તુર્કી અને સીરિયામાં ભૂકંપ (Turkey-Syria Earthquake Updates)ના આંચકાઓ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ (Earthquake in Turkey & Syria) અને ત્યારબાદ ભૂકંપના આંચકાને કારણે ધરાશાયી થયેલી ઇમારતોમાંથી હજુ પણ મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક (Turkey-Syria Earthquake Death) વધીને 7,700થી વધુ થઈ ગયો છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હજુ વધવાની સંભાવના છે. બચાવકર્તાઓ હજારો ઇમારતોના કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધવાનું (rescue operation continue in Turkey & Syria) કામ કરી રહ્યા છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે.
તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્તેએ જણાવ્યું હતું કે, સોમવારે આવેલા ભૂકંપ બાદ તુર્કીમાં ઓછામાં ઓછા 5,894 લોકો માર્યા ગયા છે અને 34,810 લોકો ઘાયલ થયા છે. એકલા તુર્કીમાં જ 8,000 થી વધુ લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને લગભગ 3,80,000 લોકોએ સરકારી આશ્રયસ્થાનો અથવા હોટલોમાં આશ્રય લીધો છે. સીએનએનએ અહેવાલ આપ્યો છે કે સીરિયામાં ઓછામાં ઓછા 1,832 લોકો માર્યા ગયા છે અને 3,849 લોકો ઘાયલ થયા છે.
અહીં જાણો 10 સૌથી મોટા અપડેટ્સ
-તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, 24,400 થી વધુ ઇમરજન્સી કામદારો ઘટના સ્થળે હતા. પરંતુ સોમવારે આવેલા પ્રચંડ ભૂકંપના કારણે મોટા વિસ્તારોને અસર થઈ હતી અને એકલા તુર્કીમાં જ લગભગ 6,000 ઇમારતો ધરાશાયી થઈ હતી, તેમના પ્રયત્નો ખૂબ ઓછા સાબિત થઈ રહ્યા છે. શૂન્યથી નીચેનું તાપમાન અને લગભગ 200 આફ્ટરશોક બાદ પણ આવેલા ઝટકાઓના કારણે બચી ગયેલા લોકો સુધી પહોંચવાના પ્રયત્નોમાં મુશ્કેલીઓ આવી રહી છે, અને ભાંગી પડેલી ઇમારતોમાંથી લોકોને શોધવાનું જોખમી બની જાય છે.
-નૂરગુલ અતાઇએ એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે, હેટ પ્રાંતની રાજધાની અંતાક્યમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ નીચે દટાયેલી તેની માતાનો અવાજ તે સાંભળી શકે છે, પરંતુ બચાવકર્તાઓ અને ભારે ઉપકરણોનો અભાવ હોવાથી કાટમાળની અંદર પ્રવેશવાના તેના અને અન્ય લોકોના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. તેણે કહ્યું કે તેની માતા 70 વર્ષની હતી અને તે લાંબા સમય સુધી આ કાટમાળ સામે ઝઝૂમી શકી ન હતી.
- અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રથી દક્ષિણ-પૂર્વમાં આવેલા હાતેમાં લગભગ 1,500 ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે તેમના પરિવારો કાટમાળની નીચે ફસાઈ ગયા છે અને કોઈ બચાવ ટીમ અથવા મદદ પહોંચી રહી નથી.
- તુર્કિયેના દક્ષિણ-પૂર્વીય પ્રાંત કાહનેમનમારાસમાં કેન્દ્રિત થયેલા આ ભૂકંપને કારણે દમિસ્ક અને બૈરુતના રહેવાસીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. સીરિયામાં ‘ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ના મિશન હેડ સેબેસ્ટિયન ગેએ જણાવ્યું હતું કે ઉત્તરી સીરિયામાં તબીબી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
- તુર્કીના હતે પ્રાંતમાં હજારો લોકોએ રમતગમત કેન્દ્રો અથવા મેળાના હોલમાં આશ્રય લીધો હતો. જ્યારે અન્ય લોકોએ બહાર રાત વિતાવી હતી. ઇસ્કંદરું બંદરના એક વિસ્તારમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો, જ્યાં હજુ સુધી અગ્નિશામકો આગને કાબૂમાં લઇ શક્યા નથી. કાર્ગો કન્ટેનર (શિપિંગ કન્ટેનર)માં ભૂકંપના કારણે આગ લાગી હતી.
- અધિકારીઓને ડર છે કે સોમવારે વહેલી તકે આવેલા ભૂકંપથી મૃત્યુઆંક વધી શકે છે અને ત્યારબાદના આફ્ટરશોક્સમાં વધારો થઈ શકે છે કારણ કે બચાવકર્તાઓએ મંગળવારે કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધ ચાલુ રાખી હતી. ઓછા તાપમાન અને 200 જેટલા આફ્ટરશોકના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
-આંતરરાષ્ટ્રીય સહાયના તાજેતરના નિવેદનમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે જણાવ્યું હતું કે, તેઓ ઝડપથી 60 સભ્યોની બચાવ ટીમો તેમજ તબીબી પુરવઠો અને 50 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારે મંગળવારે વહેલી સવારે રાહત સામગ્રી અને 50 સભ્યોની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને વિમાનમાં તુર્કી મોકલી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, બુધવારથી તેની પાસે સીરિયા અને તુર્કીની દૈનિક સહાયની ફ્લાઇટ્સ હશે.
- ભારતે જણાવ્યું હતું કે, તે બે સર્ચ અને બચાવ ટીમો મોકલશે, જેમાં વિશિષ્ટ ડોગ સ્ક્વોડ અને તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઇસ્લામાબાદથી એક નિવેદન અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ બુધવારે અંકારાની મુલાકાત લેશે અને પોતાની સંવેદના અને એકતા વ્યક્ત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને નાટોના સહયોગી તુર્કીના લોકો પ્રત્યે સંવેદના અને સહાયતા આપવા માટે એર્દોગન સાથે ફોન પર વાત કરી હતી.
- વ્હાઇટ હાઉસે કહ્યું કે, તે તુર્કિયેના પ્રયત્નોમાં મદદ કરવા માટે શોધ અને બચાવ ટીમો મોકલી રહ્યું છે. સીરિયાના અલેપ્પો શહેર અને તુર્કીના દિયારબાકીર શહેર વચ્ચે 330 કિલોમીટરથી વધુના અંતરે ફેલાયેલા આ વિસ્તારમાં હજારો ઇમારતો ધરાશાયી થઇ હોવાના અહેવાલ છે.
- યુ.એસ. જિયોલોજિકલ સર્વેએ સોમવારના ભૂકંપને જમીનની નીચે 18 કિલોમીટરની ઊંડાઈ સાથે 7.8 પર માપ્યો હતો. સંભવતઃ પહેલા ભૂકંપના કારણે બીજો ભૂકંપ 100 કિલોમીટર દૂર આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર