નવી દિલ્હી. હિંદુકુશની પહાડીઓમાં (Hindukush Himalayas) હાલના ગ્લેશિયરો (Glaciers)ના સંકોચાવાની પ્રક્રિયા ચાલુ રહેશે તથા બરફની માત્રા અને ઊંચાઈ સીમિત થતી જશે. આવો દાવો ઇન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (Intergovernmental panel on Climate Change- IPCC)ના તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
IPCCના છઠ્ઠા આકલન રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે હિમાલય (Himalaya) વિસ્તારમાં ભારે વરસાદથી પૂર (Flood), ભૂસ્ખલન (Landsliding)ની સાથે લેક ફાટવાથી અચાનક પાણી વહી જવાની આશંકા વધી જશે. આ રિપોર્ટને 195 સભ્ય દેશોએ મંજૂરી આપી છે.
ભારત પર કેવી અસર પડશે?
IPCCએ ચેતવણી આપી છે કે, થોડાક વર્ષોમાં ભારત (India Climate Change)ને પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. હિંદુકુશ અને હિમાલયમાં ગ્લેશિયર્સનું સંકોચાવું, પાછળ હટવું, સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ અને પૂરની સ્થિતિ ઊભી થવી, તીવ્ર વાવાઝોડાનો મિશ્રિત પ્રભાવ, અનિશ્ચિત ચોમાસું, જળવાયુ પરિવર્તન (Climate Change)- આ બધું ભારતીય ઉપમહાદ્વિપ પર જોઈ શકાય છે. IPCCએ કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે હિન્દ મહાસાગર (Indian Ocean)માં સમુદ્રની સપાટીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની શક્યતા છે.
IPCCનું કહેવું છે કે, એશિયામાં ઊંચા પહાડો પર જેમાં હિમાલય સામેલ છે, હવે ત્યાં બરફ પડવાનું ઓછું થઈ ગયું છે અને ગ્લેશિયર સંકોચાતા જાય છે. જોકે, કારાકોરમ ગ્લેશિયરોના પાછળ હટવાની કોઈ મોટી પ્રવૃત્તી નથી નોંધાઈ. 21મી સદી દરમિયાન બરફથી ઢંકાયેલા વિસ્તારો અને બરફની માત્રામાં ઘટાડો ચાલુ રહેશે. આ ઉપરાંત ઉત્સર્જનમાં વૃદ્ધિની સાથે ગ્લેશિયરના કદમાં વધુ ઘટાડો આવવાની શક્યતા છે.
વધતા વૈશ્વિક તાપમાન અને વરસાદથી ગ્લેશિયર લેકના ફાટવા અને લેક પર ભૂસ્ખલનની ઘટના વધી શકે છે. ભારતે હાલમાં જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચા પહાડોમાં પૂર અને ભૂસ્ખલનની આપત્તિઓનો સામનો કર્યો છે. પહાડી ક્ષેત્રોમાં મહત્તમ તાપમાનમાં વધારો અને લઘુત્તમ તાપમાનમાં વધારો આવ્યો છે. આ વલણ આવનારા દશકોમાં એશિયામાં ચાલુ રહેશે.
વર્ષ 2100 સુધીમાં તાપમાનમાં અસહ્ય વધારાથી માણસજાત પર ખતરો
નોંધનીય છે કે, IPCC એ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉત્પન્ન થયેલ ગંભીર જોખમ અંગે ચેતવણી આપી છે. IPCCએ રિપોર્ટમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2100 સુધીમાં ધરતીના સરેરાશ તપામાનમાં પૂર્વ ઔદ્યોગિક કાળની સરખામણીએ 2 ટકાથી વધુ વૃદ્ધિ થઈ શકે છે. જેથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન તાત્કાલિક ઓછું કરવા તાકીદ કરાઈ છે. IPCCએ છઠ્ઠા આકલન રિપોર્ટનો પહેલો ભાગ, પૃથ્વીના જળવાયુ પરિસ્થિતિનું મૂલ્યાંકન, પરિવર્તન અને ગ્રહ પર તેની અસરને જાહેર કરવામાં આવી છે. પૃથ્વીની જળવાયુ પરિસ્થિતિ અંગેનો આ રિપોર્ટ વ્યાપકરૂપે સ્વીકૃત વૈજ્ઞાનિક સલાહ છે.
વર્ષ 2015ની પેરિસ સમજૂતી મુજબ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વૈશ્વિક તાપમાનમાં થતી વૃદ્ધિને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડીને 1.5 ડિગ્રી સુધીમાં રાખવાનો લક્ષ્યાંક છે. વૈજ્ઞાનિકો જણાવે છે, કે ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીથી વધુ વૃદ્ધિ થશે તો પૃથ્વીના જળવાયુ પર ગંભીર અસર થશે. પૃથ્વીના જળવાયુ પર ગંભીર અસર થવાને કારણે મનુષ્ય તથા પ્રાણીઓને બચાવવા મુશ્કેલ થઈ જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર