ઉન્નાવ રેપ પીડિતા ભાનમાં રહી ત્યાં સુધી બોલતી રહી, 'મારે જીવવું છે, દોષિતોને છોડશો નહીં'

News18 Gujarati
Updated: December 7, 2019, 9:10 AM IST
ઉન્નાવ રેપ પીડિતા ભાનમાં રહી ત્યાં સુધી બોલતી રહી, 'મારે જીવવું છે, દોષિતોને છોડશો નહીં'
પીડિતાનું સારવાર દરમિયાન મોત.

ગુરુવારે મોડી રાત્રે લખનઉથી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી રેપ પીડિત યુવતી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, "હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું. મારા દોષિતોને છોડશો નહીં."

  • Share this:
નવી દિલ્હી : ઉન્નાવ પીડિતાએ બે દિવસ સુધી જિંદગી સામે જંગ લડ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. રાત્રે 11 વાગીને 40 મિનિટ પર તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઉન્નાવની નિર્ભયાને 90 ટકા બળી ગયેલી હાલતમાં લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડવામાં આવી હતી. ગુરુવારે એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડાયા બાદ રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં હતી. સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી રેપ પીડિત યુવતી જ્યાં સુધી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, "હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું. મારા દોષિતોને છોડશો નહીં."

જે બાદમાં નિર્ભયાની હાલત ખરાબ થઈ હતી અને તેણી બેભાન બની ગઈ હતી. ડૉક્ટરોએ તેને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેણીને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી.

ગુરુવારે રાત્રે નવા વાગ્યા સુધી ભાનમાં હતી

સફદરગંજ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉક્ટર સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે, ગુરુવારે મોડી સાંજે પીડિતાને લખનઉથી એર એમ્બ્યુલન્સમાં દિલ્હી લાવવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ સાત ડૉક્ટરની ટીમે તેની સારવાર શરૂ કરી હતી. બર્ન ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર શલભની દેખરેખ હેઠળ પીડિતાની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં રહી હતી. ભાનમાં હતી ત્યારે તેણી એક જ લાઇન બોલી હતી કે, હું બચી તો જઈશ, પરંતુ દોષિતોને છોડશો નહીં.

શું છે આખો મામલો?

પીડિત યુવતી સાથે ડિસેમ્બર 2018માં બળાત્કાર થયો હતો. આ અંગે માર્ચ 2019માં ગુનો દાખલ થયો હતો. ગુરુવારે વહેલી સવારે ઉન્નાવથી રાયબરેલી જવા માટે પીડિતા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં મુખ્ય આરોપી શુભમ ત્રિવેદી સહિત પાંચ લોકો પીડિતાને ઢસડીને ખેતરમાં લઈ ગયા હતા. અહીં તેણી સાથે મારપીટ કરવામાં આવી હતી, તેના પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં પાંચેય આરોપીઓએ તેના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. પીડિતા રાયબરેલી ખાતે પોતાના વકીલને મળવા માટે ટ્રેન પકડવા માટે ઘરેથી નીકળી હતી. આરોપી તાજેતરમાં જ જામીન પર છૂટીને જેલ બહાર આવ્યો હતો.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर