US : નોકરી સાથે સારું અંગ્રેજી બોલતા લોકોને ઇમીગ્રેશનમાં મળશે પ્રાથમિકતા

ડોનાલ્ડ ટ્રમ્પ

હાલની વ્યવસ્થા પ્રમાણે આશરે 66 ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમનો અમેરિકા સાથે પારિવારિક સંબંધ હોય છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે ઇમીગ્રેશનને લઈને એક નવો નિયમ લાવવા જઈ રહ્યા છે. જે અંતર્ગત યોગ્ય હોય તેવા, ઉચ્ચ ડીગ્રી ધારકો, સારું અંગ્રેજી બોલતા અને વ્યવસાયિક યોગ્યતા ધરાવતા લોકોને ઇમીગ્રેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ અંગેની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

    જોકે, એવું કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પની આ નવી ઇમીગ્રેશન નીતિને કોંગ્રેસ તરફથી લીલી ઝંડી નહીં મળે. અમેરિકામાં અનેક વર્ષોથી ઇમીગ્રેશન પરિવાર પર આધારિત રહ્યું છે. જે અંતર્ગત દર વર્ષે બે તૃતિયાંશ એવા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યા છે જેનો અમેરિકા સાથે કોઈ પારિવારિક સંબંધ હોય. ટ્રમ્પની આવી જાહેરાત બાદ એવા હજારો વ્યવસાયિકોને ફાયદો થશે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

    ટ્રમ્પનો આ નવો નિયમ લાગુ થયા બાદ દર વર્ષે આશરે 11 લાખ લોકોને ઈમીગ્રેશન આપવામાં આવશે. હવેથી ખૂબ જ બુદ્ધિશાળી હોય તેવા જ લોકોને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. હાલની વ્યવસ્થા પ્રમાણે આશરે 66 ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમનો અમેરિકા સાથે પારિવારિક સંબંધ હોય છે, જ્યારે ફક્ત 12 ટકા લોકોને યોગ્યતા આધાર પર ગ્રીનકાર્ડ આપવામાં આવે છે.

    ટ્રમ્પ ગુરુવારે બપોરે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. જોકે, આ યોજનાના અમલનું કામ મુશ્કેલ હશે. રાષ્ટ્રપ્રમુખ પોતાના રિપબ્લિકન સાંસદોને આ અંગે સમજાવવામાં સફળ રહેશે તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વ હેઠળના ડેમોક્રેટ અને અન્ય નેતાઓ સુધારાનો વિરોધ કરી રહ્યા છે. જો આ નીતિનો અમલ થશે તો તેનાથી ભારતીયોને ખૂબ ફાયદો થશે.

    નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નજીક છે, આ વખતે ઇમીગ્રેશનનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં ટ્રમ્પની આ યોજનાની ચૂંટણી પર પણ અસર પડશે. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની આ નવી નીતિ મુખ્ય રીતે સીમા સુરક્ષાને મજબૂત કરવા, ગ્રીન કાર્ડ તેમજ કાયદેસર સ્થાયી નિવાસી પ્રણાલીને ખતમ કરવા પર કેન્દ્રીત છે.
    Published by:Vinod Zankhaliya
    First published: