કોંગ્રેસના ઉત્તર પ્રદેશના યુનિટના અધ્યક્ષ રાજ બબ્બરે મંગળવારે સાંજે રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની નવી ટીમ માટે રાજ બબ્બરે આવું પગલું ભર્યું છે. જોકે, તેમના રાજીનામાનો હજી સુધી સ્વીકાર કરવામાં નથી આવ્યો તેમજ નવા અધ્યક્ષની પસંદગી સુધી તેઓ આ પદ પર ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના આગામી અધ્યક્ષ બ્રાહ્મણ ચહેરો હશે. આ રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ સૌથી આગળ ચાલી રહ્યા છે. યુવા જિતિન પ્રસાદ રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના છે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી અને વારાણસીના પૂર્વ સાંસદ રાજેશ મિશ્રાનું નામ પણ આ રેસમાં લેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા અધ્યક્ષના નામની જાહેરાત નવરાત્રી દરમિયાન જ કરવામાં આવી શકે છે.
રાજ બબ્બરે લોકસભાની ચૂંટણી માટે પોતાની નવી જવાબદારીનું બહાનું કરીને રાજીનામું આપવાની વાત કરી હતી. રાજ બબ્બર સ્ટાર પ્રચારકના રૂપમાં રાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરવા માગે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2019માં લોકસભાની ચૂંટણી પહેલા સપા સાથે ગઠબંધન કરવાનું નક્કી જ માનવામાં આવી રહ્યું છે. રાજ બબ્બર સપાની જૂની અદાવતોથી માહિતગાર ન હતા. આ કારણે તેમણે રાજીનામું આપી દીધું છે.
જોકે, રાજીનામું આપ્યા બાદ રાજ બબ્બરે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને નવી જવાબદારી આપીને મોકલવામાં આવ્યા હતા. તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે આ જવાબદારી નિભાવી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમની અને અન્ય લોકોની ભૂમિકા બદલાવવી જોઈએ. કોની શું ભૂમિકા રહેશે તે લીડરશીપ નક્કી કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર