ન્યૂઝ18 ગુજરાતી: રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના જ દિવસે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમનું એક વર્ષ પૂરું થવાના દિવસે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો તેમના માટે ખુશીના સમાચાર લઈને આવી રહી છે. વલણો મુજબ, કોંગ્રેસ પાંચમાંથી બે કે ત્રણ રાજ્યોમાં સરકાર બનાવતી નજરે પડી રહી છે.
ગુજરાતમાં નહોતી મળી જીતની ગિફ્ટ કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા તે સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. ભાજપ વિરોધી જુવાળ ઊભો કરવામાં રાહુલના માર્ગદર્શન હેઠળ ગુજરાત કોંગ્રેસ સફળ રહી હતી પરંતુ તેને સંપૂર્ણપણે વોટબેંકમાં પરિવર્તિત નહોતી કરી શકી. ભાજપે હારતા-હારતા જીત મેળવી. ભાજપને 99 અને કોંગ્રેસને 81 બેઠકો મળી. આમ, અધ્યક્ષ બન્યાના થોડાક જ દિવસોમાં તેમને ગુજરાતની ગિફ્ટ મળતાં રહી ગઈ.
3 રાજ્યોએ આપી કોંગ્રેસ અધ્યક્ષને બર્થડે ગિફ્ટ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં છે. એવામાં કોંગ્રેસ આ વખતે સત્તામાં વાપસી કરી રહી છે. જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજેની વિદાય દેખાઈ રહી છે. આ રીતે ત્રણેય રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું છે. જો ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર આવે છે તો કોંગ્રેસ અધ્યક્ષ માટે સૌથી મોટી ગિફ્ટ સાબિત થશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને 2019 લોકસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ માનવામાં આવે છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને પહેલા જ બર્થડે પર મોટી ગિફ્ટ મળી શકે છે.
એક વર્ષ પહેલા સંભાળી હતી કોંગ્રેસની ધૂરા ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 60મા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી 11 ડિસેમ્બર 2017ના રોજ ચૂંટાયા હતા. જોકે, તેમણે સત્તાવાર રીતે હોદ્દો 16 ડિસેમ્બર 2017ના રોજ સંભાળ્યો હતો. તેઓ નહેરુ-ગાંધી પરિવારના છઠ્ઠા અને આઝાદી બાદથી પાર્ટીના 17મા અધ્યક્ષ છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં નવો સંચાર થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. સંસદમાં મોદીને ભેટવાને લઈને પણ તેમના ઘણા વખાણ થયા હતાં. અગાઉ જે બાબતે તેમની ટીકા થતી હતી તેના ઉપર પણ તેમને સુધાર કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે તેમણે મોટી જવાબદારી ઉઠાવી હતી જેનું સારું પરિણામ તેમના એક વર્ષ પૂરું થવાના સમયે મળી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર