ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2 (CHANDRAYAN-2)ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રવિવારે ઓર્બિટરે લેન્ડર વિક્રમના લોકેશન વિશે માહિતી મેળવી લીધી હતી, ત્યારબાદથી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની આશા ફરી એક વાર જીવંત થઈ છે. જોકે, લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવો વૈજ્ઞાનિકો માટે સરળ નથી. જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે લેન્ડર વિક્રમ સાથે વૈજ્ઞાનિકોની પકડ ઢીલી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઇસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું હતું કે, અંતરિક્ષ એજન્સી 14 દિવસો સુધી લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, ઇસરોના અધ્યક્ષે કહ્યું હતું કે ચંદ્રયાન-2 ઓર્બિટરમાં લાગેલા કેમેરાએ લેન્ડર વિક્રમની ભાળ મેળવી લીધી છે. આ પહેલા શુક્રવાર મોડી રાત્રે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન પોતાના રસ્તાથી ભટકી ગયું હતું. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી પહેલા ખોવાઈ ગયું અને તેનો સંપર્ક ઇસરો સેન્ટર સાથે તૂટી ગયો હતો.
રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાનના સીનિયર રિસર્ચર અજે લેલેએ કહ્યું કે, લેન્ડર વિક્રમના લોકેશન વિશે ઓર્બિટરે જે પ્રકારની જાણકારી આપી છે તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ઓર્બિટર બિલકુલ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ઓર્બિટર મિશનનો મુખ્ય હિસ્સો હતો, કારણ કે તેને એક વર્ષથી વધુ સમય સુધી કામ કરવાનું છે. તેઓએ કહ્યું કે, ઓર્બિટર યોગ્ય રીતે કામ કરવાથી મિશનનું 90થી 95 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેવામાં આવશે.
આગામી 14 દિવસો સુધી વૈજ્ઞાનિકો પ્રયાસ કરતાં રહેશે
આ પહેલા ઇસરોના ચેરમેન સિવને દૂરદર્શનને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારું ચંદ્રયાન-2ના લેન્ડરથી સંપર્ક તૂટી ગયો છે, પરંતુ તે લેન્ડરથી ફરી સંપર્ક સ્થાપિત કરવા માટે આગામી 14 દિવસો સુધી પ્રયાસ કરતા રહીશું. તેઓએ કહ્યું કે લેન્ડરના પહેલા ચરણને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું. જેમાં યાનની ગતિને ઓછી કરવામાં એજન્સીને સફળતા મળી. જોકે, અંતિમ ચરણમાં આવીને લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો.
7.5 વર્ષ સુધી ઓર્બિટર કામ કરશે
કે. સીવને વધુમાં કહ્યું કે, પહેલીવાર અમે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રનો ડેટા પ્રાપ્ત કરીશું. ચંદ્રની આ જાણકારી વિશ્વ સુધી પહેલીવાર પહોંચશે. ચેરમેને કહ્યું કે ચંદ્રના ચારે તરફ ફરનારા ઓર્બિટરના નિયત જીવનકાળને 7 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. તે 7.5 વર્ષ સુધી કામ કરતું રહેશે. તે સંપૂર્ણ ચંદ્રના ગ્લોબને કવર કરવામાં સક્ષમ હશે.