગોબરધનદાસ અને નારાયણ ભટ્ટ દ્વારા બંધાયેલ વિશ્વનાથ મંદિર માત્ર નવ દાયકામાં જ ઔરંગઝેબની ધર્માંધતાનો શિકાર બની ગયું હતું. ઈ.સ. 1658માં શાહજહાં બીમાર પડતાં જ તેના ચાર પુત્રો વચ્ચે ગાદી માટે લડાઈ થઈ અને અંતે ઔરંગઝેબે તેના ભાઈઓ દારા અને શુજા પર જીત મેળવીને ગાદી સંભાળી હતી. શરૂઆતના વર્ષોમાં અસ્થિરતાનો સમયગાળો હતો. જેમાં મોટાભાગના લોકો ઔરંગઝેબ પ્રત્યે નફરતની લાગણી અનુભવતા હતા. એક તરફ તેણે તેના પિતાની ગાદી પર કબજો જમાવ્યો હતો, શાહજહાંને કેદ કર્યો હતો અને બીજી તરફ તેના ભાઈઓની નિર્દયતાથી હત્યા કરી હતી. તેથી, રાજકીય અસ્થિરતાના યુગમાં રાજગાદી સંભાળ્યાના પ્રથમ આઠ-દસ વર્ષમાં તેમની ધાર્મિક કટ્ટરતા ખુલ્લેઆમ બહાર ન આવી. પરંતુ પોતાની છબી સુધારવા માટે તેણે વિશેષ અધિકારો સાથે મંદિરોને જગ્યાઓ અને મહંતોને ખાસ અધિકાર વાળા પટ્ટા આપ્યા. પરંતુ આ માત્ર એક છેતરપિંડી હતી. સત્તા સંભાળ્યાના એક દાયકામાં જ તેનો ક્રૂર ચહેરો સામે આવ્યો હતો.

તેના સમકાલીન દરબારી ઈતિહાસકાર સાકી મુસ્તેદ ખાને પોતાના પુસ્તક 'માસીર-એ-આલમગીરી'માં ઔરંગઝેબની ધાર્મિક અસહિષ્ણુતા વિશે લખ્યું છે, જે મોતીચંદ્રએ તેમના પુસ્તકમાં નીચે મુજબ ટાંક્યું છે – “17 જિલકદાના દિવસે, હિજરી 1079 (18 એપ્રિલ 1669), દીન (ધર્મ) રક્ષક સમ્રાટ સલામતના કાને સમાચાર પહોંચ્યા કે થટ્ટા અને મુલતાન પ્રાંતોમાં અને ખાસ કરીને બનારસમાં મૂર્ખ બ્રાહ્મણો તેમની શાળાઓમાં તેમના રદ્દી પુસ્તકો શીખવે છે અને સમજાવે છે. તેમજ હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ તેમના ગુંડાગીરી ભર્યા જ્ઞાન-વિજ્ઞાનને વાંચવા માટે દૂર દૂરથી જાય છે. આ સાંભળીને ધર્મના રાજાએ સુબેદારના નામે ફરમાન બહાર પાડ્યું કે તેઓ પોતાની મરજીથી કાફિરોના તમામ મંદિરો અને શાળાઓને તોડી નાંખે. તેમને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે તેઓએ દરેક પ્રકારના મૂર્તિ-પૂજા-સંબંધિત શાસ્ત્રો અને મૂર્તિપૂજાનું વાંચન અને પાઠ કરવાનું બંધ કરવું પડશે. 15 રબી-ઉલ-આખિર (2 સપ્ટેમ્બર, 1669)ના રોજ દીન પ્રતિપાલક બાદશાહને સમાચાર મળ્યા કે તેમના આદેશ મુજબ, તેમના સેવકોએ બનારસમાં વિશ્વનાથનું મંદિર તોડી પાડ્યું છે.”

આ પણ વાંચો- Mathura News: મથુરાની શાહી ઇદગાહને સીલ કરવાની અરજી કોર્ટે સ્વીકારી, 1 જુલાઇએ થશે સુનાવણી

વિશ્વનાથ મંદિર તોડીને બનાવી મસ્જીદ

ડૉ. મોતીચંદ્રના જણાવ્યા પ્રમાણે, ફક્ત વિશ્વનાથનું મંદિર તોડવામાં આવ્યું એટલું જ નહીં, પરંતુ તેની ઉપર જ્ઞાનવાપીની મસ્જિદ પણ ઊભી કરવામાં આવી હતી. મસ્જિદનું નિર્માણ કરનારાઓએ જૂના મંદિરની પશ્ચિમી દિવાલ તોડી પાડી અને નાના મંદિરો પણ તોડી પાડ્યા હતી. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા. દરવાજા પરના શિખરો ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ ગુંબજ ઉભા કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહને મસ્જિદના મુખ્ય હોલમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. ચાર આંતરિક ગૃહોને સાચવવામાં આવ્યા હતા અને મંડપ સાથે જોડાતા 24 ફૂટના મુરબ્બામાં હૉલવેઝ દૂર કરવામાં આવ્યા હતા. મંદિરની પૂર્વ બાજુને તોડીને એક વરંડામાં ફેરવવામાં આવી હતી, જેમાં હજુ પણ જૂના સ્તંભો છે. મંદિરનો પૂર્વી મંડપ જે 125 બાય 35 ફૂટનો હતો, તેમાં પથ્થરના ચોરસ બેસાડી મોટા ચોકમાં ફેરવવામાં આવ્યો હતો.

ઔરંગઝેબના સમયમાં વિશ્વનાથનું મંદિર તોડીને તેના પર જ્ઞાનવાપીની મસ્જિદ બનાવવામાં આવી હતી. તેને અલગ રીતે રજૂ કરવાનો શરમજનક પ્રયાસ કરીને ઇતિહાસકારોનો એક વર્ગ તેના અત્યાચારને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી જ એક શરમજનક વાત પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના નેતા ડૉ. પટ્ટાભી સીતારામૈયાએ તેમના પુસ્તક 'ફીધર્સ એન્ડ સ્ટોન્સ'માં આપી છે, જેને ઓમપ્રકાશ કેજરીવાલે તેમના પુસ્તકમાં નીચે મુજબ ટાંકી છે- "પોતાની ખ્યાતિની પરાકાષ્ઠા દરમિયાન ઔરંગઝેબ અન્ય વિદેશી શાસકોની જેમ જ્યારે પ્રવાસ પર જતો, ત્યારે તેની સાથે મોટી સંખ્યામાં હિંદુ દરબારીઓ રહેતા હતા. એકવાર તે બધા હિંદુ દરબારીઓ બનારસના પવિત્ર મંદિર (વિશ્વનાથ)ના દર્શન કરવા નીકળ્યા. તેમની સાથે કચ્છના રાણી પણ હતા. મંદિર જોઈને બધા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે રાણી ગાયબ છે. ઘણી તપાસ કરવામાં આવી પરંતુ તેઓ શોધી શક્યા નહીં. આખરે, જ્યારે વધુ સખત અને સાવચેતીપૂર્વક શોધ કરવામાં આવી, ત્યારે મંદિરની બે માળની ઇમારતની નીચે એક ભોંયરું મળી આવ્યું, જેનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે લોકો તે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા, ત્યારે તેઓએ વસ્ત્રવિહીન અને ડરેલી રાણીને ઘરેણાં વિના જોઈ. આખરે જાણવા મળ્યું કે ત્યાંના મહંતો શ્રીમંત અને આભુષણથી સજ્જ યાત્રાળુઓને આ ભોંયરામાં લાવીને તેમના ઘરેણાં લૂંટી લેતા હતા. તેના જીવન સાથે શું થયું તેની કોઈ માહિતી નથી. કોઈપણ સંજોગોમાં આ કેસમાં સઘન અને તાત્કાલિક તપાસ કરવામાં આવી અને આવી કોઈ ઘટના માટે કોઈ સમય નહોતો. જ્યારે ઔરંગઝેબને આ મહંતોની કાળી કારીગરી વિશે ખબર પડી ત્યારે તેણે કહ્યું - આવી લૂંટની જગ્યા ચોક્કસપણે ભગવાનનું ઘર ન હોઈ શકે અને તેણે તરજ તેને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો. આદેશનું તરત જ પાલન કરવામાં આવ્યું અને મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું. બાદમાં રાણીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મંદિરની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવે અને બાદમાં મસ્જિદ બંધાવીને રાણીની ઈચ્છા પૂરી કરવામાં આવી.”

વિશ્વનાથના મંદિરના ધ્વંસની કબૂલાત, તેના પર મસ્જિદનું નિર્માણ, પરંતુ તેને ન્યાયી ઠેરવવાના બેશરમ પ્રયાસમાં કચ્છની રાણીની વાર્તાનું ઘડતર એવી જ માનસિકતાના સૂચક છે, જેમાં  મધ્યકાલીન મુસ્લિમ સુલતાનો અને બાદશાહો દ્વારા હિંદુઓની પર આચરવામાં આવેલા તમામ અત્યાચારોને કાં તો છુપાવવા અથવા તેને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સીતારામૈયાએ પોતે તેમના પુસ્તકમાં કબૂલાત કરી છે કે જે મુસ્લિમ સજ્જન આ વાર્તા સંભળાવતા હતા, તેઓ તેમની તરફેણમાં ન તો કોઈ પાંડુલિપિ હતી કે ન તો અન્ય કોઈ સ્ત્રોત રજૂ કરી શક્યા, તેથી તેને ઉપજાવી કાઢેલી વાત સિવાય બીજું કંઈ કહી શકાય નહીં.

જ્યાં સુધી ઈતિહાસનો સંબંધ છે, તો સત્ય એ છે કે કચ્છના તત્કાલિન મહારાવ તમાચીએ ઔરંગઝેબના કટ્ટર દુશ્મન દારા શિકોહ અને તે ભાઈ જેની સાથે તે ગાદી માટે લડી રહ્યો હતો, તેને આશ્રય આપ્યો હતો. કચ્છના ભુજ શહેરમાં 1659માં રાવ તમાચીએ જે બગીચામાં દારા શિકોહને આશ્રય આપ્યો હતો, તે બગીચો આજે પણ દારાવાડી તરીકે પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં તેવી કોઇ શક્યતા નથી કે રાજાના પરિવારના કોઈપણ સભ્ય કે જેઓ તેના કટ્ટર દુશ્મનને આશ્રય આપે છે, ખાસ કરીને સ્ત્રીને ઔરંગઝેબ તીર્થયાત્રા માટે લઈ જાય અને જે રાણી હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાને ગઈ છે, ત્યાંના એક મહત્વપૂર્ણ મંદિરને નષ્ટ કરીને મસ્જિદ બનાવવાની સલાહ આપે.

કચ્છના ઇતિહાસમાં નથી આવો કોઇ ઉલ્લેખ

કચ્છના ઈતિહાસનું બહોળું જ્ઞાન ધરાવતા અને મહારાવ રાજવી પરિવાર સાથે સંકળાયેલા કૃતાર્થસિંહ જાડેજા કહે છે કે કચ્છના ઈતિહાસમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કચ્છની કોઈ રાણી ઔરંગઝેબ સાથે બનારસ ગઈ હોય, તો મંદિરનું રૂપાંતરણ મસ્જિદમાં કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કૃતાર્થસિંહના જણાવ્યા મુજબ, કચ્છ ભૌગોલિક રીતે એટલું કપાયેલું હતું કે કાશી તો દૂર નજીકના દ્વારકાની ધાર્મિક યાત્રા પર પણ જવું શક્ય ન હતું.



કૃતાર્થ સિંહ કહે છે કે જ્યારે 1669માં ઔરંગઝેબના આદેશ પર વિશ્વનાથનું મંદિર તોડી પાડવામાં આવ્યું, ત્યારે રાવ તમાચીની જગ્યાએ રાવ રાયધનજી કચ્છના પ્રથમ શાસક હતા અને તેઓ કે તેમની કોઈ રાણીઓ વારાણસી ગયા હોય તેવો રાજપત્રમાં કોઇ ઉલ્લેખ નથી. તેમના કહેવા મુજબ 1819થી 1860 સુધી કચ્છના શાસક રહેલા રાવ રાયધનજી પ્રથમના લગભગ દોઢસો વર્ષ પછી મહારાવ દેશલજી દ્વિતીયની રાણી પણ ભારે મુશ્કેલી સાથે દ્વારકા પહોંચી હતી અને દરિયાના વધતા જતા પાણીને કારણે મંદિરના ધ્વજને દૂરથી જોઈને ભગવાન કૃષ્ણની પૂજા કરીને પરત ફરવું પડ્યું હતું. નજીકમાં જ આ સ્થિતિ હતી, તેથી બે હજાર કિલોમીટર દૂર વારાણસી જવાનો પ્રશ્ન જ નહોતો.

મરાઠા સાશન સાથે વિશ્વનાથ મંદિર જીવંત થયું

જો કે, જ્યાં સુધી કાશી વિશ્વનાથ મંદિરનો સંબંધ છે, ઔરંગઝેબ પછી મુઘલ શાસન ધીમે ધીમે નબળું પડવાથી અને મરાઠા સત્તાના ઉદય સાથે વિશ્વનાથ મંદિરના પુનઃનિર્માણના પ્રયાસો શરૂ થયા. રીવા અને મેવાડના મહારાણાની સાથે નાના ફડણવીસે પણ આ દિશામાં પ્રયાસ કર્યા હતા. પરંતુ આખરે ઈન્દોરની રાણી અહિલ્યાબાઈ હોલકરે મંદિર બનાવવાની સફળતા હાંસલ કરી. પ્રખર રાષ્ટ્રવાદી અને ધર્મનિષ્ઠ મહારાણી અહલ્યાબાઈએ જ્ઞાનવાપી વિસ્તારમાં જમીન ખરીદી અને મંદિર બનાવવા માટે અવધના નવાબ પાસેથી પરવાનગી લીધી. 1777માં જન્માષ્ટમીના દિવસે વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઓમપ્રકાશ કેજરીવાલ દ્વારા સંપાદિત કાશી ગ્રંથ અનુસાર, બનારસના બ્રાહ્મણો કે જેઓ પર સલ્તનત અને મુઘલ કાળમાં ભારે જુલમ ગુજારવામાં આવ્યો હતો, તેઓ એટલા ડરી ગયા હતા કે તેઓ અહલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવી રહેલા મંદિરના કામથી દૂર રહ્યા હતા. આવી સ્થિતિમાં મહારાણી અહલ્યાબાઈએ તેમની રાજધાની મહેશ્વરથી એક પૂજારીને બોલાવીને નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી હતી. આ મંદિરના પ્રથમ પૂજારી તારાપુર વિસ્તારના ભૂમિહાર બ્રાહ્મણ બન્યા હતા. મંદિરનું ગર્ભગૃહ પ્રાચીન મંદિરના જેવું જ રાખવામાં આવ્યું હતું.

પંજાબના રાજાએ બનાવ્યા સુવર્ણ શિખરો

વિશ્વનાથ મંદિરના બંને શિખરો પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ પંજાબના મહારાજા રણજીત સિંહના સોનાના દાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ઇ.સ. 1839માં આ કામ માટે સાડા બાવીસ મણ સોનું આપ્યું હતું. ધીરે ધીરે દાન એકત્ર થતાં, આ મંદિરમાં વધુ વિકાસ કાર્યો કરવામાં આવ્યા. 2014માં નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ અને દેશના વડાપ્રધાન બન્યા બાદ કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા વધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આજુબાજુની જમીનને સંપાદિત કરીને વિકસાવવામાં આવેલ ભવ્ય વિશ્વનાથ કોરિડોરને કારણે આ મંદિરમાં દેશ-વિદેશના ભક્તોની સંખ્યામાં વધારો થયો છે, પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

પરંતુ જૂના મંદિરને તોડીને જ્ઞાનવાપીની મસ્જિદ બનાવવામાં આવી, તેનાથી હિંદુઓની વેદના ઓછી થઈ નથી. આ જ કારણ છે કે આ અંગે કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે. આ અંતર્ગત જ્યારે જ્ઞાનવાપી પરિસરનો સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે જૂના વિશ્વનાથ મંદિર સાથે સંબંધિત નિશાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે, મુસ્લિમ પક્ષ પણ આ અંગે આક્રમક છે, કારણ કે તે જાણે છે કે જૂના મંદિરોને તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોને તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં આવશે તો આ સંખ્યા દસમાં નહીં, હજારોમાં થઇ જશે. છેવટે, આઠસો વર્ષના ઇસ્લામિક શાસન દરમિયાન મંદિરો તોડવાની અને મસ્જિદો બનાવવાની ઘટનાઓ મોટા પાયે બની છે, જેના સંકેતો દેશના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે, જ્ઞાનવાપી માત્ર એક ઉદાહરણ છે.

( લેખક - નેટવર્ક 18 સમૂહમાં મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે. )
Published by:rakesh parmar
First published:

Tags: Gyanvapi Mosque, Kashi vishwanath mandir, Kashi Vishwanath temple, Kashi Vishwanath કાશી વિશ્વનાથ