સોમવાર રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ. ત્યારબાદ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ ફોન કર્યો. આ જાણકારી ટ્રમ્પે જાતે આપી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેઓએ બંને દેશોને જમ્મુ-કાશ્મીરમાં તણાવ ઓછો કરવાની સલાહ આપી છે.
એક સપ્તાહથી ઓછા સમયમાં આ બીજી વાર છે કે જ્યારે ટ્રમ્પે ઈમરાન ખાન સાથે વાતચીત કરી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું કે, મેં મારા બે સારા મિત્ર ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે વાતચીત કરી. આ બંને સાથે વેપાર, પસસ્પર ભાગીદારી અને સૌથી મહત્વપૂર્ણ બંને દેશોને કહ્યું છે કે તેઓ કાશ્મીરમાં તણાવ ઓછો કરે. સ્થિતિ મુશ્કેલ છે પરંતુ બંને નેતાઓ સાથે સાચી વાતચીત થઈ છે.
સૌથી પહેલા કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ. આ દરમિયાન તેઓએ પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરોધી નિવેદનોનો પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ આ વાતચીતમાં કહ્યું કે ભારતની વિરુદ્ધ હિંસા માટે આ પ્રકારે ભડકાવવા શાંતિ માટે યોગ્ય નથી.
ઉત્સાહભેર થઈ વાતચીત
વડાપ્રધાન કાર્યાલય મુજબ પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત ચાલી જેમાં બંને દેશોએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ વાતચીત ઘણી ઉત્સાહભેર અને સૌહાર્દપૂર્ણ રીતે થઈ જે બંને નેતાઓની વચ્ચેના સંબંધોને જાહેર કરે છે. વડાપ્રધાને પોતાની આ વાતચીતમાં આ વર્ષે જૂનમાં જાપાનના ઓસાકામાં થયેલી જી-20 શિખર સંમલનમાં થયેલી પોતાની બેઠકને પણ યાદ કરી.
ઈમરાન ખાન પર પીએમ મોદીએ સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષેત્રમાં કેટલાક નેતાઓ દ્વારા ભારતની વિરુદ્ધ હિંસા માટે ભડકાવવા અને નિવેદનો આપવા શાંતિ માટે અનુકૂળ નથી. મોદીએ આતંકવાદ અને હિંસા મુક્ત માહોલ બનાવવા અને સરહદ પારથી આતંકવાદ પર રોક લગાવવાના મહત્વ પર વાતચીત કરી.