Indigo Flight: મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તેની હાલત સારી ન હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ મુસાફર પાસે પહોંચી ગયા અને તેને પ્રાથમિક સારવાર આપી.
નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડે (Bhagwat Karad) મંગળવારે ફ્લાઈટ દરમ્યાન બીમાર પડી ગયેલા મુસાફરની મદદ કરી. ઇન્ડિગો (Indigo Flight)ની એક દિલ્હી-મુંબઈ ફ્લાઈટ દરમ્યાન મુસાફર અસ્વસ્થતા અનુભવવા લાગ્યો અને તેને ચક્કર આવવા લાગ્યા. એવામાં કેન્દ્રીય મંત્રીએ પોતે તેમની મદદ કરીને તેનો જીવ બચાવ્યો. કેન્દ્રીય મંત્રી કરાડ બાળરોગ નિષ્ણાત પણ છે. તેમણે એ મુસાફરની પ્રાથમિક સારવાર કરી. તેમના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ કર્યા છે.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી કરાડની ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તેની હાલત સારી ન હતી. ત્યારબાદ કરાડ મુસાફર પાસે પહોંચી ગયા અને તેને પ્રાથમિક સારવાર આપી. નિવેદન મુજબ, ડૉ. કરાડે પડી ગયેલા મુસાફરની મદદ કરી હતી.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફ્લાઈટ દરમ્યાન બીમાર પડેલા કો-પેસેન્જરની મદદ કરવા માટે કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘હંમેશા, હૃદયથી એક ડોક્ટર, મારા સહયોગી દ્વારા કરવામાં આવેલું અદભુત કાર્ય.’
સમાચાર એજન્સી એએનઆઈના ફોટોમાં જોવા મળે છે કે એક યાત્રી વિમાનમાં બીમાર પડી ગયો છે અને ડોક્ટર કરાડ તેમની મદદ કરી રહ્યા છે. આ અંગે કરાડનું કહેવું છે કે, યાત્રીનું બ્લડ પ્રેશર ઓછું હતું અને તેને સતત પસીનો નીકળી રહ્યો હતો. મેં તેના કપડાં હટાવ્યા અને પગને સીધા કર્યા. ત્યારબાદ તેની છાતી થપથપાવાનું શરુ કર્યું. સાથે તેને ગ્લુકોઝ પણ આપ્યો. એના 30 મિનિટ બાદ તે સાજો થયો.’
કેન્દ્રીય મંત્રી કરાડે પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે લખ્યું, ‘ધન્યવાદ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. હું વિનમ્ર બન્યો છું અને પોતાના દેશ અને નાગરિકો પ્રતિ તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણને પોતાના કર્તવ્યો સાથે પૂરા કરવાની આશા રાખું છું. જય હિન્દ.’
રિપોર્ટ મુજબ, એ દર્દીની વય ચાલીસ આસપાસ હતી અને પછી તે સ્વસ્થ થઈ ગયો હતો. એ પછી ફ્લાઈટ 45 મિનિટ બાદ 3.20 કલાકે મુંબઈ પહોંચી હતી અને એ દર્દીને વધુ મેડિકલ સહાય માટે લઈ જવામાં આવ્યો હતો.’
ઇન્ડિગો એરલાઈન્સે પણ ટ્વીટર પર કેન્દ્રીય મંત્રીની પેસેન્જરને મદદ કરવા બદલ પ્રશંસા કરી હતી. એરલાઈન્સે ટ્વીટ કરી કે, ‘પોતાની ફરજો અવિરતપણે નિભાવવા બદલ MoS પ્રત્યે અમારી હૃદયપૂર્વકની કૃતજ્ઞતા અને પ્રશંસા! ડૉ. ભાગવત કરાડ, સાથી મુસાફરને મદદ કરવા માટેનો તમારો સ્વૈચ્છિક સહયોગ ખરેખર પ્રેરણાદાયક છે.’
ડૉ. ભાગવત કરાડ જુલાઈ 2021માં નાણા રાજ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી કેબિનેટમાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર