પાકિસ્તાની પત્રકાર મોહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ સોશિયલ મીડિયા (Social Media) પર દાવો કર્યો કે ભારત તરફથી છોડવામાં આવેલી મિસાઈલનું નામ બ્રહ્મોસ છે. તેની રેન્જ 290 કિમી છે. ભારતીય વાયુસેના રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તેનો સ્ટોક રાખે છે. જો કે પાકિસ્તાની સેનાનો દાવો છે કે આ મિસાઈલ હરિયાણાના સિરસાથી છોડવામાં આવી હતી.
પાકિસ્તાનમાં (Pakistan) ભારતીય મિસાઈલ પડવાના મામલે (Indian Missile Conflict) અમેરિકાએ (USA) પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તાજેતરમાં ભારત તરફથી પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ એક ટેકનીકલ ખામી સિવાય બીજુ કઇંજ નથી. ભારત સરકારે ગયા શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા એક મિસાઈલ આકસ્મિક રીતે છૂટી ગઈ હતી, જે પાકિસ્તાનમાં જઇને પડી હતી. આ "અફસોસજનક" ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેક્નીકલ ખામીને કારણે થઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે એક દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "જેમ કે તમે અમારા ભારતીય સહયોગીઓ પાસેથી સાંભળ્યું છે કે આ ઘટના એક ભૂલ સિવાય બીજું કંઈ નથી, અમને પણ તેની પાછળ કોઈ અન્ય કારણ દેખાતું નથી." પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “તમારે આ સંબંધમાં કોઈ અન્ય પ્રશ્ન ભારતીય સંરક્ષણ મંત્રાલયને પૂછવો જોઈએ. તેણે 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે તે દિવસે ખરેખર શું થયું હતું. અમે તેના સિવાય કોઈ ટિપ્પણી કરી શકતા નથી."
શું હતી ઘટના ?
9 માર્ચના રોજ, ભારતીય સેનાની એક નિઃશસ્ત્ર મિસાઈલ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી. લગભગ 261 કિમી દૂર આ મિસાઈલ પાકિસ્તાનના મિયાં ચન્નુ વિસ્તારમાં પડી હતી. તેમાં કોઇ હથિયાર ન હોવાના કારણે ત્યાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. પોતાની ભૂલ સ્વીકારીને ભારતે હાઈ લેવલ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ જાહેર કર્યા હતા.
જણાવી દઈએ કે ટેકનીકલ ભૂલોના કારણે ભારતની એક મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી, જેના પર પાકિસ્તાને જોરદાર વિરોધ કર્યો હતો. ભારતના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં આ ઘટનાને અત્યંત ખેદજનક ગણાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ટેક્નીકલ ખામીને કારણે, 9 માર્ચે નિયમિત જાળવણી દરમિયાન એક મિસાઇલ આકસ્મિક રીતે ફાયર કરવામાં આવી હતી." ભારત સરકારે આકસ્મિક મિસાઇલ પ્રક્ષેપણની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'નો આદેશ આપ્યો છે.
પાકિસ્તાને સંયુક્ત તપાસની માંગ કરી છે
બીજી તરફ, પાકિસ્તાને ઘટના સાથે જોડાયેલા તથ્યોને યોગ્ય રીતે જાણવા માટે સંયુક્ત તપાસની માંગ કરી હતી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સંરક્ષણ એકમના પ્રેસ નિવેદનની નોંધ લીધી છે, જેમાં તેણે 9 માર્ચે પાકિસ્તાની ક્ષેત્રમાં પડેલી ભારતીય મિસાઇલની "ટેકનિકલ ખામીને કારણે" વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' હાથ ધરવાનું નક્કી કર્યું છે.
પાકિસ્તાને ભારતીય મિસાઈલ દ્વારા તેના એરસ્પેસના ઉલ્લંઘન સામે સખત વિરોધ નોંધાવવા માટે ભારતના નાયબ રાજદૂતને બોલાવ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે શુક્રવારે સંવેદનશીલ ટેક્નોલોજીને હેન્ડલ કરવાની ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ભારત સરકારે આકસ્મિક મિસાઈલ લોન્ચ અંગે પાકિસ્તાન સરકારને જાણ પણ કરી ન હતી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર