નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે (UP Assembly Election 2022)55 સીટો પર 14 ફેબ્રુઆરીને સોમવારના દિવસે મતદાન (Second Phase Voting On Feb 14) યોજાશે. આ પહેલા પશ્ચિમી ઉત્તર પ્રદેશની 58 સીટો પર પ્રથમ તબક્કા અંતર્ગત 10 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં અમરોહા, બરેલી, બિજનોર, બદાયૂં, મુરાદાબાદ, રામપુર, સહારનપુર, સંભલ અને શાહજહાંપુરમાં મતદાન થવાનું છે. આ તબક્કામાં ભાજપા સહિત અન્ય દળોના ઘણા મોટા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર રહેશે. ગોવા અને ઉત્તરાખંડમાં પણ મતદાન યોજાશે. જ્યાં એક જ તબક્કામાં (Assembly Elections 2022) બધી સીટો પર મતદાન થશે.
બીજા તબક્કામાં યોગી કેબિનેટના મંત્રી સુરેશ ખન્ના (Suresh Khanna), ગુલાબો દેવી, બલદેવ સિંહ ઓલખ સાથે પૂર્વ મંત્રી ધર્મપાલ સિંહ સૈની પણ ચૂંટણી મેદાનમાં છે. જો સમાજવાદી પાર્ટીની વાત કરવામાં આવે તો તેમના તરફથી રામપુરના સાંસદ આઝમ ખાન (Azam Khan), કમાલ અખ્તર, મહબૂબ અલી જેવા કદાવર નેતા ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં કુલ 586 ઉમેદવારો મેદાનમાં છે.
યોગી કેબિનેટના મંત્રી સુરેશ ખન્ના શાહજહાંપુરની સદર સીટથી મેદાનમાં છે. આ સીટ પર સમાજવાદી પાર્ટી-આરએલડીના તનવીર ખાન અને બસપાના સર્વેશ ચંદ્રથી પડકાર મળશે. સંભલની ચંદૌસી સીટ પર યોગી કેબિનેટના મંત્રી ગુલાબો દેવી ફરી એક વખત ભાજપાની ટિકિટ પર મેદાનમાં છે. સપાએ અહીં વિમલેશ, કોંગ્રેસે મિથિલેશ અને બસપાએ રણવિજય સિંહ પર દાવ લગાવ્યો છે.
આ સિવાય આંવલા સીટ પરથી ભાજપા સરકારમાં મંત્રી રહેલા ધર્મપાલ સિંહ સૈનીને સપાના રાધાકૃષ્ણ શર્મા, બસપાના લક્ષ્મણ પ્રસાદ અને કોંગ્રેસના ઓમવીર યાદવથી પડકાર મળશે. ધર્મપાલ સિંહ અહીંથી 1996, 2002, 2012 અને 2017માં ધારાસભ્ય રહ્યા હતા. યોગી સરકારમાં સિંચાઇ મંત્રી પણ હતા. જોકે સંગઠનમાં લાવવાના કારણે તેમણે મંત્રીમાંથી રાજીનામું આપ્યું હતું.