દેશની રાજધાની નવી દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પોલીસ પર પોલીસ સ્ટેશનમાં નિર્વસ્ત્ર કરીને મારવા અને પ્રાઇવેટ પાર્ટમાં પાઇપ નાખવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાથી પોલીસ-પ્રશાસનમાં હોબાળો થઈ ગયો છે. મળતા અહેવાલ મુજબ, આરોપી વિદ્યાર્થી સાથે જે પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હતી, તેણે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત પાંચ પોલીસકર્મીઓની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આદર્શ નગર પોલીસ સ્ટેશનનો મામલો
મળતી જાણકારી મુજબ, આ ચોંકાવનારો મામલો દિલ્હીના આદર્શ નગર પોલીસ સ્ટેશનનો છે. પીડિત યુવકે આરોપ મૂક્યો છે કે આ પોલીસ સ્ટેશનમાં તેને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની પાઇપ નાખી દીધી. પીડિત વિદ્યાર્થીએ પોલીસની આ ક્રૂરતા વિશે આદર્શ નગર પોલીસ સ્ટેશન પ્રભારી સહિત પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ તે જ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધ્યો છે. બીજી તરફ, જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશ્નર વિજયંત આર્યાએ મામલાની તપાસ એસીપીને સોંપી છે.
પોલીસે જણાવ્યું કે, પીડિત યુવક ડીયૂમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. તે હાલ ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. મળતી જાણકારી મુજબ, ગત 25 ઓગસ્ટે હવાલદાર મોહનલાલ અને સિપાહી સતેન્દ્રએ સાયા મોટર્સ લાલબાગની પાસે વિદ્યાર્થીના ભત્રીજા સહિત ત્રણ લોકોની ગેરવર્તનના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. તે ભત્રીજા વિશે રજૂઆત કરવા આદર્શ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એમ. પી. સૈની અને પાંચ અન્ય પોલીસકર્મીઓએ તેને કથિત રીતે બંધક બનાવી દીધો. વિદ્યાર્થીનો આરોપ છે કે ત્યારબાદ પોલીસકર્મીઓએ તેને નિર્વસ્ત્ર કરીને તેને માર્યો અને પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની પાઇપ નાખી દીધી હતી.
અમર ઉજાલાના અહેવાલ મુજબ, પોલીસે તેને ગંભીર આરોપોમાં બંધ કરવાની ધમકી આપી હતી. તેના દસ્તાવેજ પર પૂછપરછ માટે બોલવવાની વાત લખાવવામાં આવી. બીજી તરફ, પોલીસ સ્ટેશનથી છૂટ્યા બાદ પીડિત પોતાની સારવાર કરાવીને ઘરે ગયો અને સમગ્ર મામલાની જાણકારી પરિવારને આપી, ત્યારે આ મામલાનો ખુલાસો થયો.