મુંબઈ: મહારાષ્ટ્ર (Coronavirus In Maharashtra)ના મુંબઈની બાજુમાં આવેલા પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ હૉસ્પિટલ (Vijay Vallabh covid hospital)માં આગ લાગવાને કારણે 13 દર્દીંનાં મોત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે વિરાર વેસ્ટ સ્થિત વિજય વલ્લભ હૉસ્પિટલમાં 15 દર્દી ICUમાં દાખલ હતા, જેમાંથી 13 દર્દીનાં મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એસીમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી. આ બનાવ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ બન્યો હતો. ICU વિભાગ હૉસ્પિટલના બીજા માળ પર આવેલો છે. આગની ઘટના મામલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ રિપોર્ટ મંગાવ્યો છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના નાશિકની એક કોવિડ હૉસ્પિટલમાં ઑક્સીજન ગેસ લીક થવાને કારણે 22 દર્દીનાં મોત થયા હતા.
હૉસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યુ કે, આગની ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. તેમણે કહ્યુ કે, હૉસ્પિટલમાં આશરે 90 દર્દી દાખલ છે. તેમના કહેવા પ્રમાણે જે જે દર્દીઓને ઑક્સીજનની જરૂર છે તેમને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. શાહે જણાવ્યુ કે, ICUમાંથી કંઈક આગ જેવું પડ્યું હતું અને એક-બે મિનિટમાં આગ ફેલાઈ ગઈ હતી. હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી હોવાનો શાહે દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે રાત્રે ડૉક્ટર પણ ફરજ પર હાજર હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલો સ્ટાફ રાત્રે હાજર હતો ત્યારે શાહ યોગ્ય પ્રત્યુતર આપી શક્યા ન હતા.
News18 લોકમતના જણાવ્યા પ્રમાણે હૉસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની 10 ગાડી કામે લાગી હતી. હૉસ્પિટલમાં દાખલ એક દર્દી અને એક વ્યક્તિએ દાવો કર્યો કે આગ એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. તેમણે જણાવ્યું કે, ICUમાં 15 દર્દી દાખલ હતા. તેમના કહેવા પ્રમાણે ICU ફૂલ હતું.
અન્ય એક દર્દીના સગા અવિશાન પાટીલે જણાવ્યું કે, સવારે સવા ત્રણ વાગ્યે મને મારા મિત્રનો ફોન આવ્યો હતો કે હૉસ્પિટલમાં આગ લાગી ગઈ છે. તેમણે દાવો કર્યો કે ઘટનાસ્થળે ફક્ત બે નર્સ હતી, કોઈ ડૉક્ટર ન હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે હૉસ્પિટલ પાસે તેમની કોઈ ફાયર સિસ્ટમ પણ નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર