ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહી છે. આ દરમિયાન આજે સપાના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) મૈનપુરી (mainpuri)ના કરહાલ મતવિસ્તાર (Karhal Assembly Seat)માંથી ઉમેદવારી નોંધાવી હતી. થોડા સમય બાદ કેન્દ્રીય મંત્રી અને આગ્રાના સાંસદ એસપી સિંહ બઘેલે (BJP MP SP Singh Baghel) પણ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. આ સાથે સ્પષ્ટ છે કે ભાજપે સપા પ્રમુખને ઘેરવા માટે તેના સાંસદ પર દાવ લગાવ્યો છે. આ સાથે એ પણ સાફ થઇ ગયું છે કે, કરહાલ વિધાનસભા ક્ષેત્ર હવે યુપીના રાજકારણમાં જંગનું મેદાન બની રહેશે. રસપ્રદ વાત એ છે કે બઘેલને દેશના પૂર્વ રક્ષા મંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની સુરક્ષામાં તૈનાત રહી ચૂક્યા છે.
આ સાથે જ ઉમેદવારી નોંધાવ્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી એ દેશની ચૂંટણી છે, ઐતિહાસિક ફેરફારોની સાથે ઉત્તર પ્રદેશ સમૃદ્ધિના માર્ગે આગળ વધશે. અહીંના લોકો સતત નકારાત્મક રાજનીતિ કરનારાઓને પાઠ ભણાવવાનું કામ કરશે. ત્યાં જ તેમણે નોમિનેશન પછી ટ્વીટ કર્યું, 'નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મિશન 22 તરફ વધુ એક પગલું. 2022માં સાયકલ!.'
ભાજપનો મોટો દાવ
જોકે અગાઉ એવા સંકેતો મળ્યા હતા કે ભાજપ મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ (Aparna Yadav)ને અખિલેશ યાદવ સામે મેદાનમાં ઉતારી શકે છે. જોકે આજે અચાનક બઘેલ ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. જોકે કોંગ્રેસે કરહાલ વિધાનસભા સીટ પરથી જ્ઞાનવતી યાદવ અને બસપાના કુલદીપ નારાયણને ઉમેદવાર બનાવ્યા છે.
મૈનપુરી જિલ્લાની કરહાલ વિધાનસભા બેઠક ખાસ છે. સોબરન સિંહ યાદવ કરહાલથી સતત 4 વખત ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે. વર્ષ 1993થી લઈને આજ સુધી માત્ર એક વખત 2002માં સપાને હારનો સામનો કરવો પડ્યો હતો. સમાજવાદી પાર્ટીના બાબુરામ યાદવે 1993 અને 1996માં કરહાલથી ચૂંટણી જીતી હતી. વર્ષ 2002માં સોબરન ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2007માં સપાએ ફરીથી વાપસી કરી અને સોબરન સિંહ સાયકલના પ્રતિક પર ધારાસભ્ય બન્યા. ત્યાં જ વર્ષ 2017માં પણ ભાજપ પોતાની લહેર હોવા છતાં સોબરન સિંહ યાદવના કિલ્લાને તોડી શક્યું ન હતું અને તેઓ ચોથી વખત કરહાલના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના રામા શાક્યને હરાવ્યા હતા. 2017માં કરહાલ વિધાનસભામાં કુલ 49.57 ટકા વોટ પડ્યા હતા. સોબરન સિંહ યાદવને અહીં 1 લાખ 4 હજાર 221 વોટ મળ્યા હતા. તો બીજેપીના રામા શાક્યને 65 હજાર 816 વોટ મળ્યા હતા. જ્યારે 29 હજાર 676 વોટ સાથે બીએસપીના દલવીર સિંહ ત્રીજા નંબર પર રહ્યા હતા.
કરહાલ વિધાનસભામાં લગભગ 3 લાખ 71 હજાર મતદારો છે. જેમાંથી યાદવ મતદારોની સંખ્યા લગભગ 1 લાખ 44 હજાર છે, જે કુલ મતોના 38 ટકા છે. જ્યારે 14183 મતદારો મુસ્લિમ છે. આ સિવાય શાક્ય (34946), ઠાકુર (24737), બ્રાહ્મણ (14300), લોધી 10833 અને જાટવ (33688) મતદારો પણ પ્રભુત્વ ધરાવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર