ઉદયપુર: ઉદયપુર-અમદાવાદ વચ્ચે નવી ત્રણ ટ્રેન શરુ થવાની છે. આ ખુશખબરી દિવાળી પહેલા મળે તેવી શક્યતા છે. રેલ મંત્રાલયે તેને લઈને આ નવી રેલ લાઈન પર ત્રણ ટ્રેનો ચલાવાની મંજૂરી આપી દીધી છે. રેલવે બોર્ડ તરફથી ઉદયપુરથી અસારવા વચ્ચે બે ટ્રેન અને જયપુરથી અસારવા વાયા ઉદયપુર એક ટ્રેનને મંજૂરી આપી દીધી છે. રેલ મંત્રાલય તરફથી આ ત્રણ ટ્રેનોનું ટાઈમ શિડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ ટ્રેન રોકાવાના સ્ટેશન પણ નક્કી કરવામાં આવ્યા છે. ઉદયપુરના સાંસદ અર્જૂન લાલ મીણા સતત કોશિશ કરી રહ્યા છે કે, આ નવી રેલનો શુભારંભ દીવાળી પહેલા થઈ જાય. ત્યારે હવે ટ્રેનનું ટાઈમટેબલ જાહેર થઈ જતાં તેની આશા વધી ગઈ છે.
રેલવે અનુસાર, ગાડી નંબર 20963 દરરોજ સવારે ઉદયપુરથઈ 5.30 કલાકે રવાના થઈને 10.55 પર અસારવા પહોંચી જશે. આ ટ્રેન પાછી 20964 તરીકે આસારવાથી બપોરે 2.30 કલાકે રવાના થઈને રાતના 8 વાગે ઉદયપુર પહોંચી જશે. આવી રીતે ઉદયપુરથી અસારવાની વચ્ચે બીજી ટ્રેન 19703 દરરોજ ઉદયપુરથી સાંજે 5 વાગે રવાના થઈને રાતના 11 વાગ્યે અસારવા પહોંચી જશે. તો વળી પાછા ફરતા ગાડી નંબર 19704 અસારવાથી સવારે 6.30 કલાકે રવાના થઈને બપોરે 12.30 કલાકે ઉદયપુર પહોંચશે. ઉપરની બંને ટ્રેન ઉદયપુર સિટી સ્ટેશન ઉપરાંત ઉમરડા, જાવર, જયસમંદ રોડ, સેમારી, ઋષબદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિમ્મતનગર, પ્રાંતિજ, તાલોદ, નાડોલ, દેહગામ, નરોડા, સરદારનગર પર રોકાશે.
જયપુર-અસારવા ટ્રેનનું શિડ્યૂલ
આ નવી રેલ લાઈન પર જયપુરથી અસારવા વાયા ઉદયપુરથી એક ટ્રેનને મંજૂરી મળી છે. જે અંતર્ગત ગાડી નંબર 12981 જયપુરથી સાંજે 7.35 કલાકે રવાના થઈને બીજા દિવસે સવારે 8.45 પર અસારવા પહોંચી જશે. આ ટ્રેન નંબર 12982 અસારવાથી સાંજે 6. 45 કલાકે રવાના થઈને સવારે 7.45 જયપુર પહોંચી જશે. આ ટ્રેનનો સ્ટોપ ફુલેરા,કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જંક્શન, રાણાપ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિમ્મતનગર, નાડોલ, દહેગામ અને સરદારગ્રામમાં રહેશે.
દિવાળી સુધીમાં મળી શકે છે મોટી ભેટ
રેલ બોર્ડે ત્રણ ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે, પણ હજૂ સુધી આ ટ્રેન ચાલું થવાની તારીખ નક્કી થઈ નથી. જો કે, શિડ્યૂલ જાહેર થયાં બાદ હવે આશા છે કે, કોઈ પણ ક્ષણે આ નવી રેલ લાઈન પર ટ્રેન દોડી શકે છે. ટ્રેનોનું શિડ્યૂલ જાહેર થતાં રાજસ્થાન અને ગુજરાતના લોકોમાં ખુશીની લહેર દોડવા લાગી શકે છે, દિવાળી પહેલા ખુશખબર મળી શકે છે.