હ્યૂસ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાત્રે હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમ ખાતે 50 હજાર જેટલા ભારતીય-અમેરિકનોને સંબોધ્યા હતા. અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકનો તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે Howdy Modi કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું છે કે, "USA Loves India." પોતાના સંબોધનમાં ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં તેમની પાસે તેમના (નરેન્દ્ર મોદી) જેવો મિત્રો પહેલા ક્યારેય ન હતો.
પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ભારતીય-અમેરિકનોનો ખાસ આભાર માન્યો હતો. ટ્રમ્પના કહેવા પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે આ લોકોનો સિંહ ફાળો રહ્યો છે.
"ભારત અને અમેરિકાના સંબંધોને વધારે મજબૂત કરતી તમામ વસ્તુઓની ઉજવણી કરવા માટે હું અને પીએમ મોદી હ્યૂસ્ટન આવ્યા છીએ. ભારતીય-અમેરિકનો, તમે અમારી સંસ્કૃતિને વધારે સમૃદ્ધ બનાવી છે. તમે અમને વધારે મૂલ્યવાન બનાવ્યા છે. તમે અમેરિકન નાગરિક છો તેનો અમને ગર્વ છે. મારું વહીવટી તંત્ર તમારા માટે દરરોજ લડી રહ્યું છે."
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "અમેરિકા અને ભારત માટે સરહદની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી નિર્દોષ નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત અને અમેરિકા બહુ સારી રીતે જાણે છે કે લોકોને સુરક્ષિત રાખવા માટે સરહદનું રક્ષણ કરવું પડશે. અમેરિકા માટે સરહદની સુરક્ષા મહત્વનું છે. ભારત માટે પણ સરહદની સુરક્ષા મહત્વપૂર્ણ છે, આ વાત અમે સારી રીતે જાણીએ છીએ."
આ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદીના આગમન થતા લોકોએ બંનેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ અને મોદી એકબીજાના ગળે મળ્યા હતા. તેમજ એકબીજાનો હાથ પકડીને આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહેલા લોકોનું અભિવાદન કર્યું હતું.