Home /News /national-international /USની ચેતવણી- ચીન મસૂદ અઝહરની ઢાલ ન બને; UNSCમાં લાવ્યું નવો પ્રસ્તાવ

USની ચેતવણી- ચીન મસૂદ અઝહરની ઢાલ ન બને; UNSCમાં લાવ્યું નવો પ્રસ્તાવ

મસૂદ અઝહર (ફાઇલ તસવીર)

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, વૈશ્વિક આતંકી જાહેર કરવામાં મસૂદ અઝહરને હવે ચીનનો વીટો પાવર પણ નહીં બચાવી શકે.

નવી દિલ્હી : પુલવામાં આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના મિશનને સફળતા મળી શકે છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં Veto (વીટો) વાપર્યા બાદ હવે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને આગળ આવીને આ કામ કરવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય દેશ હવે ચીનને છોડીને અન્ય સભ્ય દેશો સમક્ષ પ્રસ્તાવ અંગે વાતચીત કરશે અને સમિતિ પર દબાણ વધારશે. એટલું જ નહીં અમેરિકાના વિદેશ પ્રધાને ચીનના બેવડા વલણની ઝાટકણી કાઢી છે.

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરના દેશોએ ભારતને સમર્થન કર્યું હતું. આ વખતે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે યુએનએસસીમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી હતી. જોકે, ચીનની અવળચંડાઈને કારણે આવું થઈ શક્યું ન હતું.

હવે ફરીથી આ ત્રણેય દેશોએ નવેસરથી પ્રસ્તાવ માટે ડ્રાફ્ટ આગળ વધાર્યો છે. આ પ્રસ્તાવ યુએનએસસીના 15 સભ્યોને આપવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પર સભ્ય દેશો સહમત થાય છે તો મસૂદ અઝહર પર મુસાફરી પર પ્રતિબંધ તેમજ સંપત્તિ જપ્ત થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : ગૂગલના CEO સુંદર પિચાઈ અમેરિકાને સમર્પિત છે, ચીનને નહીં : ટ્રમ્પ

આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ટ્વિટ કરીને ચીનની ઝાટકણી કાઢી છે. તેમણે લખ્યું કે, એક બાજુ ચીન પોતાના દેશમાં મુસ્લિમોને પીડા આપી રહ્યું છે, તો બીજી તરફ તે ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે.

નોંધનીય છે કે ચીન આ સમિતિનું સ્થાયી સભ્ય છે. આ જ કારણ તેની પાસે વીટો પાવર છે. જે અંતર્ગત તે કોઈ પણ પ્રસ્તાવને રદ કરવાની ક્ષમતા ધરાવે છે. મસૂદ અઝહર મામલે ચીન ચાર વખત આવું કરી ચુક્યું છે. જોકે, નિયમ એવો છે કે સમિતિના સ્થાયી સભ્યો ઉપરાંત અન્ય અસ્થાયી સભ્યો કોઈ મુદ્દા પર સહમત થઈ જાય છે તો પ્રસ્તાવ પસાર કરી શકાય છે. એટલે કે આવા કેસમાં કોઈ એક સભ્યની નારાજગીનો કોઈ મતલબ નથી રહેતો.

આ પણ વાંચો : 'અંતરિક્ષનો કાટમાળ ચિંતાનો વિષય પરંતુ ભારતની સાથે ઊભું છે અમેરિકા'

પુલવામા હુમલા બાદ ભારતે 26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતની એર સ્ટ્રાઇકમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના તાલિમ કેન્દ્રને ઉડાવી દેવામાં આવ્યું હતું.
First published:

Tags: Masood-azhar, UNSC, US, આતંકી, ચીન, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન, પુલવામા એટેક

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો