કાફલો અટકાવતા કેન્દ્રીય મંત્રીએ રોફ મારતા ચૂંટણી અધિકારીને કહ્યુ, 'ખબરદાર'

વાયરલ થયેલા વીડિયોનું એક દ્રશ્ય

મંત્રી ચૌબે બિહારની બક્સર બેઠક પરથી બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રી ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા પછી પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.

 • Share this:
  પટના : લોકસભાની ચૂંટણીને એક અઠવાડિયું બાકી છે ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મંત્રી એક સરકારી અધિકારીને ધમકાવી રહ્યા છે. ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોવાથી અધિકારી મંત્રીને સમજાવી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં મંત્રી ચૌબે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કે કે ઉપાધ્યાય સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરી રહ્યા છે. અધિકારીએ શનિવારે મંત્રીના કારના કાફલાને રોક્યો હતો.

  મંત્રી ચૌબે બિહારની બક્સર બેઠક પરથી બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રી ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા પછી પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. વધારાના સમય માટે તેમણે કોઈ મંજૂરી લીધી ન હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે માન્યતા આપી છે તેના કરતા વધારે કારના કાફલા સાથે રેલી કાઢી રહ્યા હતા. મંત્રીના કાફલામાં 40થી વધારે વાહનો સામેલ હતા. આ વાતને લઈને અધિકારીએ મંત્રીના કાફલાને અટકાવ્યો હતો.

  વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રી અધિકારીને કહી રહ્યા છે કે, "ખબરદાર, તમાશો ન કરો."

  મંત્રીની આવી વાત સાંભળીને અધિકારી ખૂબ શાંત ભાષામાં તેમને કહે છે કે, "ચૂંટણી પંચનો જે આદેશ આવ્યો છે તે માનવો પડશે."

  અધિકારીની આવી વાત સાંભળીને મંત્રી ઉકળી ઉઠે છે અને અધિકારીને કહે છે કે, "ઠીક છે, તો મને જેલમાં ધકેલી દો. ચાલો જેલ લઈ જાવ."

  મંત્રીની આવા વાત પછી પણ ખૂબ શાંત રહેલા અધિકારી તેમને કહે છે કે ફક્ત વાહનો જપ્ત કરવાનો આદેશ છે. અમે કોઈ માણસની ધરપકડ ન કરી શકીએ. જોકે, અધિકારીની વાતને નજરઅંદાજ કરતા ત્યાંથી જતાં જતાં મંત્રી કહે છે કે, "ગાડીઓ મારી છે, આને જપ્ત ન કરી શકાય."

  તમાશા બાદ મીડિયા સાથે વાતચીત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. "અમને સમાચાર મળ્યાં છે કે ઝીલા મેદાન ખાતે અસંખ્ય વાહનો પાર્ક કરવામાં આવ્યા છે. કાફલામાં પણ 30થી 40 વાહનો છે. આ કેસમાં પગલાં લેવામાં આવશે," તેમ અધિકારીએ જણાવ્યું હતું.

  અશ્વિની કુમાર બક્સર બેઠક પરથી સાંસદ તેમજ નરેન્દ્ર મોદી સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી છે. એપ્રિલ-મેમાં યોજાનાર ચૂંટણીમાં તેઓ ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: