ઉન્નાવ પીડિતાની હાલત ગંભીર; હાલ દિલ્હી ખસેડવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

રેપ પીડિતાની હાલત ગંભીર, સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીડિતાને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી : ઉન્નાવ રેપ પીડિતાને હાલમાં સારવાર માટે દિલ્હીમાં નહીં ખસેડવામાં આવે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પીડિતાનો પરિવાર ઈચ્છે તો પીડિતાને એરલિફ્ટ કરીને AIIMS ખાતે લાવી શકે છે અને તેની સારવાર કરાવી શકે છે. આ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. 28 જુલાઈના રોજ કારમાં જતી વખતે ઉન્નાવ પીડિતાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. હાલ લખનઉ ખાતે તેની સારવાર ચાલી રહી છે. આ મામલે આજે સુનાવણી દરમિયાન પીડિતાના પરિવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ લખનઉમાં જ સારવાર કરાવવા માંગે છે.

  નોંધનીય છે કે 28 જુલાઈના રોજ પીડિત છોકરી અને તેનો પરિવાર કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે રાયબરેલી ખાતે એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેની કાકી અને માસીનું મોત થયું હતું જ્યારે પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ માલુમ પડ્યું હતું કે અકસ્માત વખતે પીડિતા સાથે સુરક્ષા ગાર્ડ ન હતા.

  આ પણ વાંચો : ઉન્નાવ રેપ કાંડ : સુપ્રીમ કોર્ટે તમામ 5 કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કર્યાં, પીડિતાને 25 લાખનું વળતર

  સુપ્રીમ કોર્ટે આજે પીડિતાને એરલિફ્ટ કરીને દિલ્હીમાં ખસેડવી કે નહીં તેના પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન પીડિતાને પરિવારે લખનઉમાં જ સારવાર કરાવવાની વાત કરતા સુપ્રીમે પીડિતાને દિલ્હી ન ખસેડવાનો આદેશ કર્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મીડિયા સંસ્થાઓને પીડિતાની ઓળખ જાહેર ન થાય તેનું ધ્યાન રાખવાનું કહ્યું છે.

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "પીડિતાને દિલ્હી ખસેડવાની વાત છે, ત્યારે તેનો પરિવાર આ માટે તૈયાર નથી. અમે રાહ જોઈશું."

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે બળાત્કાર પીડિતા અને તેના વકીલની હાલત ખૂબ ગંભીર છે. વકીલનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે, હવે તેઓ જાતે શ્વાસ લઈ શકે છે, પરંતુ તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રેપ પીડિતા હાલ તાવથી પીડાઈ રહી છે. હાલ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: