યોગી સરકારમાંથી મંત્રી ઓમપ્રકાશ રાજભરને હટાવાયા, રાજ્યપાલે આપી મંજૂરી
યોગી સરકારમાંથી મંત્રી ઓમપ્રકાશ રાજભરને હટાવાયા, રાજ્યપાલે આપી મંજૂરી
ઓપી રાજભર
બીજેપી તરફથી સામાન્ય ચૂંટણીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક ન આપવામાં આવ્યા બાદ રાજભરે યોગી સરકારમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી.
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બીજેપી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) વચ્ચેનું ગઠબંધન સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઇકને સુભાસપાના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરને મંત્રી પદેથી હટાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે. રાજભર પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી હતા.
બીજી તરફ રાજભરને મંત્રીમંડળમાંથી તાત્કાલિક અસરથી હટાવવાની ભલામણ બાદ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ કે, આ નિર્ણય 20 દિવસ પહેલા લેવાની જરૂર હતી. જોકે, તેમણે પોતાને હટાવવાના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લીધો છે.
ન્યૂઝ18 સાથે વાતચીત કરતા રાજભરે કહ્યુ કે, મંત્રી પદે રહેતા તેમણે સતત પછાત લોકોના અધિકારોની વાત ઉઠાવી હતી. આ વાત મુખ્યમંત્રીને પસંદ પડી ન હતી. "હું પછાત કલ્યાણ વર્ગનો મંત્રી હતો. આથી મારી ફરજ હતી કે હું તેમનો અવાજ રજૂ કરું. મેં પછાતો માટે છાત્રવૃત્તિની વાત ઉઠાવી હતી, પરંતુ મુખ્યમંત્રી પાસે સમય ન હતો."
નોંધનીય છે કે યોગી આદિત્યનાથે પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી ઓમપ્રકાશ રાજભરને મંત્રિમંડળ તેમજ અન્ય સભ્યો જે વિવિધ નિગમો અને પરિષદોમાં અધ્યક્ષ તેમજ સભ્ય પદે બિરાજમાન છે તેમને તાત્કાલિક અસરથી હટાવી દીધા હતા. રાજભરે પહેલા જ રાજીનામું આપી દેવાની વાત કરી હતી પરંતુ મુખ્યમંત્રીએ તેમનું રાજીનામું મંજૂર કર્યું ન હતું.
બીજેપી તરફથી સામાન્ય ચૂંટણીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક ન આપવામાં આવ્યા બાદ રાજભરે યોગી સરકારમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી. પાર્ટીએ 36 બેઠક પર ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સાતમા તબક્કાના મતદાન દરમિયાન એક ચૂંટણી સભામાં રાજભર બીજેપીને ગાળ દેતા નજરે પડ્યા હતા. આ મામલે તેમની સામે કેસ પણ નોંધાયેલો છે.
આ પહેલા લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીથી અલગ થતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ચંદોલીમાં મોટું નિવેદન આપ્યું હતું. ઓમપ્રકાશ રાજભરે કહ્યુ હતુ કે, "મીઠું રોટલી ખાઈશું, બીજેપીને હરાવીશું."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર