ઉન્નાવ ગેંગરેપ પીડિતાના ભાઈએ કહ્યુ, 'મડદામાં સળગાવવા જેવું કંઈ બચ્યું નથી, દફન કરીશું'

News18 Gujarati
Updated: December 7, 2019, 12:18 PM IST
ઉન્નાવ ગેંગરેપ પીડિતાના ભાઈએ કહ્યુ, 'મડદામાં સળગાવવા જેવું કંઈ બચ્યું નથી, દફન કરીશું'
પ્રતિકાત્મક તસવીર

ડૉક્ટરોએ સતત 44 કલાક સુધી રેપ પીડિતાને બચાવવા માટેના પ્રયાસો કર્યા, સફળ ન રહેતા ડૉક્ટરોની આંખમાંથી આંસુ વહી ગયા.

  • Share this:
ઉન્નાવ : જિંદગી સામે જંગ હારી ગયેલી ઉન્નાવ રેપ પીડિતાના ભાઈએ પોતાની બહેન વિશે હચમચાવી દેતી વાત કહી છે. પીડિતાના ભાઈએ પોતાની બહેન માટે ન્યાયની માંગ કરતા શનિવારે જણાવ્યું કે, આરોપીઓના પણ એવા જ હાલ કરવામાં આવે જેવા તેની બહેનના થયા હતા. પીડિતાના ભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બહેને મને આજીજી કરી હતી કે ભાઈ મને બચાવી લે. મેં બહેનને કહ્યુ હતુ કે, તું ચિંતા ન કરતી, તને કંઈ નહીં થાય. હું ખૂબ દુઃખી છું કે મારી બહેનને બચાવી ન શક્યો." બીજી તરફ પીડિતાના નિધન બાદ તેની સારવાર કરનાર ડૉક્ટરો પણ રડી પડ્યા હતા.

'અંતિમસંસ્કાર કરવા જેવું બચ્યું નથી'

અંતિમ સંસ્કાર અંગે પીડિતાના ભાઈએ કહ્યુ કે, હવે તેના શરીરમાં કંઈ સળગાવવા જેવું રહ્યું જ નથી. અમે મૃતદેહને અમારા ગામ લઈ જઈશું, ત્યાં દફન કરી દઈશું. સાથે જ તેણે કહ્યું કે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે કે પછી તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે તેનાથી અમને કોઈ ફર્ક નથી પડતો, અમે એટલું જ ઇચ્છીએ છીએ કે તેઓ જીવતા ન રહેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતા શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે જિંદગી સામેની લડાઈ હારી ગઈ હતી. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો :  ઉન્નાવ રેપ પીડિતા ભાનમાં રહી ત્યાં સુધી બોલતી રહી, 'મારે જીવવું છે, દોષિતોને છોડશો નહીં'

'આરોપીઓને એવી જ સજા મળે'દીકરીના મોત બાદ તેના લાચાર પિતાએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, "પોલીસે જેવી રીતે હૈદારાબાદ એન્કાઉન્ટરના દોષિતોને દોડાવીને ગોળી મારી હતી, મારી દીકરી સાથે અધમ કૃત્ય કરનારા નરાધમોને પણ એવી જ સજા મળવી જોઇએ." તેમણે સરકાર પાસેથી એન્કાઉન્ટર કે ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. પીડિતાના પિતાએ કહ્યુ કે, મને પૈસાની કોઈ લાલચ નથી. અમારી એક જ માંગણી છે કે મારી દીકરીનાં મોત બાદ ન્યાય મળે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જ પીડિત યુવતીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે, જે બાદ મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવશે.

પીડિતાને બચાવી ન શકનારા ડૉક્ટરો રડ પડ્યા

ઉન્નાવની રેપ પીડિતા 44 કલાક સુધી જિંદગી સામે જંગ લડી હતી. શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે તેણે દમ તોડી દીધો હતો. બળાત્કાર પીડિતાને ન બચાવી શકવાનો અફસોસ તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. પીડિતાની હાલ જોઈને ડૉક્ટરો પણ રડી પડ્યાં હતાં. ડૉક્ટરોએ જણાવ્યું કે, અમે પીડિતાને બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યાં હતાં પરંતુ અમે સફળ ન રહ્યાં.

બર્ન વિભાગના વડા શલભ કુમાર અને મેડિકલ ઑફિસર ડો. સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે, 90 ટકા બળી જવાને કારણે પીડિતાને શરીરમાંથી પ્રવાહી પદાર્થ વહી ગયો હતો. પીડિતાની હાલત એટલી ખરાબ હતી કે બે શબ્દો બોલીને તે બેભાન થઈ જતી હતી. પીડિતાના મહત્વના અંગો સાંજ સુધી કામ કરી રહ્યા હતા, પરંતુ તેની હાલત સતત બગડી રહી હતી.
First published: December 7, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading